દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર ભલે 89 વર્ષના હોય, પરંતુ આ ઉંમરે પણ તેઓ પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. તાજેતરમાં, તેમણે તેમના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ જીમમાં કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, સેલેબ્સ તેમજ ચાહકો તેમની પ્રશંસા કરી રહ્યા છે અને તેમની ઊર્જાને સલામ કરી રહ્યા છે. ‘હું મારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું’
ધર્મેન્દ્રએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તેઓ કહેતા જોવા મળે છે કે મિત્રો, મેં કસરત શરૂ કરી દીધી છે અને ફિઝીયોથેરાપી પણ કરી રહ્યો છું. બધું સરસ ચાલી રહ્યું છે. મને પણ સારું લાગે છે. મને આશા છે કે તમે બધા મને જોઈને ખુશ થશો. હવે હું વધુ હાર્ડ એકસરસાઇઝ કરીશ જેથી હું મારી જાતને ફિટ અને સ્વસ્થ રાખી શકું. પોસ્ટ પર અનેક સેલેબ્સે કોમેન્ટ કરી
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. રેમો ડિસોઝા, ટાઇગર શ્રોફ, બોબી દેઓલ, રણવીર સિંહ સહિત ઘણા સેલેબ્સે પણ વીડિયોમાં કોમેન્ટ કરી છે. એટલું જ નહીં, ચાહકો પણ એક્ટરના આ જુસ્સાને દિલથી સલામ કરી રહ્યા છે. તાજેતરમાં જ આંખનું ઓપરેશન કરાવ્યું હતું
તાજેતરમાં ધર્મેન્દ્રએ આંખની સર્જરી કરાવી હતી. તેઓ મુંબઈની એક હોસ્પિટલમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયોમાં ધરમપાજી કહેતા જોવા મળ્યા હતા કે, ‘મારામાં હજુ ઘણી તાકાત બચી છે, હજુ હું અડીખમ છું.’ ધર્મેન્દ્ર છેલ્લે શાહિદ કપૂર અને ક્રિતી સેનન સ્ટારર ‘તેરી બાતો મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળ્યા હતા. આ ઉપરાંત, 2023માં તે કરણ જોહરની કોમેડી-રોમેન્ટિક ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા.