જાન્યુઆરી મહિનામાં બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં હુમલો થયો હતો. ચોરીના ઈરાદે એક અજાણ્યો વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસ્યો અને ઝપાઝપી દરમિયાન સૈફ ઘાયલ થયો. આ કેસમાં બે દિવસ પહેલા પોલીસે 1613 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસે જણાવ્યું કે આરોપી 30 હજાર રૂપિયા ચોરવા માગતો હતો, જેથી તે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી શકે. આ કારણોસર તેણે સૈફના ઘરે ચોરી કરવાનું પ્લાનિંગ કર્યુ હતુ. મુંબઈ પોલીસે 12 એપ્રિલે બાંદ્રા કોર્ટમાં 1613થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ મુજબ, આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદે પોલીસને જણાવ્યું હતું કે- તે ફક્ત ભારતીય પાસપોર્ટ મેળવવા માટે ભારત આવ્યો હતો. તેણે કહ્યું કે ભારતીય નાગરિક બનીને વિદેશમાં વર્ક પરમિટનાં વિઝા મેળવવો ખૂબ સરળ છે. તેણે પાસપોર્ટની અરજી કરવા માટે પહેલા નકલી આધાર અને પાન કાર્ડ બનાવવાની યોજના બનાવી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે- તે બાંગ્લાદેશના ઝાલોકાઠી જિલ્લાનો વતની છે અને લૂંટના પ્રયાસના આઠ મહિના પહેલા ગેરકાયદે રીતે ભારત આવ્યો હતો. મુંબઈ આવતા પહેલા તે લગભગ 15 દિવસ કોલકાતામાં રોકાયો હતો. આરોપીએ વધુમાં જણાવ્યું કે- તે મુંબઈની એક હોટલમાં કામ કરતો હતો અને 15 જાન્યુઆરીએ તેણે એક દિવસની રજા લીધી હતી. તેને નકલી પાન કાર્ડ અને આધાર કાર્ડ બનાવડાવવું હતું. આ માટે તેણે એક વ્યક્તિ સાથે પણ વાત કરી હતી જેણે નકલી ડોક્યુમેન્ટ બનાવવા માટે 30 હજાર રૂપિયા માગ્યા હતા. તેનો ઈરાદો ફક્ત ચોરી કરવાનો હતો જેથી તે પોતાના ડોક્યુમેન્ટ બનાવી શકે. આ ચાર્જશીટમાં 35 સાક્ષીઓનાં નિવેદનો તેમજ 25 સીસીટીવી ફૂટેજનો સમાવેશ થાય છે આરોપીએ સૈફના ઘરમાં પ્રવેશવાનો રસ્તો બતાવ્યો આરોપીએ પોલીસને જણાવ્યું કે- તે સૈફ અલી ખાનના ઘરની નજીક આવેલી એક ઇમારતની ટેરેસ પર ગયો હતો. ત્યાંથી તે કૂદીને સૈફના એપાર્ટમેન્ટમાં એન્ટ્રી કરી. ત્યારબાદ તે બિલ્ડિંગના પાછળના ભાગમાં સીડીઓ ઉપર ગયો, ત્યાં પ્રોટેક્શન નેટ લગાવવામાં આવી હતી. તેણે કટરની મદદથી નેટ કાપી અને એર કન્ડીશનીંગ ડક્ટમાંથી અંદર પ્રવેશ કર્યો. આ પછી તે બાથરૂમ દ્વારા સૈફના ઘરમાં પ્રવેશ્યો. તેણે પોલીસને કહ્યું કે તેણે ત્યાં બે કેર ટેકરને જોઈ. એક તેનો મોબાઇલ ફોન વાપરી રહી હતી અને બીજી સૂઈ રહી હતી. એક બાળક (જેહ) પલંગ પર સૂઈ રહ્યો હતો. ચાર્જશીટ મુજબ, આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને પછી સૈફ પર છરીથી હુમલો કર્યો. આરોપીએ કહ્યું- મેં તેની પીઠ અને હાથ પર છરી મારી. આ કારણે તેની પકડ નબળી પડી ગઈ. તેણે મને રૂમમાં ધકેલી દીધો અને દરવાજો બંધ કરી દીધો. પણ હું બારીમાંથી ભાગ્યો અને નીચે ઉતરવા માટે પાઇપનો ઉપયોગ કર્યો. મેં નીચે કપડાં બદલ્યા અને બસ સ્ટોપ તરફ ભાગી ગયો અને ત્યાં સૂઈ ગયો. પછી હું બાંદ્રા સ્ટેશન ગયો. સૈફ અલી કેસમાં પોલીસને મહત્ત્વના પુરાવા મળ્યા 15 જાન્યુઆરીએ સૈફ પર હુમલો થયો હતો
15 જાન્યુઆરીના રોજ સૈફ અલી ખાન પર તેના ઘર, સતગુરુ શરણ એપાર્ટમેન્ટ્સમાં હુમલો થયો હતો. આ પછી સૈફ પોતે હોસ્પિટલ પહોંચ્યો હતો. તેને હાથ, કરોડરજ્જુ અને પીઠમાં ઈજા થઈ હતી. સારવાર બાદ, એક્ટરને 21 જાન્યુઆરીએ રજા આપવામાં આવી હતી. પોલીસે બે દિવસ પછી બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી.