હરિયાણા જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં, EDએ રોબર્ટ વાડ્રાને બીજી વખત સમન્સ પાઠવ્યું છે અને આજે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. વાડ્રા ED ઓફિસ પહોંચી ગયા છે. છેલ્લી વાર પણ તેમને ૮ એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે, તેઓ ED ઓફિસ પહોંચ્યા ન હતા. આજે ED ઓફિસ પહોંચેલા વાડ્રાએ કહ્યું કે જ્યારે પણ હું લોકોનો અવાજ ઉઠાવીશ, ત્યારે આ લોકો મને દબાવશે અને એજન્સીઓનો દુરુપયોગ કરશે. હું હંમેશા બધા સવાલોના જવાબ આપું છું અને આપતો રહીશ. આ કેસ વર્ષ 2018નો છે. આ કેસ 1 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુડગાંવના ખેરકી દૌલા પોલીસ સ્ટેશનમાં તૌરુના રહેવાસી સુરેન્દ્ર શર્માની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. રોબર્ટ વાડ્રા પર શું આરોપ છે? હરિયાણા જમીન કૌભાંડ કેસમાં, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પર અન્ય લોકો સાથે મળીને છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કેસમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં IPCની કલમ 420, 120, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં, આઈપીસીની કલમ 423 હેઠળ નવા આરોપો ઉમેરવામાં આવ્યા હતા. જમીન સોદા સાથે જોડાયેલો વિવાદ શું છે? ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે રોબર્ટ વાડ્રાની કંપનીએ ફેબ્રુઆરી 2008માં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી ગુડગાંવના શિકોહપુરમાં 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. કંપનીએ કોમર્શિયલ લાઇસન્સ મેળવ્યા પછી, તે જ મિલકત રિયલ એસ્ટેટ કંપની DLFને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે હરિયાણાની તત્કાલીન હુડ્ડા સરકારે બદલામાં ગુડગાંવના વઝીરાબાદમાં DLFને 350 એકર જમીન ફાળવી હતી. આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વાડ્રાની કંપની પર નાણાકીય ગેરરિતીની તપાસ કરી રહી છે. એટલા માટે રોબર્ટ વાડ્રાને ફરી એકવાર પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.