ગુજરાતમાં હાલ 650 પોલીસ સ્ટેશન આવેલા છે. ત્યારે રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક CCTV લગાવવામાં આવી રહ્યા છે. આ પહેલાં 12 ડિસેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે તેના એક મહત્ત્વપૂર્ણ આદેશમાં કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરના રૂમમાં, પોલીસ સ્ટેશન બહાર, વોશરૂમની બહાર પણ CCTV કેમેરા લગાવવા જોઇએ. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ CCTV કેમેરાનું રેકોર્ડિંગ 18 મહિના એટલે કે દોઢ વર્ષ સુધી સાચવી રાખવું પડશે. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા પીડિતોની ફરિયાદ ન લેવી આ ઉપરાંત કસ્ટોડિયલ ડેથની પણ ઘણી ફરિયાદો સામે આવી હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં CCTV ન હોવાના કારણે કસ્ટોડિયલ ડેથની વિગતો મેળવી શકાતી ન હતી. પરંતુ હવે CCTV કેમેરા સજ્જ હોવાના કારણે કેવી રીતે આરોપીનું મોત થયું તેની માહિતી પણ જાણી શકાશે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. આવો જાણીએ ચાર મહાનગરોના ક્યાં ક્યાં કેટલા CCTV લગવવામાં આવ્યા છે. વડોદરા શહેરના 25 પોલીસ સ્ટેશનમાં 440 CCTV લગાવવાયા
વડોદરા શહેરના 25 જેટલા પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં 440 જેટલા CCTV કેમેરામાં લગાવી દેવામાં આવ્યા છે. જેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ જવાના કારણે હાલમાં તમામ કેમેરા કાર્યરત પણ થઇ ગયા છે. જેના કારણે હવે પોલીસ સ્ટેશનોમાં થતી તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. આ પોલીસ સ્ટેશનમાં CCTV લગાવવાના હજુ બાકી * ટૂંક સમયમાં કેમેરા લગાવવામાં આવશે પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ પ્રકારના કેમેરા લગાવવાયા
જે પોલીસ સ્ટેશનોમાં 19 CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. તેમાં બે અલગ અલગ પ્રકારના કેમેરા લગાવામાં આવ્યા છે. જેમાં 13 ડોમ તથા 6 બુલેટ કેમેરા છે. તેવી જ રીતે હરણી અને મહિલા પોલીસ સ્ટેશનમાં 13 કેમરા છે તેમાં 10 ડોમ અને 3 બુલેટ કેમેરા લગાવ્યા છે, આ રીતે SOG, સ્પેશિયલ બ્રાન્ચમાં 5 ડોમ અને 5 બુલેટ જ્યારે સાયબર ક્રાઇમમાં 10 ડોમ અને 4 બુલેટ કેમેરા લગાવાયા છે. ડોમ કેમેરા પોલીસ સ્ટેશનની અંદર લગાવાયા
પોલીસ દ્વારા લગાવવામાં આવેલા CCTV કેમેરામા ડોમ અને બુલેટ એમ બે પ્રકારના કેમેરાનો સમાવેશ થાય છે. જેમાં ડોમ કેમેરા પોલીસ સ્ટેશનની અંદર લગાવાયા છે. જેના કારણે પોલીસ સ્ટેશનનો વાઇડ એંગલ તથા વ્યુઇંગનો મોટો એરિયા કવર કરે છે. જ્યારે બુલેટ કેમેરા પોલીસ સ્ટેશનની બહાર લગાવવામાં આવ્યાં છે. આ CCTV કેમેરા વોટર પ્રુફ હોય છે. જેથી આ કેમેરાને ચોમાસામાં પણ તકલીફ થતી નથી. કંટ્રોલ રૂમમાં 18 મહિનાનો ડેટા સ્ટોર કરવામાં આવશે
વડોદરા શહેરમાં લગાવાયેલા તમામ CCTV કેમેરામાં રોજે રોજનો ડેટા સ્ટોર કરવામાં આવે છે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના આ કેમેરામા ડેટા 30 દિવસ એટલે કે એક મહિના સુધી સ્ટોરેજ રહેશે. જ્યારે પોલીસ ભવન ખાતે આવેલા CCTV કેમેરા કંટ્રોલ રૂમમાં 18 મહિના એટલેક દોઢ વર્ષ સુધી સ્ટોરેજ (બેકઅપ) રાખવામાં આવે છે. નવા ચાર પોલીસ સ્ટેશનમાં ટૂંક સમયમાં CCTV લાગી જશે
વડોદરા એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, ટ્રાન્સફરન્સી, લોકોની સહુલીયત અને પોલીસ વધારે સારી રીતે કામગિરી કરી શકે તે માટે વડોદરા શહેરના 25 પોલીસ સ્ટેશનમાં CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે અને DCB પોલીસ સ્ટેશનમાં CCTV લગાવવાની કામગીરી ચાલી રહી છે. નવા તૈયાર થયેલા ચાર પોલીસ સ્ટેશનમાં પણ ટૂંક સમયમાં CCTV લાગી જશે. સુરતના 40 પોલીસ સ્ટેશન અને SOG-PCB કચેરીમાં 670 કેમેરા લગાવાયા
સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરત શહેરના તમામ 40 પોલીસ સ્ટેશનો તથા SOG અને PCB કચેરીઓમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં સરેરાશ 19થી 20 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ કેમેરા HD ગુણવત્તાવાળા છે. કુલ 440 ડોમ કેમેરા અને 194 બુલેટ કેમેરા મળી કુલ 670 કેમેરા લગાવવામાં આવ્યા છે. પીએસઓ (PSO) અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે લોકોનો વધુ સંપર્ક રહે છે, તેથી તેમના ચેમ્બરમાં ઓડિયો CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેથી કોઈપણ ફરિયાદ અંગે ઓડિયો અને વીડિયો આધારિત પુરાવા મળી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનોના પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના રસ્તાઓ પર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઘણી વખત લોકઅપમાં કસ્ટોડિયલ ટોર્ચરના આક્ષેપ થાય છે, જેથી લોકઅપની અંદર પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી આવી ફરિયાદો વખતે CCTV ફૂટેજ આધારરૂપ પુરાવા પૂરા પાડી શકે. રાજકોટના 15 પોલીસ સ્ટેશનમાં જુના કેમેરાની જગ્યાએ નવા રિપ્લેસ કરાયા
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશ મુજબ રાજકોટ શહેરના તમામ 15 પોલીસ સ્ટેશનમાં જુના કેમેરાની જગ્યાએ નવા કેમેરા સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યા છે અને તેની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં ચાર એડિશનલ કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. જેમાં PI ચેમ્બર, PSI ચેમ્બર, વોશરૂમ તરફ જવા માટે લોબીમાં અને એક અન્ય મળી કુલ ચાર વધારાના કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. તમામ કેમેરા હાઈટેક પ્રકારના આધુનિક હોવાથી તેમાં ઓડિયો વીડિયો સાથે રેકોર્ડિંગ કરી શકાશે. આ કેમેરા મદદથી પોલીસ સ્ટેશનમાં થતી કામગીરીની પારદર્શિતામાં વધારો થશે અને નાગરિક તેમજ માનવ અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત થશે. મેક્સિમમ સ્ટોરેજ રેકોર્ડિંગ થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં 30 દિવસનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ ક્ષમતામાં વધારો કરી 180 દિવસનું રેકોર્ડિંગ થઇ શકે તે મુજબ આયોજન કરવામાં આવશે. અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં CCTV લગાવવામાં આવી રહ્યા
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના જણાવ્યા અનુસાર શહેરના મુખ્ય 49 પોલીસ સ્ટેશન, 14 ટ્રાફિક પોલીસ સ્ટેશન, 2 મહિલા પોલીસ સ્ટેશન, એજન્સી, DCB ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં કેમેરા લગાવવાની પ્રક્રિયા અગાઉથી નિર્ધારિત વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવી રહી છે. બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં પણ હાઈકોર્ટે CCTV જાળવવા હુકમ કર્યો
ઉલ્લેખનીય છે કે, બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં યુવતીએ જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી ત્યારે તેને વસ્ત્રાપુર મહિલા પોલીસ મથકના 10 એપ્રિલથી 20 એપ્રિલ સુધીના CCTV ફૂટેજ સાચવવા માગ કરી હતી. આ માટે પરમવીરસિંહના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોનો હવાલો અપાયો હતો. એ મુજબ એક વર્ષ સુધી પોલીસ મથકના CCTV ફૂટેજ જાળવવા પડે. હાઇકોર્ટે પણ પીડિતાના પક્ષે ચુકાદો આપતાં સરકારને મહિલા પોલીસ મથકના CCTV જાળવવા હુકમ કર્યો હતો, જોકે સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, પીડિતા જ્યારે ફરિયાદ કરવા મહિલા પોલીસ મથકે ગઈ ત્યારે CCTV ફૂટેજ સાચવવા અરજી નહોતી આપી. ઉપરાંત વસ્ત્રાપુર મહિલા પોલીસ મથકે CCTV સ્ટોરેજ એક મહિનાનું જ છે. એક મહિના બાદ ઓવરરાઈટ થઈને નવું રેકોર્ડિંગ થાય છે.