ખંભાત નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો નવો રસ્તો માત્ર ત્રણ મહિનામાં જ જર્જરિત થઈ ગયો છે. મોચીવાડથી અમીન રસધારા સુધીના આ આરસીસી રોડમાં ગાબડાં અને તિરાડો પડી ગઈ છે. નગરપાલિકાએ શહેરના જર્જરિત રસ્તાઓના નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વકર્મા એજન્સીના કોન્ટ્રાક્ટર હિતેનભાઈ પ્રજાપતિને ટેન્ડર આપવામાં આવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ, રસ્તાના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. વળી, પૂરતા પ્રમાણમાં સામગ્રીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી. આ બેદરકારીને કારણે જાહેર નાણાંનો દુરુપયોગ થયો છે. નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું કે આ મામલે એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે આગામી સમયમાં યોગ્ય પગલાં લેવામાં આવશે.