દેશભરની હોસ્પિટલોમાંથી બાળકોની ચોરીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- જે હોસ્પિટલમાંથી બાળક ચોરાયું હોય એનું લાઇસન્સ રદ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે મંગળવારે નવજાત શિશુઓની ચોરીના કેસમાં ઉત્તરપ્રદેશ સરકારને ઠપકો આપ્યો અને રાજ્યો માટે કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે જો કોઈપણ હોસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થાય છે, તો એનું લાઇસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે. ડિલિવરી પછી જો બાળક ગુમ થાય, તો એના માટે હોસ્પિટલ જવાબદાર રહેશે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે દેશભરની તમામ હાઈકોર્ટે તેમનાં રાજ્યોમાં ચોરી થયેલાં બાળકો સંબંધિત પેન્ડિંગ કેસોના સ્ટેટસ રિપોર્ટ મગાવે. 6 મહિનાની અંદર બધી સુનાવણીઓ પૂર્ણ કરો. આ કેસની સુનાવણી દરરોજ થવી જોઈએ. ખરેખરમાં સુપ્રીમ કોર્ટ નવજાત શિશુઓની ચોરીના કેસની સુનાવણી કરી રહી હતી, જેમાં ઉત્તરપ્રદેશનાં એક દંપતીએ 4 લાખ રૂપિયામાં ચોરી કરીને લાવેલું બાળક ખરીદ્યું હતું, કારણ કે તેમને દીકરો જોઈતો હતો. આ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે આરોપીને આગોતરા જામીન આપ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું- જો તમને દીકરો જોઈતો હોય તો એનો અર્થ એ નથી કે તમારે ચોરેલું બાળક ખરીદવું જોઈએ. આરોપી જાણતો હતો કે બાળક ચોરેલું છે છતાં તેણે તેને દત્તક લીધું. સુપ્રીમે રાજ્ય સરકારને સૂચનાઓ આપી, હોસ્પિટલનું લાઇસન્સ રદ કરો સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ ટ્રાફિકિંગના કેસમાં ભારતીય ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવેલાં સૂચનોને પોતાના નિર્ણયમાં સામેલ કર્યાં છે અને તમામ રાજ્ય સરકારોને એને વાંચવા અને અમલમાં મૂકવા કહ્યું છે. એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપતાં કોર્ટે કહ્યું છે કે જો કોઈ મહિલા બાળકને જન્મ આપવા માટે હોસ્પિટલમાં આવે છે અને ત્યાંથી નવજાત બાળક ચોરાઈ જાય છે, તો સૌથી પહેલા સરકારે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવું જોઈએ. આનાથી બાળકોની ચોરીની ઘટનાઓને અમુક હદ સુધી નિયંત્રિત કરવામાં મદદ મળશે. સુપ્રીમ કોર્ટે કહ્યું- નિઃસંતાન હોય, તો બાળક મેળવવાનો રસ્તો બીજા કોઈનું બાળક ખરીદવાનો ન હોઈ શકે કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે ‘જો કોઈ માતા-પિતાનું નવજાત બાળક મૃત્યુ પામે છે, તો તેઓ દુઃખી થાય છે.’ તેઓ વિચારે છે કે બાળક ભગવાન પાસે પાછું ગયું છે, પરંતુ જો તેમનું નવજાત બાળક ચોરાઈ જાય તો તેમના દુઃખની કલ્પના પણ કરી શકાતી નથી, કારણ કે હવે તેમનું બાળક કોઈ અજાણી ગેંગના હાથમાં છે. સુપ્રીમ કોર્ટે આવી ગેંગ પાસેથી બાળકો ખરીદનારાઓના જામીન પણ રદ કર્યા છે. કોર્ટે કહ્યું છે કે જો કોઈ નિઃસંતાન હોય, તો બાળક મેળવવાનો રસ્તો બીજા કોઈનું બાળક ખરીદવાનો ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટની સલાહ, હોસ્પિટલમાં માતા-પિતા પણ સાવધ રહે કોર્ટે માતા-પિતાને પણ હોસ્પિટલમાં તેમનાં નવજાત બાળકોની સુરક્ષા અંગે વધુ કાળજી રાખવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટને કહ્યું છે કે બાકી રહેલા ટ્રાફિકિંગ કેસોની વિગતો લો અને ટ્રાયલ કોર્ટને 6 મહિનાની અંદર એનો નિકાલ કરવાનો નિર્દેશ આપો. નવજાત શિશુઓની ચોરી પર સુપ્રીમ કોર્ટના 3 મુખ્ય મુદ્દા… દિલ્હીમાં 7 દિવસ પહેલાં નવજાત શિશુઓની ચોરી કરતી ગેંગ ઝડપાઈ હતી 8 એપ્રિલના રોજ દિલ્હી પોલીસે નવજાત શિશુઓની ચોરી કરતી ગેંગની બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ગેંગ દિલ્હી-એનસીઆરમાં નિઃસંતાન ધનિક પરિવારોને બાળકો વેચતી હતી. તેઓ રાજસ્થાન અને ગુજરાતથી નવજાત બાળકોને લાવીને 5-10 લાખ રૂપિયામાં વેચતાં હતાં. તેમની પાસેથી એક નવજાત બાળક પણ મળ્યું હતું. અત્યારસુધીમાં આ ગેંગ 30થી વધુ બાળકોને શ્રીમંત પરિવારોને વેચી ચૂકી છે. બાળકોની ચોરી સંબંધિત આ સમાચાર પણ વાંચો… મધ્યપ્રદેશમાં દરરોજ 30 બાળક ગુમ થઈ રહ્યાં છે, ચોરોની નજર તેમના પર છે; જે 48 કલાકની અંદર ન મળે એ કાયમ માટે ગુમ થઈ જાય છે સાત દિવસ પહેલાં ભોપાલમાં 2 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. પોલીસે 12 કલાકમાં આરોપીને પકડી લીધો. બાળકનું ભીખ માગવા માટે અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ બાળક નસીબદાર હતું, પોલીસે તેને તરત જ શોધી કાઢ્યું, પરંતુ મધ્યપ્રદેશનાં હજારો બાળકો એટલાં નસીબદાર નહોતાં. NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો)ના ડેટા અનુસાર, મધ્યપ્રદેશમાં દરરોજ સરેરાશ 30 બાળક ગુમ થઈ રહ્યાં છે. જે બાળક 48 કલાકની અંદર ન મળે એ કાયમ માટે ગુમ થઈ જાય છે.