back to top
Homeગુજરાતઅમદાવાદમાં ગુંડાઓ બેફામ, 2 દિવસમાં 4 બબાલ:રખિયાલ, જુહાપુરા, ગોમતીપુર અને સાબરમતીમાં છરી-તલવાર...

અમદાવાદમાં ગુંડાઓ બેફામ, 2 દિવસમાં 4 બબાલ:રખિયાલ, જુહાપુરા, ગોમતીપુર અને સાબરમતીમાં છરી-તલવાર વડે હુમલા, પોલીસ નિષ્ક્રિય થતાં ગુનેગારો સક્રિય

અમદાવાદમાં ગુનાખોરીએ ફરીથી માથુ ઉચક્યુ હોય તેવુ લાગી રહ્યું છે. વસ્ત્રાલમાં હોળીની રાતે તોફાની તત્વોએ મચાવેલા આતંક બાદ અમદાવાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને ગુનેગારો પર કાયદાનો સંકજો કસ્યો હતો. પોલીસની લાલઆંખ બાદ પણ ગુનેગારો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અને શહેરના વિવિધ વિસ્તારમાં તોફાની તત્વોએ તલવાર અને છરીઓ વડે આતંક મચાવતા ચકચાર મચી ગઈ છે. શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 મોટી બબાલની ઘટના સામે આવી છે. જેમાં રખિયાલ વિસ્તારમાં તલવારો સાથે ટોળું તૂટી પડયાના દ્રશ્ય સામે આવ્યા છે જ્યારે જુહાપુરામાં બે દિવસ પહેલા મંડલી ગેંગ અને બક્ષી ગેંગ વચ્ચે તલવારો ઉછળી હોવાની ઘટના બની હતી. આ ઘટના હજુ શાંત નહોતી થઈ ત્યાં મોડીરાતે ફરીથી તલવારો ઉછળી હતી. એક કા તીન કૌભાંડ તેમજ ફાયરીંગ જેવા અનેક કેસોમાં સંડોવાયેલા કૃખ્યાત આરોપીઓએ તેની ગેંગ સાથે મળીને બે લોકો પર તલવાર વડે હુમલો કર્યો હતો. શહેરના જુહાપુરા, ગોમતીપુર, સાબરમતી સહિતના વિસ્તારોમાં હુમલાની ઘટનાઓ બની છે. જૂની અદાવતમાં રખિયાલમાં આતંક
રખિયાલમાં અજીત મિલ પાસે તલવારો સાથે લોકો જૂની અદાવતમાં આતક મચાવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપી તેમજ ફરિયાદ કરનાર સુંદરમનગર બાપુનગરમાં બાજુ-બાજુમાં રહે છે અને જૂના ઝઘડા ચાલતા હોય ગઇકાલે (14 એપ્રિલ) રાત્રે કોઈ સામાજિક પ્રસંગે રખિયાલમાં ભેગા થયા હતા. જૂની અદાવત અંગે મનદુઃખ રાખી ફરિયાદીના ઘરે અજિત રેસીડેન્સી રખિયાલ ખાતે આરોપીઓ ફરિયાદીને માર મારવાના ઈરાદે હાથમાં તલવારો તેમજ છરા લઈને આવી પહોંચ્યા હતા. આ મામલે પોલીસે તમામ આરોપીઓને પકડી લીધા છે. આરોપીઓના નામ
1. અફવાત મ. અંજુમ સિદ્દીકી
2. અસરફ અદાદતખાન પઠાણ
3. અમ્મર મ.અંજુમ સિદ્દીકી
4. મ. કાલિમ તોફીક સિદ્દીકી
5. મ. અજીમ તોફીક સિદ્દીકી
6. પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન
7. સગીર વયનો આરોપી બનાવ 2
ઝઘડામાં વચ્ચે પડેલા બે યુવકના માથામાં તલવારના ઘા ઝીંક્યા
જુહાપુરા વિસ્તારમાં આવેલા બાગે મશીરા સોસાયટીમાં રહેતા ઝૈદખાન પઠાણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કૃખ્યાત વસીમ બાપુ, મોઇન, આસીફ સહિત દસ લોકો વિરૂદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ કરી હતી. ઝૈદખાન ઇલેકટ્રિશિયન છે અને માતા ફરઝાનાબાનુ તેમજ ત્રણ ભાઇ હંજલા, નાઉલ્લા અને ઉબેદુલ્લા સાથે રહે છે. સ્ટમ્પ પડી જતા ગાળો બોલી હતી
12 એપ્રિલે ઝૈદખાન પોતાના બે ભાઇ અને માતા સાથે ઘરે હાજર હતો ત્યારે સૌથી નાનો ભાઇ ઉબેદુલ્લા બહાર ચાલવા માટે ગયો હતો. ઉબેદુલ્લાએ ઘર આવીને ઝૈદખાનને જણાવ્યુ હતું કે હું ચાલવા ગયો હતો ત્યારે આશીફનો દિકરો તેના મિત્ર સાથે ક્રિકેટ રમતો હતો. દરમિયાનમાં મારાથી સ્ટમ્પ પડી જતા ગાળો બોલવા લાગ્યા હતા. ભાઇની વાત સાંભણીને ઝૈદખાન તેના ભાઇઓને લઇને સોસાયટીના ગેટ પર ગયા હતા. જ્યા આશીફ, મોઇન, વસીમબાપુ સહિતના લોકો ઉભા હતા. ઝૈદે તમામ લોકની માફી માંગી હતી અને પરત ઘરે આવી ગયા હતા. 10 લોકોની ગેંગ તલવાર-લાકડી લઇને ઉભી હતી
