આજે 15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ છે, પરંતુ શરૂઆતના દિવસે જ શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં રિંગરોડ ખાતે આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર લગભગ 500થી વધુ ભક્તો રાતથી જ લાઈનમાં ઊભા હતા, પણ બેંક દ્વારા માત્ર 25 યાત્રાળુનાં રજિસ્ટ્રેશન કરાશે, એમ જણાવાતાં ભક્તોનો રોષ ફાટ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. 200થી વધુ ભક્તો કતારમાં ઊભા છે અને સર્વર ડાઉન હોવાના કારણે રજિસ્ટ્રેશન ન થતું હોવાનું તેમજ એક કલાકમાં રજિસ્ટ્રેશન થતું હોવાનું જણાવતાં યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. અહીં નોંધનીય છે કે દરરોજ 100 જેટલાં રજિસ્ટ્રેશન થવાનું જણાવવામાં આવ્યું હતું. પહેલા દિવસે માત્ર 25 રજિસ્ટ્રેશનની મર્યાદા રાખવામાં આવતાં લોકોને ભારે નિરાશા થવી પામી છે. બેંકના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે સ્ટાફની અછત અને સર્વર ડાઉન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં બેંકની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા
સુરતમાં અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવા આવેલા ભક્તોએ આરોપ મૂક્યો છે કે બેંક દ્વારા બાકીના રજિસ્ટ્રેશન પૈસા લઇને અન્ય માર્ગે કરવાના પ્રયાસ થઈ શકે છે. અનેક ભક્તોએ જણાવ્યું કે તેઓ મોડીરાતથી લાઈનમાં ઊભા છે, ભારે ગરમી હોવા છતાં પોતાનું સ્થાન છોડવાનું પસંદ નથી કરતા. જ્યારે રાત્રિ દરમિયાન પણ તેમણે બેંકની બહાર જ બેસીને રજિસ્ટ્રેશનની રાહ જોઇ હતી. ભક્તો બેંકની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. કેટલાક લોકોએ તો ખાવા-પીવાના સામાન સાથે બેંકની બહાર જ વ્યવસ્થા ગોઠવી લીધી છે અને ત્યાં જ બેસીને પોતાના વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. માત્ર 25 લોકોનાં રજિસ્ટ્રેશન કરવાની વાત કરતાં લોકોમાં રોષ
શિવસેવક ગ્રુપના પ્રમુખ જગદીશભાઈ મેરે જણાવ્યું હતું કે સવારે જ્યારે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં આવ્યા અને રજૂઆત કરી ત્યારે એ લોકોએ જણાવ્યું હતું કે આજે માત્ર 25 લોકોનાં રજિસ્ટ્રેશન કરવાનાં છે, જે તદ્દન ખોટું છે. બેંકમાં 100 રજિસ્ટ્રેશનનો ક્વોટા હોય છે, 100 બાલતાલ અને 100 પહેલગામનો ક્વોટા હોય છે. કાલ રાતથી લોકો લાઈન લગાવીને બેસ્યા છે. તો કેટલાક લોકો સવારે ચાર વાગ્યાથી આવીને બેઠા છે. અમારો હક ખાઈ જાય એ સરાસર અન્યાય છે. અમે બેંકના લોકોને પૂછ્યું કે જે 75 રજિસ્ટ્રેશન બાકી રહેશે એનું શું કરવાના છો, મળતિયાઓને આપવાના છો કે વેચાણથી આપવાના છો કે કશું ખોટું કરવાના છો?. બધા શિવભક્તો ગઈકાલ રાતથી આવ્યા છે, તેમને ન્યાય મળવો જ જોઈએ. આ લોકો બહાનું કાઢે છે કે એસબીઆઈ અને પંજાબ નેશનલ બેંકમાં પણ 100 જેટલાં રજિસ્ટ્રેશન થાય છે, તમે ત્યાં જાઓ, પરંતુ દર વર્ષે અમે આ જ બેંકમાં રજિસ્ટ્રેશન કરાવીએ છીએ, તો શા માટે અન્ય બેંકમાં જઈએ? ‘એકપણ વ્યક્તિનું રજિસ્ટ્રેશન આ લોકોએ નથી કર્યું’
શ્રદ્ધાળુ રાજેશભાઈ પટોડિયાએ જણાવ્યું હતું કે હું રાત્રે 9:00 વાગ્યાથી આવીને બેઠો છું, લગભગ 16થી 17 કલાક થઈ ગયા છે. બેંકની બહાર અમે બેસેલા છીએ, પરંતુ અત્યારસુધી આ લોકોએ કોઈપણ રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરી નથી. વારંવાર એક જ વાત કરે છે કે સર્વર ડાઉન છે. એકપણ વ્યક્તિનું રજિસ્ટ્રેશન આ લોકોએ નથી કર્યું. ‘મહાદેવના ભક્તો મોડીરાતથી રજિસ્ટ્રેશન માટે બેઠા છે’
શ્રદ્ધાળુ રવિ મિત્તલિયાએ જણાવ્યું હતું કે હું પ્રથમવાર અમરનાથ યાત્રા માટે જઈ રહ્યો છું, પરંતુ જે સપોર્ટ અમરનાથ યાત્રા માટે મને મળવો જોઈએ એ અહીંથી મને મળતો નથી. અમે રાત્રિના 9:00 વાગ્યાથી આવીને બેઠા છીએ. એક વ્યક્તિનું પણ રજિસ્ટ્રેશન 17 કલાકમાં થયું નથી. મને લાગે છે કે આમાં કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે. આવી બાબતો પર સરકારે ધ્યાન આપવું જોઈએ. દેવોના દેવ મહાદેવના ભક્તો રાતથી બેઠા છે, જો તેમને ન્યાય ન મળતો હોય તો દેશમાં કોઈને ન્યાય ન મળે. બીજી તરફ બેંકમાંથી જણાવવામાં આવ્યું છે કે હાલ સર્વર ડાઉન હોવાના કારણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. આ માટે લોકોને કહ્યું છે કે અમે મર્યાદિત જ રજિસ્ટ્રેશન કરી શકીએ. રાજકોટમાં પણ રજિસ્ટ્રેશન માટે આવેલા લોકો પરેશાન
રાજકોટમાં પણ અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. આજે જિલ્લા પંચાયત ચોકમાં આવેલી યસ બેન્કમાં અરજદારોને ભારે હાલાકી ઊભી થતાં હોબાળો થયો હતો. અરજદારોએ જણાવ્યું હતું કે બાબા અમરનાથ યાત્રાએ જવા માટે રજિસ્ટ્રેશન કરાવવા મોડી રાત્રિના 12 વાગ્યાથી અમે લોકો લાઈન લગાવીને બેઠા છીએ, પરંતુ હજુ સુધી બેંકે કોઈનું રજિસ્ટ્રેશન કર્યું નથી. યસ બેંક બહાર 200થી વધુ અરજદારોની લાંબી કતારો લાગી છે છતાં સર્વર બંધ હોવાને કારણે કોઈનું રજિસ્ટ્રેશન થયું નથી તેમજ એક કલાકમાં રજિસ્ટ્રેશન શરૂ થવાનું જણાવાઈ રહ્યું છે. એને લઈને યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવાની અપીલ રજિસ્ટ્રેશન કરાવવા આવેલા લોકો દ્વારા કરવામાં આવી હતી.