ટેકનિકલ શિક્ષણ વિભાગમાં આશરે એક વર્ષથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેના અંતર્ગત બે મહિના અગાઉ એટલે કે, જાન્યુઆરી 2025માં બે ઓર્ડર દ્વારા ડિગ્રી અને ડિપ્લોમા કોલેજના આશરે 1,000 અધ્યાપકોને ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરાયું હતું. પરંતુ ઘણા બધા અધ્યાપકો તેમાં બાકાત હતા અને ત્રીજો ઓર્ડર ફેબ્રુઆરી મહિનાનાં પ્રથમ અઠવાડિયામાં તૈયાર થવા છતાં વારાફરતી બે વાર કમિશનરની બદલી થતાં તે થઈ શક્યો ન હતો. અધ્યાપક મંડળ દ્વારા તાજેતરમાં નવા ટેકનિકલ કમિશનર તલાટી સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી આ અંગે ત્વરિત નિર્ણય કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેને સંવેદનશીલતાથી અગ્રતા ક્રમે ગણી ટેકનિકલ શિક્ષણ કમિશનર દ્વારા ટૂંકા સમયમાં આ ત્રીજો ઓર્ડર કરવામાં આવેલ છે, જેમાં આશરે 405 જેટલા ડિગ્રી કોલેજના અધ્યાપકો તેમજ 613 જેટલા પોલિટેકનિક કોલેજના અધ્યાપકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે આશરે 90 ટકા અધ્યાપકોની પ્રથમ મુવમેન્ટ મંજૂર કરાઈ છે જેનો અધ્યાપક મંડળ દ્વારા સહર્ષ સ્વીકાર સાથે કમિશનર ટેકનિકલ શિક્ષણ વિભાગ અને સરકારનો આભાર માન્યો છે. હવે ઉચ્ચ પગાર ધોરણની આગામી 2 મુવમેન્ટ જે અધ્યાપકોની બાકી છે તે પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તેવી આશા અધ્યાપક મંડળ રાખે છે. હવે આ તમામ મુવમેન્ટ ઓનલાઇન પોર્ટલ દ્વારા કરનાર ટેકનિકલ શિક્ષણ વિભાગ ગુજરાતનું પ્રથમ ડિપાર્ટમેન્ટ બન્યું છે. હવે પછીની મુવમેન્ટ વધુ ઝડપથી અને કાર્યદક્ષતાથી થઈ શકશે તે બાબતે કોઈ બે મત નથી.