રવિવારે રાત્રે ગાઝામાં અલ-બલાહ પર ઇઝરાયલી હુમલામાં 37 લોકો માર્યા ગયા છે. આમાં 6 ભાઈઓ છે. તેમની ઉંમર 10 વર્ષથી 34 વર્ષની વચ્ચે છે. આ છોકરાઓ ગાઝામાં વિસ્થાપિત પરિવારોને ખોરાકનું વિતરણ કરી રહ્યા હતા. માર્યા ગયેલા છોકરાઓના પિતા ઝાકી અબુ મહદીએ કહ્યું કે તેમના દીકરાઓ ફક્ત લોકોને મદદ કરી રહ્યા હતા અને તેમને કોઈ લશ્કરી પ્રવૃત્તિ સાથે કોઈ લેવાદેવા નથી. દરમિયાન, ઇઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે તેમનું ટાર્ગેટ લશ્કરી લક્ષ્ય હતું. જોકે, ગાઝાના આરોગ્ય મંત્રાલયે આ વાતનો ઇનકાર કર્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આ હુમલાની નિંદા કરી અને ગાઝામાં તબીબી સહાયમાં વિલંબને કારણે એક બાળકના મૃત્યુની પણ જાણ કરી. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધ શરૂ થયું ત્યારથી 50,944થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. હમાસના નુખ્બા ફોર્સના નેતાનું પણ મોત થયું ઇઝરાયલે હમાસના નુખ્બા ફોર્સના નેતા હમઝા વેલ મુહમ્મદ અસાફાની હત્યાની પુષ્ટિ કરી છે. હમઝા 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પરના હુમલા અને બંધકોને મુક્ત કરાવવાના એક તબક્કામાં સામેલ હતો. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) અનુસાર, હમઝા બે અઠવાડિયા પહેલા મધ્ય ગાઝામાં થયેલા હુમલામાં માર્યો ગયો હતો. હમઝાએ ઇઝરાયલી બંધકો એલિયાહુ શરાબી, ઓહદ બેન-અમી અને ઓર લેવીની મુક્તિમાં ભાગ લીધો હતો. ઇઝરાયલે 1000 સૈનિકોને કાઢી મૂક્યા ઇઝરાયલે 1,000 સૈનિકોને કાઢી મૂક્યા છે. તેમણે ગાઝા યુદ્ધ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આ યુદ્ધ હવે રાજકીય ઉદ્દેશ્યો પૂરા કરી રહ્યું છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ તેના લગભગ 1,000 રિઝર્વ સૈનિકોને બરતરફ કર્યા છે. ઇઝરાયલના લશ્કરી વડા એયાર ઝમીર અને વાયુસેનાએ રિઝર્વિસ્ટને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ બરતરફી ક્યારે થશે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સૈનિકોએ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ સામે અવાજ ઉઠાવ્યો હતો અને બંધકોને મુક્ત કરવા માટે તાત્કાલિક યુદ્ધવિરામની માગ કરી હતી. ઇઝરાયલે ગાઝામાં રાફાને ઘેરી લીધું ઇઝરાયલી સૈન્યએ રાફાને ગાઝાના બાકીના ભાગોનું સંપર્ક કાપી નાખ્યો છે. સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF)એ મોરાગ કોરિડોર પર કબજો કરી લીધો હતો, જેનાથી રાફા ગાઝા પટ્ટીથી અલગ થઈ ગયું હતું. મોરાગ કોરિડોર એ દક્ષિણ ગાઝામાં એક માર્ગ છે જે તેને ગાઝા પટ્ટીથી અલગ કરે છે. કાત્ઝે ગાઝાના