ચારેય ભાઇઓ ઘરે આરામ કરતા હતા ત્યારે એકાએક કેટલાક લોકો જોરજોરથી ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાનો અવાજ આવતા ઝૈદખાન તેના ભાઇઓ સાથે ઉઠીને ઘરની બહાર આવ્યા હતા. બહાર આવતાની સાથે જ જોયુ તો આસીફ, મોઇન, વસીમ સહિત દસ લોકોની ગેંગ હાથમાં તલવાર અને લાકડીઓ લઇને ઉભી હતી. બબાલમાં વચ્ચે કેમ પડ્યા, જતા રહો નહિંતર જાનથી મારી નાખીશું
પૂર્વ આયોજીત કાવતરું હોય તેમ આરોપીઓ ઝૈદખાન સાથે મારઝુડ કરવા લાગ્યા હતા. તમામ આરોપીઓ ઝૈદખાનને મારતા હતા ત્યારે સોસાયટીના બે સભ્યો ઇમ્તિયાઝ અને અલ્ફાઝ તેને છોડાવવા માટે અને બબાલ શાંત કરવા માટે વચ્ચે પડ્યા હતા. ત્યારે હુમલાખોરોએ ઇમ્તિયાઝ અને અલ્ફાઝના માથામાં તલવારનો ઘા મારીને લોહીલુહાણ કરી દીધા હતા. આસીફ સહિતના લોકોએ ઇમ્તિયાઝ અને અલ્ફાઝને ધમકી આપી હતી કે તમે અમારી બબાલમાં વચ્ચે કેમ પડ્યા છો, જતા રહો નહિંતર જાનથી મારી નાખીશું. આરોપી વસીમ બાપુનો ગુનાહિત ઈતિહાસ
હુમલો કર્યા બાદ આશીફ સહિતના લોકો નાસી ગયા હતા, જ્યારે ઇમ્તાઝ, અલ્ફાઝ અને તેના ભાઇને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વેજલપુર પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોચી ગયા હતા. જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સંડોવાયેલો વસીમ બાપુ એક કા તીન કૌભાડ તેમજ ફાયરિંગ જેવા અનેક ગુનામાં સંડોવાયેલો છે. બનાવ 3
મિત્રો સામે ઈજ્જત જતાં શખસે યુવકને પીઠ પર છરી મારી
સાબરમતી વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા વિક્રમ પટણીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં મયુર વણઝારા નામના યુવક વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી હતી. વિક્રમ સંયુક્ત પરિવારમાં રહે છે અને શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનના ખુલ્લા પ્લોટમાં મયુર વણઝારા તેના મિત્રો સાથે બાઇકો પર બેસી રહે છે અને મસ્તી કરતા હોય છે. મયુરની આ હરકતોથી સોસાયટીના રહીશો કંટાળી ગયા હતા. આ મામલે વિક્રમે મયુરને ત્યાંથી જતા રહેવાનું કહ્યુ હતું. જેથી મયુરનું મિત્રો સામે અપમાન થતા તે વધુ ગિન્નાયો હતો અને ધમકી આપવા લાગ્યો હતો કે તું અહીંથી જતો રહે નહી તો તને જાનથી મારી નાખીશું, તુ મને ઓળખતો નથી. મયુરે તેની પાસે રહેલો છરો કાઢતા વિક્ર્મ ત્યાથી ઘરે જવા નીકળી ગયો હતો. વિક્રમ ચાલતો જતો હતો ત્યારે મયુરે તેના પીઠ પાછળ છરીનો ઘા મારી દીધો હતો. પોલીસે મયુર વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બનાવ 4
કુતરાના મામલે 8 લોકોએ રિક્ષાચાલક પર છરીથી હુમલો કર્યો
ગોમતીપુર વિસ્તારમાં આવેલી લુહાર શેરીમાં રહેતા ભરત મુળેએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ભાવીન ઉર્ફે મનુ ઠાકુર, તેજસ બારોટ, કપીલા બારોટ, અભી બારોટ, અનીસ, ગુનીયા અને અભિ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. ભરત રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે અને દસ વર્ષ પહેલા સલમા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ દરમિયાન 11 એપ્રિલે ભરત અને સલમા રિક્ષા લઇને ગોમતીપુર ખાતે પહોંચ્યા હતા. ત્યારે ભાવીન સહિતના લોકો છરી અને દંડા લઇને આવેલા હતા. આરોપીઓ ગાળો બોલીને ભરતને કહેવા લાગ્યા હતા કે તમારૂં કુતરૂ કપીલા બારોટના ઘર સુધી કેમ આવવા દો છો. ભરત કઇ બોલે તે પહેલા ભાવીન સહિતના લોકોએ તેમના ઉપર દંડા વડે હુમલો કરી દીધો હતો. આ સિવાય હુમલાખોરોએ ભરતને શરીર પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. સલમાએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ભરતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ ગોમતીપુર પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભાવીન સહિતના લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments