સુરેન્દ્રનગરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર આજે અનુસૂચિત જાતિ સમાજે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. મહાનગરપાલિકા દ્વારા નવા ફાયર સ્ટેશનના બાંધકામને કારણે સમાજના સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. સમાજના લોકોએ આ મુદ્દે અગાઉ મનપા તંત્ર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ ઉકેલ ન આવતા આજે તેમણે રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી આગળ અંતિમવિધિ કરવામાં આવશે. ચક્કાજામને કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા સુરેન્દ્રનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.