લોકોને ધમકી આપતા કહ્યું કે હમાસને હાંકી કાઢવા અને બધા બંધકોને મુક્ત કરીને યુદ્ધનો અંત લાવવાની આ છેલ્લી તક છે. જો આવું નહીં થાય તો ગાઝાના અન્ય વિસ્તારોમાં પણ આ બધું થવા લાગશે. મેપ પર રાફાનું લોકેશન… ઇઝરાયલ હવે રફાહ પર નિયંત્રણ રાખશે કાત્ઝે કહ્યું કે રાફા હવે “ઇઝરાયલી સુરક્ષા ક્ષેત્ર”માં ફેરવાઈ ગયું છે. ઇઝરાયલી સુરક્ષા ક્ષેત્રો એવા વિસ્તારોનો ઉલ્લેખ કરે છે જે ઇઝરાયલ નિયંત્રિત કરે છે અને તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ માને છે. રાફા ક્રોસિંગ, ફિલાડેલ્ફી કોરિડોર, પશ્ચિમ કાંઠાના કેટલાક વિસ્તારો અને ગોલાન હાઇટ્સ ઇઝરાયલી સુરક્ષા ક્ષેત્રમાં આવે છે. આ વિસ્તારો સેના દ્વારા નિયંત્રિત છે. ઇઝરાયેલ કાત્ઝે જણાવ્યું હતું કે, ગાઝાને બે ભાગમાં વહેંચતા નેત્ઝારિમ કોરિડોરનો પણ વિસ્તાર કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે યુદ્ધવિરામ કરાર થયો ત્યારે ઇઝરાયલે નેત્ઝારિમ કોરિડોર છોડી દીધો હતો, પરંતુ થોડા સમય પછી ઇઝરાયલે ફરીથી યુદ્ધ શરૂ કર્યું અને ફરીથી આ કોરિડોર પર કબજો જમાવી લીધો. કાત્ઝે કહ્યું – ગાઝા છોડીને જતા લોકોનું સ્વાગત છે કાત્ઝે કહ્યું કે ગાઝા છોડવા માંગતા કોઈપણ વ્યક્તિને સરળ માર્ગ આપવામાં આવશે. તેમણે ફરીથી ગાઝામાંથી પેલેસ્ટિનિયનોને દૂર કરવાની યુએસ પ્રમુખ ટ્રમ્પની યોજનાનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે ફેબ્રુઆરીમાં ગાઝા પર નિયંત્રણ મેળવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા ગાઝા પટ્ટી પર કબજો કરશે અને અહીં એક રિસોર્ટ સિટી બનાવવામાં આવશે. આ પશ્ચિમ એશિયા માટે રોજગાર અને પર્યટનનું કેન્દ્ર બનશે. દરમિયાન, ઇઝરાયલી સેનાએ ખાન યુનિસમાં રહેતા લોકોને વિસ્તાર છોડી દેવાનો આદેશ આપ્યો છે. IDFના અરબી ભાષાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇઝરાયલ આ વિસ્તારમાં ઘાતક હુમલાઓ શરૂ કરવા જઈ રહ્યું છે. લોકોને હુમલો શરૂ થાય તે પહેલાં પોતાના ઘર છોડીને પશ્ચિમ ગાઝાના અલ-માવાસી વિસ્તારમાં જવાની સલાહ આપવામાં આવી છે. રાફા દક્ષિણ ગાઝામાં છે અને ઇજિપ્તની સરહદે છે. ઇઝરાયલે 6 મે, 2024ના રોજ રાફામાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી. આ સમય દરમિયાન ઇઝરાયલી સેનાએ રાફા ક્રોસિંગ પર કબજો કર્યો. ત્યારે ઇઝરાયલે કહ્યું કે, તે શસ્ત્રોની તસ્કરી રોકવા માટે આમ કરી રહ્યું છે. ઇઝરાયલની કાર્યવાહીને કારણે 14 લાખથી વધુ પેલેસ્ટિનિયનોને પોતાનું સ્થાન છોડવું પડ્યું. ઇઝરાયલી સેનાએ માત્ર 2 મહિનામાં રાફાની 44% ઇમારતોનો નાશ કર્યો. 17 ઓક્ટોબરના રોજ, હમાસ નેતા યાહ્યા સિનવારને ઇઝરાયલી દળોએ રાફામાં જ માર્યા હતા.