ડબલ મર્ડર અને આર્મ્સ એકટના ગુનામાં 2021થી જેલમાં રહેલા વડોદરાના આરોપીએ પણ નાગાલેન્ડથી બોગસ દસ્તાવેજથી હથિયાર મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે ATS દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને અનેક ગુનામાં અગાઉ સંડોવાયેલા મેઘજી ઉર્ફે મુન્નો અર્જુનભાઈ ભરવાડ હાલ 2021 થી ભાવનગર જેલમાં છે. બોટાદ પોલીસ મથકે નોંધાયેલા હત્યા અને આર્મ્સ એકટના ગુનામાં આરોપી નંબર બે છે. ત્યારે આરોપી મુન્ના ભરવાડે નાગાલેન્ડથી હથિયાર ક્યારે મેળવ્યું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. બોટાદ પોલીસ મથકે 2014 માં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અજાણ્યા લોકોએ ઓફિસમાં ઘૂસી અંધાધૂંધ ગોળી બાર કર્યો હતો.જેમાં બે વ્યક્તિઓના ગોળી વાગવાથી મોત થયા હતા. આ બનાવની પાછળ બહેને કરેલા પ્રેમ લગ્ન આરોપી યુવરાજસિંહને પસંદ નહીં હોવાથી આ હત્યાઓ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જોકે 2014 ની ફરિયાદના લાંબા સમય બાદ પણ પોલીસ દ્વારા આરોપીઓ ની ઓળખ કે ધરપકડ કરવામાં આવી ન હતી.અને પોલીસે A સારાંશ રિપોર્ટ દાખલ કર્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટ પણે દર્શાવ્યું હતું કે ગુનો આચરવામાં આવ્યો છે.અને આરોપીઓ મળ્યા નથી.આ કેસને રીઓપન કરવા માટે મૃતકોના પરિવારજનો એ રજૂઆત કરી હતી.જેના કારણે પોલીસે પુનઃ તપાસ શરૂ કરી હતી.અને આખા મામલાનો પર્દાફાશ થયો હતો જેમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ 1,12,21 ના દિવસે ચાર આરોપીઓ ને ઝડપી લેવાયા હતા. આ ચાર આરોપીઓમાં મનીષસિંહ ઉર્ફે રાજુ, મેઘજીભાઈ ઉર્ફે મુન્નો, બળવંતસિંહ ઉર્ફે બાપુ અને હનુભાઈ બોલિયા નો સમાવેશ થાય છે.ધરપકડ બાદ રિમાન્ડ અને ત્યાર બાદ આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા હતા.મામલાની ચાર્જશીટ બાદ આરોપીઓએ સ્થાનિક અદાલત અને હાઈકોર્ટમાં પણ જામીન અરજી મૂકી હતી.જે નામંજૂર થઈ હતી. ત્યારે આ ડબલ મર્ડર કેસમાં વપરાયેલું હથિયાર કોનું હતું એ હજી સુધી બહાર આવ્યું નથી.એવા સમયે આરોપી મુન્નો પણ નાગાલેન્ડથી હથિયાર લાવ્યો હોવાની માહિતી બહાર આવતા એટીએસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે મુન્ના સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકોમાં હુમલા,જમીન પચાવવાના ગુના નોંધાયેલા છે. શહેરના ગોત્રીના મુન્ના ભરવાડ સહિત અન્ય આરોપીઓએ હાઈકોર્ટમાં જામીન મુક્યા હતા.એના કાગળોમાં ફરિયાદ પક્ષે સ્પષ્ટ પણે રજૂ કરવામાં આવ્યું છે કે હત્યા અગાઉ આરોપીઓ વડોદરામાં મળ્યા હતા.હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. હત્યા માટે 80 લાખ રૂપિયાની સોપારી અપાઈ હોવાનો પણ હાઇકોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.