back to top
HomeગુજરાતRTE એડમિશનના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ:આવક મર્યાદા ચાર ગણી અને ફોર્મની મુદત...

RTE એડમિશનના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ:આવક મર્યાદા ચાર ગણી અને ફોર્મની મુદત એક મહિનો વધાર્યો બાદ પણ ફોર્મની સંખ્યામાં જૂજ વધારો!, જાણો, ચાર મહાનગરોની સ્થિતિ

ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ માટે દર વર્ષે RTE ( રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ)હેઠળ પ્રવેશ ફાળવવામાં આવે છે. આ વર્ષે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 માર્ચ હતી. પરંતુ, સરકારે વાલીઓની આવક મર્યાદામાં વધારો કરતા ફોર્મની મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો જે 15 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં ભરાયેલા ફોર્મની વાત કરીએ તો, આવક મર્યાદા અને ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયા બાદ પણ ફોર્મની સંખ્યામાં જૂજ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. 14 એપ્રિલ સુધી ભરાયેલા ફોર્મની વાત કરીએ તો, સમગ્ર રાજ્યમાં 2.37 લાખ ફોર્મ ભરાયા છે. જેમાં 44,900 ફોર્મ એવા છે જે આવકમર્યાદા અને ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયા બાદ ભરાયા છે. જો કે, જે તે જિલ્લાઓમાં જેટલી બેઠકો છે તેના કરતા તો વધુ જ ફોર્મ ભરાયા હોવાથી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો શક્ય નહીં બને. અમદાવાદ કોર્પોરેશનમાં 14,778 બેઠક સામે 36,000 ફોર્મ ભરાયા
અમદાવાદ કોર્પોરેટર વિસ્તારની ખાનગી શાલાઓની વાત કરીએ તો અહીં કુલ 14,778 બેઠકો આવેલી છે. જેના માટે 14 એપ્રિલ સુધીમાં કુલ 36,000 જેટલા ફોર્મ ભરાયા છે. અમદાવાદની વાત કરીએ તો ગયા વર્ષે અમદાવાદમાં 8000 બેઠક હતી તેની સામે 33,300 અરજી આવી હતી. સુરતમાં 15,229 બેઠક સામે 30,911 ફોર્મ ભરાયા
સુરત મહાનગરપાલિકાની અંદર 15229 સીટ આરટીઇ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે છે. 14 એપ્રિલે સુધીમાં 30,911 જેટલા ફોર્મ ભરાયા છે. તેમાંથી કોઈપણ નિર્ણય લેવા માટે 2655 જેટલા ફોર્મ પેન્ડિંગ છે. 21,864 જેટલા ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે, જ્યારે 1304 જેટલા ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. તેની સામે 5,088 ફોર્મ કેન્સલ કરાયા છે. ફોર્મ કેન્સલ થવા પાછળનું કારણ છે કે, વાલીઓએ બીજા કોઈ ફોર્મ ભર્યા હોય તો તે આપોઆપ કેન્સલ થઈ જાય છે. ખોટા આધાર પુરાવા, ખોટા આવકના દાખલા અથવા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ દેખાય તો વિદ્યાર્થીનું ફોર્મ કેન્સલ થઈ જાય છે. જ્યારે ફોર્મ કેન્સલ થાય છે ત્યારે વાલીઓને જાણકારી આપવામાં આવે છે અને તેઓ બીજું ફોર્મ ભરી શકે છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારએ જણાવ્યું હતું કે તમામ ફોર્મની ચકાસણી કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમમાં 100 જેટલા શિક્ષકો હતા. તેમને ડેઇલી બેસિસ પર ફોર્મ આપવામાં આવતા હતા. તેઓ આધાર કાર્ડ સાથે સરનામું બરાબર છે કે નહીં તે ચકાસતા હતા. એટલું જ નહીં, ફોર્મમાં જે આવકનો દાખલો અટેચ કરવામાં આવ્યો હતો તેમાં ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવતો હતો. જો આવકના દાખલા યોગ્ય ન હોય તો તાત્કાલિક ફોર્મ કેન્સલ કરવામાં આવતું હતું. આ સાથે સુરત શહેર વિસ્તારમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે કોઈ ગ્રામ્ય વિસ્તારથી પણ એપ્લિકેશન આવી હોય તેની પણ તપાસ કરવામાં આવતી હતી અને જો એવું હોય તો તેને રિજેક્ટ કરવામાં આવતું હતું. આ વખતે અમને સૌથી વધુ સમય મળતા અમે ડેઇલી બેસિસ પર ફોર્મ ચકાસી રહ્યા હતા જેથી સ્ક્રૂટીની પ્રક્રિયા ઝડપથી થઈ છે. ગત વર્ષની સરખામણીએ સુરતમાં ઓછા ફોર્મ ભરાયા!
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ફોર્મ ઓછું ભરાયું છે. આવક મર્યાદા વધારે હોવા છતાં ફોર્મ ઓછા ભરાવા પાછળના કારણ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પરમારએ જણાવ્યું હતું કે, આવક વધારે હોવાના કારણે આ વખતે યોગ્ય લોકોએ જ ફોર્મ વધુ ભર્યાં છે અને તાત્કાલિક સ્ક્રૂટીની પણ હાથ ધરાઈ હતી. આ વખતે ખોટા આવકના દાખલા અને ખોટી માહિતીઓ ન આવે, તેના માટે અમે અગાઉથી જ પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ કરી હતી જેથી જે યોગ્ય છે તે જ લોકો ફોર્મ ભરી શકે. વડોદરામાં અત્યાર સુધીમાં 11,500 ફોર્મ ભરાયા
રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે. અત્યાર સુધીમાં વડોદરામાં આરટીઇની 4800 બેઠકો સામે અત્યાર સુધી 11500 ફોર્મ ભરાયા છે. ખાનગી શાળાઓમાં આર્થિક રીતે સક્ષમના હોય તેવા વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ અપાય છે. દર વર્ષે હજારોની સંખ્યામાં વાલીઓ દ્વારા આરટીઇમાં પ્રવેશ લેવા અરજી કરે છે. જોકે બેઠકો ઓછી હોવાથી મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. ગત વર્ષે વડોદરા શહેરમાં આરટીઇમાં પ્રવેશ માટે 10 હજાર જેટલા ફોર્મ ભરાયા હતા. જો કે, આ વર્ષે અત્યાર સુધીમાં 11500 ફોર્મ ભરાયા છે. રાજકોટમાં 6640 બેઠકો પર 21,481 ફોર્મ ભરાયા
રાજકોટ શહેરમાં RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે તે માટે આ વર્ષે 2025 માં 592 ખાનગી શાળાઓમાં 4,453 સીટ છે એટલે કે આટલી બેઠક ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. જેની સામે 12,673 ફોર્મ ભરાયા છે. જેની સામે ગત વર્ષ 2024 માં 589 ખાનગી શાળાઓમાં 3,713 ની ઇન્ટેક કેપેસિટી હતી. એટલે કે ગત વર્ષ કરતાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવી શકાય તેવી શાળાઓમાં 3 નો વધારો થયો છે. જ્યારે ઇન્ટેક કેપેસિટી પણ 740 વધી છે. જ્યારે જિલ્લા પંચાયત હસ્તકની તાલુકા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓમાં વર્ષ 2025 માં 329 ખાનગી શાળાઓમાં 2,187 સીટ છે. જેમાં અત્યારસુધીમાં 8,818 ફોર્મ ભરાયા છે. ગત વર્ષે 2024 માં 215 શાળાઓમાં 774 ઇન્ટેક કેપેસિટી હતી. એટ્લે કે અહીં પણ 11 તાલુકાની ખાનગી શાળાઓમાં 114 નો વધારો થયો છે જ્યારે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 1,413 નો વધારો નોંધાયો છે. જ્યારે બન્ને થઇને એટલે કે રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025 માં 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી શકશે. ગત વર્ષે 2024 માં કુલ 804 ખાનગી શાળાઓમા 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા. રાજ્યમાં કુલ 93,527 બેઠક પર પ્રવેશ ફાળવાશે
ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાત વાળા બાળકોને ધોરણ 1 માં મફત પ્રવેશ માટે RTE ( રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનુ 28 ફેબ્રુઆરીના શુક્રવારથી શરૂ થયું હતુ. 15 એપ્રિલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ગુજરાતના 40 શહેર – જિલ્લાની ખાનગી શાળાઓની 93,527 સીટ પર ધો. 1 માં બાળકોને પ્રવેશ મળશે. આર્થિક નબળા – જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ધો. 8 સુધી ફ્રી એજયુકેશન મેળવી શકશે. સરકારે આ વર્ષે વાલીની આવક મર્યાદા ચાર ગણી કરી દીધી
અગાઊ ગ્રામ્ય વિસ્તારમાં વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ તો શહેરી વિસ્તારમાં આવક મર્યાદા રૂ. 1.50 લાખ રાખવામાં આવેલી હતી. જેમાં વધારો કરી વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખ કરી નાખવામાં આવી છે. આવક મર્યાદામાં વધારાના કારણે અનેક વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે કે જેના વાલીની આવક 6 લાખ રૂપિયા સુધીની હોય. RTEની ફોર્મ ભરવાની મુદત પૂર્ણ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે અગ્રતાક્રમ 1. અનાથ બાળક
2. સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
3. બાલગૃહના બાળકો
4. બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો
5. મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-2016ની કલમ 34(1) માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો
6. (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો
7. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો
8. જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
9.રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
10. 0 થી 20 આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC,જનરલ તથા અન્ય) ના BPL કુંટુંબના બાળકો
11. અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરી ના બાળકો
12. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે.
13. જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકો અગ્રતાક્રમ (8), (9), (11), (12) અને (13) માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખની આવક મર્યાદા અગાઉ લાગુ હતી જોકે હવે રૂ. 6 લાખ આવક મર્યાદા કરવામા આવી છે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments