back to top
Homeગુજરાતસાહેબ મિટિંગમાં છે:કોંગ્રેસે નિરીક્ષકોની યાદી જાહેર કરતા કાર્યકર્તાઓમાં નવી ચર્ચા શરૂ થઈ,...

સાહેબ મિટિંગમાં છે:કોંગ્રેસે નિરીક્ષકોની યાદી જાહેર કરતા કાર્યકર્તાઓમાં નવી ચર્ચા શરૂ થઈ, ભાજપના નેતાએ MLAને વિસ્તારમાં ભજનના કાર્યક્રમ કરવા સૂચન કર્યું!

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… ભજન મંડળી થકી લોકોને ભજનનું મહત્વ સમજાવવા સૂચન
ભાજપના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ દ્વારા તાજેતરમાં જ એક ભજન મંડળીઓનો ભક્તિમય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની ભાજપના પ્રદેશ નેતાઓ દ્વારા નોંધ લેવામાં આવી છે. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જગદીશ પંચાલ દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમના ખૂબ વખાણ ભાજપના નેતાઓએ તમામ ધારાસભ્યોની હાજરીમાં કર્યા હતા અને આવા કાર્યક્રમો દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં કરવા જોઈએ તેમ કહ્યું હતું. આજના ટેકનોલોજી અને ઝડપી યુગમાં લોકો ભક્તિમાં ભજનો ભૂલી ગયા છે. ભજન મંડળીઓ થકી લોકો ભજનોનું મહત્વ સમજાય અને સારો મેસેજ લોકો સુધી પહોંચી શકે તેના માટે નેતાઓએ આ સૂચન કર્યું હતું. જોકે ભાજપના જ એક ધારાસભ્ય પોતે અગાઉ આવા કાર્યક્રમ કરી ચૂક્યા છે તેવી પણ ચર્ચા ગાંધીનગરમાં કરતા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાતની રાહ જોતા રહ્યા પણ થઈ નહીં
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોની અને ક્યારે જાહેરાત થાય છે તેના માટે તમામ ધારાસભ્યોથી લઇ કાર્યકર્તાઓ આતુર છે. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યોની ડો. બાબા સાહેબ આંબેડકરને જન્મ જયંતીની ઉજવણીને લઈને બેઠક બોલાવેલી હતી. ગાંધીનગરની બેઠક ખૂબ મોટી અને અગત્યની હોવાની તેમજ સૌરાષ્ટ્રના એક મોટા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી રહ્યા હોવા અંગેની વાત સૌરાષ્ટ્રના જ એક ધારાસભ્ય દ્વારા વહેતી કરવામાં આવી હતી. નેતાજીને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને તેમનું નામ ફાઇનલ થઈ ગયું છે. પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે તેની મોટી મીટીંગ હોય શકે તેવી વાત વહેતી થઈ હતી. જેને લઈને સૌરાષ્ટ્રના નેતાઓને કાર્યકર્તાઓમાં પણ થોડો ઘણો ઉત્સાહ આવી ગયો હતો. પરંતુ જ્યારે ગાંધીનગર ખાતે મીટીંગ થઈ જેમાં સૌરાષ્ટ્રના નેતા આવ્યા પણ નહોતા અને કોઈ જાહેરાત પણ થઈ નથી. નિરીક્ષકોની યાદીમાં કોંગ્રેસના તમામ નેતાઓને સમાવી લેવાતા કાર્યકર્તાઓમાં ગણગણાટ
ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર-જિલ્લાના પ્રમુખોની પસંદગી માટે AICC ઓબ્ઝર્વર અને પ્રદેશ કોંગ્રેસના ઓબ્ઝર્વરની યાદી બહાર પાડવામા આવી છે. આ યાદીમાં 200થી વધુ નિરીક્ષકો બનાવ્યા છે માટે તેમા કોંગ્રેસના લગભગ તમામ નેતાઓને આવરી લીધા હોવાની હાસ્યાસ્પદ ચર્ચા થઇ રહી છે. આ યાદી સામે આવતા કાર્યકર્તાઓમા એવો ગણગણાટ શરૂ થયો છે કે રાહુલ ગાંધીના ગુજરાતમાં યોજાયેલ અધિવેશન બાદ ગદ્દારો સામે સ્ટ્રિકલી એક્શન લેશે તેવી શક્યતા હતી પરંતુ ચર્ચાતા ગદ્દાર નેતાઓમા જેટલા નામો હતા તેઓની તો નિરીક્ષકો તરીકે જ નિમણૂંક કરી દેતા હવે કોણ ભાજપની બી ટીમ છે તે અંગે કાર્યકરો અચંબિત થયા છે અને “જૈશે કા તૈસા” હાલની સ્થિતિ યથાવત રહેશે.. કાર્યકરોમા તો એવી પણ ચર્ચા છે કે ગુજરાત કોંગ્રેસ સંગઠનમા ગણ્યા ગાંઠયા નેતાઓ સિવાય કોઈને પ્રમોટ કરવામાં આવે તેવી કોઈ શક્યતા નથી અને સંગઠન મજબૂત થશે તેની આશા દૂર દૂર સુધી પણ વર્તાઇ નથી રહી.. ભાજપના કાર્યકર્તાઓને જૂથબંધી સમાપ્ત કરવા ટકોર
ભાજપમાં આંતરિક વિખવાદ સતત ચાલતો હોય છે. દરેક વોર્ડ અને વિધાનસભામાં નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ સપાટી ઉપર આવી જતા પક્ષની કામગીરી ઉપર પણ અસર પડતી હોય છે ત્યારે ભાજપના એક ઉચ્ચ નેતાએ જાહેર કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં આંતરિક વિખવાદ બંધ કરવા અને આવા ઝઘડાઓ બહાર ન આવે તેના માટેની ટકોર કરવી પડી હતી. વોર્ડના નેતાઓથી લઈ કોર્પોરેટરો અને ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓમાં ક્યાંકને ક્યાંક વિવાદ ચાલતો હોય છે. પદ મેળવવાથી લઈને કામગીરી માટે નાની મોટી બોલાચાલી થતી હોય છે. ભાજપના આ ઉચ્ચ નેતાની વિધાનસભામાં જ અલગ અલગ ગ્રુપ અને આંતરિક વિખવાદ શરૂ થયા છે જેના કારણે તેઓએ આ ટકોર કરવી પડી હોવા અંગેની કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે. સિંગલ ટેન્ડર ભરનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલિભગત ખુલ્લી પડી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટો આપવામાં આવતા હોય છે. જેમાં ટેન્ડર પ્રક્રિયાથી લઈ અને કોટેશનથી કામગીરી થતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળે તેના માટે ટેન્ડરમાં એવી શરતો મૂકે છે કે, જે કામગીરી આ એક જ કોન્ટ્રાક્ટર કરી શકે અને સિંગલ ટેન્ડર ભરાય તેવી બાબતો નવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આવી હતી. સિંગલ ટેન્ડર ભરનારા કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની ચેઇનને હવે કમિશનરે તોડી પાડી છે. હવે સિંગલ ટેન્ડર આવે તો તાત્કાલિક ધોરણે ટેન્ડરને રદ કરી ફરીથી મંગાવવાના રહેશે અને ત્યારબાદ જો સિંગલ ટેન્ડર થાય તો બજારભાવ સાથે સરખામણી કર્યા બાદ જ મંજૂર કરવા કમિશનરે અધિકારીઓને તાકીદ કરી છે. આમ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મિલીભગત પર બ્રેક લગાવી છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખો અને બાકી વોર્ડ પ્રમુખોની જાહેરાત ક્યારે?
ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને અમદાવાદ શહેરના પ્રદેશ પ્રમુખને લઈને કોકડું ગૂંચવાયું છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત 9 વોર્ડમાં પણ પ્રમુખની જાહેરાત કરવાની બાકી છે. પ્રમુખોની જાહેરાત કરવામાં ન આવતા હવે કાર્યકરોમાં અંદરો અંદર ઝઘડા શરૂ થઈ ગયા છે. તાજેતરમાં જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં વોર્ડ પ્રમુખ પદની બાબતને લઈ બોલાચાલી થઇ હોવાની ચર્ચા જાગી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાર્યકર્તાઓ હાજર હતા જેમાં એક કાર્યકર્તા પોતે પ્રમુખ પદ માટે લગભગ નિશ્ચિત છે અને પ્રમુખ બનશે તો વોર્ડમાં કોને મહામંત્રી, મંત્રી બનાવશે તેની ચર્ચા છે. જ્યારે અન્ય કાર્યકર્તા પોતે પણ દાવેદાર હોવાને લઈ અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બે કાર્યકર્તાઓમાં એક કાર્યકર્તા ચાલુ ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તા પૂર્વ ધારાસભ્યની લોબીનો હોવાની ચર્ચા છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ પરપ્રાંતીયોને લઈ કરાયેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું
સુરતમાં બિહાર સ્થાપના દિવસે હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય સુરત પહોંચ્યા હતા. તેમને જ્યારે ગુજરાતમાં પરપ્રાંતીયો દ્વારા ગુન્હાઈત કૃત્ય કરવામાં આવતા હોવા અંગે સવાલ કરાયો તો તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. નોંધનીય છે કે, અમદાવાદના વસ્ત્રાલમાં મારામારી અને તોડફોડની ઘટના બાદ ભાજપ -કોંગ્રેસના ધારાસભ્યોએ જ પરપ્રાંતીયોના કારણે ગુનાખોરી વધતી હોવાનું નિવેદન આપ્યું હતું. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં ભાજપમાં સંકલનનો અભાવ
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓમાં ફૂટ જોવા મળી હતી. ચૂંટણી દરમિયાન બે પેનલને સમર્થન આપવામાં જાણે ભાજપમાં જ બે અલગ અલગ ભાગ પડી ગયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સુરતના સાંસદે સ્ટેડિયમ પેનલને સીધી રીતે સમર્થન આપીને તેમને મત આપવા માટેની અપીલ કરી હતી. બીજી તરફ ભાજપના દિગ્ગજ નેતાએ બીજી પેનલને જીતાડવા માટે આંતરિક સમર્થન આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ભાજપના જ નેતાઓની અંદરો અંદરની ખેંચતાણ સ્પષ્ટ થઈ રહી હતી. સુરતના ભાજપના સાંસદ એક તરફ અને પાર્ટીના મોટા નેતાઓની લોબી એક તરફ દેખાઈ હતી. સુરત ભાજપના સંગઠનમાં આવું ક્યારેક જોવા મળતું હોય છે. ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મેમ્બરશીપ પાછળ લાખો રૂપિયાના ખર્ચ કરનારા કરોડપતિ મત આપવા પહોંચ્યા હતા. વિધાનસભાના ઇલેક્શન કરતા પણ વધુ રાજકારણ સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશન ની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. ભાજપના જ નેતાઓ સામસામે ચૂંટણી લડતા હોય તેવું સ્પષ્ટ થતું હતું. સુરતના ભાજપના સાંસદ ભલે કોઈ એક પેનલને જીતાડવા માટે પોતાનું સમર્થન જાહેર કરતા હોય પરંતુ ભાજપના જ બીજા નેતાઓ અન્ય પેનલને જીતાડવા માટે એડીચોટીનો જોર લગાડી રહ્યા હતા. ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ એક નેતાના સંબોધનથી મંત્રીથી લઈ અન્ય નેતાઓમાં ગણગણાટ
આગામી દિવસોમાં બિહાર ચૂંટણી આવી રહી છે, ત્યારે બિહાર દિવસ 2025ની ગુજરાતમાં ઉજવણીને લઈ અમદાવાદનાં નાના ચિલોડા ખાતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ અને બિહારના રાજ્ય મંત્રીની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યોગ્ય સંચાલન અને વ્યવસ્થાને લઈ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ શહેર ભાજપના અન્ય ભાષા ભાષી સેલ સહિતના લોકો પર રોષે ભરાયા હતા. બિહારમાં ભાજપના ગઠબંધનની NDA સરકાર અત્યારે છે ત્યારે એક નેતા સ્ટેજ પરથી ભાજપની સરકાર આવે અને ભાજપનો મુખ્યમંત્રી બને તેના માટે તમે જે આદેશ આપશો એમ કરીશું એવું કહ્યું હતું. ભાજપની સરકાર અને મુખ્યમંત્રી બને જેથી આપણે સુખી સંપન્ન ના શકે એવું કહ્યું હતું. આ સાંભળી સ્ટેજ પર બેઠેલા ભાજપના મંત્રીથી લઈ અન્ય નેતાઓમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments