બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ શરૂ કરવા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) તરફથી ઔપચારિક મંજૂરી મળી ગઈ છે. આ કોર્ષ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ હેઠળ ચલાવવામાં આવશે. આ ઐતિહાસિક મંજૂરી સાથે યુનિવર્સિટી આગામી શૈક્ષણિક સત્રથી 30 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે સ્વ-નાણાકીય રીતે આ અભ્યાસક્રમ શરૂ કરશે. AICTEની મંજૂરીથી અમને એરોસ્પેસ એન્જિનિયરિંગ જેવો અભ્યાસક્રમ શરૂ કરવાની તક મળી
આ અંગે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. (ડૉ.)ધનેશ પટેલે જણાવ્યું હતું કે, AICTEની મંજૂરીથી અમને એરોસ્પેસ એન્જિનિયરિંગ જેવો વિશિષ્ટ અને ભવિષ્યવાદી અભ્યાસક્રમ શરૂ કરવાની તક મળે છે. આ અમારી યુનિવર્સિટી માટે ગર્વની ક્ષણ છે અને વડોદરા અને ગુજરાતની શૈક્ષણિક પ્રગતિમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને અનુરૂપ, જે સ્વદેશી વિમાન ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને એરોસ્પેસ ક્ષેત્રની ઝડપથી બદલાતી જરૂરિયાતોને અનુરૂપ અદ્યતન તકનીકી જ્ઞાન અને વ્યવહારુ તાલીમ પૂરી પાડશે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેક્નિકલ શિક્ષણ ગુજરાતમાં જ ઉપલબ્ધ થશે
એરોસ્પેસ એન્જિનિયરિંગ કોર્સ શરૂ થવાથી વડોદરા, ગુજરાત અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની નવી તકો ખુલશે. એરક્રાફ્ટ ડિઝાઇન, સંરક્ષણ ટેકનોલોજી, ઉડ્ડયન પ્રણાલીઓ અને અવકાશ સંશોધન જેવા ક્ષેત્રોમાં કારકિર્દીની સંભાવનાઓ વધશે. આ કોર્ષ દ્વારા વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે મેટ્રો શહેરો કે રાજ્યની બહાર જવાની જરૂર રહેશે નહીં કારણ કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિશિષ્ટ ટેક્નિકલ શિક્ષણ ગુજરાતમાં જ ઉપલબ્ધ થશે. અમારા પ્રયાસો NEP 2020ના વિઝનથી પ્રેરિત છે
AICTE એ મિકેનિકલ એન્જિનિયરિંગના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં 60 વધારાની બેઠકો વધારવાને પણ મંજૂરી આપી છે. આ વધારો સ્વ-ધિરાણ માળખામાં પણ લાગૂ કરવામાં આવશે, જેનાથી યુનિવર્સિટી આ ક્ષેત્રમાં વધતી માંગને પહોંચી વળશે. આ બંને પહેલ નવી શિક્ષણ નીતિ (NEP) 2020ના મુખ્ય ઉદ્દેશ્યો સાથે સુસંગત છે. અમારા પ્રયાસો NEP 2020ના વિઝનથી પ્રેરિત છે, જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર બનાવવા અને નવીનતા આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપે છે. આ કાર્યક્રમો માત્ર અભ્યાસક્રમ નથી પરંતુ, પ્રાદેશિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણ તરફ વ્યૂહાત્મક પગલાં છે. ભવિષ્યની યોજનાઓ અને માળખાગત સુવિધાઓ
યુનિવર્સિટી એરોસ્પેસ એન્જિનિયરિંગ માટે જરૂરી પ્રયોગશાળાઓ, ઉદ્યોગ ભાગીદારી અને શૈક્ષણિક માળખાગત સુવિધાઓ વિકસાવવા પર સક્રિયપણે કામ કરી રહી છે. યુનિવર્સિટીએ એરોનોટિકલ એન્જિનિયરિંગ કોર્ષ માટે ગુજરાત સરકાર પાસેથી નાણાકીય સહાય માટે દરખાસ્ત રજૂ કરી હતી પરંતુ, સહાય ન મળવાને કારણે યુનિવર્સિટી સ્વ-નાણાકીય રીતે એરોસ્પેસ એન્જિનિયરિંગ કાર્યક્રમ શરૂ કરશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા શિક્ષણ, નવીનતા અને શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધ છે અને ગુજરાત અને દેશના યુવાનોની શૈક્ષણિક આકાંક્ષાઓને સાકાર કરવા માટે કાર્ય કરવાનું ચાલુ રાખશે.