તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મંગળવારે કેન્દ્ર સરકાર સાથે સંબંધો સુધારવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી. આ કમિટીનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ કુરિયન જોસેફ કરશે. આ કમિટીને રાજ્ય યાદીમાં એવા વિષયોને ફરીથી દાખલ કરવાની ભલામણ કરવાનું કાર્ય પણ સોંપવામાં આવ્યું છે જે અગાઉ રાજ્ય સરકાર દ્વારા જોવામાં આવતા હતા પરંતુ હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને હેઠળ છે. આ કમિટીમાં પૂર્વ અધિકારીઓ અશોક શેટ્ટી અને એમયુ નાગરાજનનો પણ સમાવેશ થશે. આ કમિટીનો વચગાળાનો અહેવાલ જાન્યુઆરી 2026 સુધીમાં અને અંતિમ અહેવાલ 2028 સુધીમાં રજૂ કરવાનો છે. મુખ્યમંત્રી સ્ટાલિને વિધાનસભામાં કહ્યું કે તેનો ઉદ્દેશ્ય તમિલનાડુ સહિત તમામ રાજ્યોના અધિકારોનું રક્ષણ કરવાનો છે. તમિલનાડુના બીજેપી અધ્યક્ષ નૈનાર નાગેંથિરને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના આ પ્રસ્તાવની ટીકા કરી છે. નાગેંથિરને કહ્યું, ‘મુખ્યમંત્રીનો આ પ્રસ્તાવ ભાગલાવાદી માનસિકતા દર્શાવે છે. ડીએમકે બધી સત્તા પોતાના માટે ઇચ્છે છે. તમિલનાડુ સરકારે NEETમાંથી છુટની માંગ કરી હતી આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે શિક્ષણ જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ખાસ કરીને NEET પરીક્ષા અંગે. તમિલનાડુ સરકારે NEET માંથી છુટની માંગ કરી હતી. ખરેખરમાં, તમિલનાડુ સરકારે મેડિકલ (MBBS)માં પ્રવેશ માટે NEETને બદલે 12માના ગુણનો ઉપયોગ કરવાની મંજુરી માંગી હતી. જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નકારી કાઢ્યું હતું. સ્ટાલિને કહ્યું હતું – ભલે કેન્દ્ર સરકારે અમારી માંગણી નકારી કાઢી હોય, પણ અમારી લડાઈ હજુ પૂરી થઈ નથી. આ નિર્ણયને પડકારવા માટે અમે કાનૂની નિષ્ણાતોની સલાહ લઈશું. આ અંગે ભાજપે કહ્યું હતું કે, NEET પરીક્ષા લાગુ થયા પછી, વિદ્યાર્થીઓ મેરિટના આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી રહ્યા છે. અગાઉ એક સીટ માટે 2 કરોડ રૂપિયા સુધીની લાંચ આપવી પડતી હતી. ઇન્દિરા ગાંધીએ શિક્ષણને રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં સ્થાનાંતરિત કર્યું હતું. રાજ્યપાલની સત્તા મર્યાદિત હતી રાજ્યપાલ આર.એન. રવિ અને રાજ્ય સરકાર વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. હાલમાં, સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ રવિને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમણે તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા 10 બિલોને લાંબા સમય સુધી સત્તા વિના લટકાવી રાખ્યા હતા. કોર્ટે તેને “મનસ્વી” અને “ગેરકાયદેસર” ગણાવ્યું હતું. આ બિલોમાં રાજ્ય યુનિવર્સિટીઓના કુલપતિઓની નિમણૂક સંબંધિત નિયમોમાં ફેરફારનો પણ સમાવેશ થતો હતો. આ પછી, સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની સત્તા ઘટાડી દીધી અને વિધાનસભા દ્વારા મોકલવામાં આવેલા બિલ પર નિર્ણય લેવાની સમય મર્યાદા ઘટાડીને 1 મહિના કરી દીધી. શિક્ષણને રાજ્ય યાદીમાં લાવવાની માંગ તમિલનાડુમાં શિક્ષણ હાલમાં સહવર્તી યાદીમાં છે, એટલે કે તે કેન્દ્ર અને રાજ્ય દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે. મુખ્યમંત્રી સ્ટાલિને બંધારણના 42મા સુધારાને ઉથલાવીને શિક્ષણ રાજ્ય સરકારને સોંપવાની માંગ કરી છે. હાલમાં NCERTએ પુસ્તકોના અંગ્રેજી નામ બદલીને હિન્દી નામો કર્યા, તમિલનાડુ સરકારે આનો વિરોધ કર્યો છે. ટ્રાઈ લેંગ્વેજ ફોર્મુલા પર વિવાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ટ્રાઈ લેંગ્વેજ ફોર્મુલા બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ પણ વધુ ઘેરો બન્યો છે. NEP 2020 હેઠળ, વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ શીખવી પડશે, પરંતુ કોઈપણ ભાષા ફરજિયાત બનાવવામાં આવી નથી. રાજ્યો અને શાળાઓને કઈ ત્રણ ભાષાઓ શીખવવી તે નક્કી કરવાની સ્વતંત્રતા છે. કોઈપણ ભાષા ફરજિયાત શીખવાની કોઈ જોગવાઈ નથી. પ્રાથમિક ધોરણો (વર્ગ 1 થી 5) માં અભ્યાસ માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં કરવાની ભલામણ કરવામાં આવે છે. ડીએમકેએ તેનો વિરોધ કરતા કહ્યું હતું કે તમિલનાડુની હાલની બે ભાષા નીતિ પૂરતી છે, અને રાજ્ય શિક્ષણ ક્ષેત્રે પહેલાથી જ આગળ છે. પાર્ટીએ કેન્દ્ર સરકાર, ખાસ કરીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર, 2,500 કરોડ રૂપિયાના શિક્ષણ ભંડોળને રોકવાની ધમકી આપીને રાજ્યને “બ્લેકમેઇલ” કરવાનો આરોપ લગાવ્યો. ભાજપે આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે નીતિમાં હિન્દીને ફરજિયાત બનાવાયું નથી અને ડીએમકે પોતે અગાઉ નીતિ લાગુ કરવાની વાત કરી હતી. ચૂંટણી પહેલા ટકરાવ વધુ તીવ્ર બન્યો લોકસભા ચૂંટણી પહેલા ડીએમકે અને ભાજપ વચ્ચેનો આ વિવાદ વધુ તીવ્ર બન્યો છે. બીજો મુદ્દો આગામી સીમાંકન કવાયતનો છે, જેના કારણે તમિલનાડુને ડર છે કે તે સંસદમાં બેઠકો ગુમાવી શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ભાજપે ફરીથી AIADMK સાથે ગઠબંધન કર્યું છે.