જૂનાગઢના સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આજે મધ્યપ્રદેશમાં જૈન સંતો પર થયેલા હુમલાના વિરોધમાં કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવ્યું હતું. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી. મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના કછુઆ ગામે જૈન તપસ્વી સંતો પર થયેલા અમાનવિય હુમલાની તીવ્ર નિંદા કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, આદર્શ તપસ્વી જીવન જીવતા, ચંપલ કે મોબાઇલ જેવા ભૌતિક સાધનોનો ત્યાગ કરેલા આ સંતોને ઢોર માર મારવો માત્ર ધર્મ પર જ નહિં પણ માનવતા પર અત્યંત ઘાતક હુમલો છે. આવી ઘટના સમગ્ર જૈન સમાજને વ્યથિત અને આક્રોશિત બનાવે છે. જૈન સંઘના પ્રમુખ હિતેષ સંઘવીએ જણાવ્યું કે, જૂનાગઢના અગ્રણીઓ સાથે મળી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પત્રમાં માગ કરવામાં આવી છે કે, દોષિતોને તાત્કાલિક પકડવામાં આવે, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને કડક સજા આપવામાં આવે. જૈન તપસ્વીઓ સમાજમાં શાંતિ, દયા અને અહિંસાના પાયાને મજબૂત બનાવે છે. તેમ છતાં તેના પર અમાનવિય હુમલો થયો છે જે ઘટનાની સમગ્ર જૈન સમાજ તરફથી ટીકા કરવામાં આવી છે અને સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઊઠાવવામાં આવી છે. સ્થાનિકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, જે ઘટના બની છે તેમાં ભોગ બનનાર ફરિયાદી બન્યા નથી પરંતુ જૈન સમાજ દ્વારા આ મામલાને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાધુ-સંતો પોતાનું પવિત્ર જીવન જીવી રહ્યા છે જેને આ રીતે હેરાન કરી હુમલો કરવામાં આવે તે જરા પણ યોગ્ય નથી. હાલ જૈન સંઘ આ મામલાને આકરા શબ્દોમાં વખોડે છે અને આ મામલે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલાં લેવામાં આવે તેવી માગ સાથે જૂનાગઢના જૈન સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.