મહેસાણામાં રાધનપુર ચોકડી પાસે જૂની અદાવતમાં એક યુવકની નૃશંસ હત્યા કરવામાં આવી છે. મગપરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વિક્રમસિંહ વાઘેલાની ગત મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. ઘટના મુજબ, વિક્રમસિંહ રાત્રે 11 વાગ્યે પોતાની દીકરી સાથે એક્ટિવા પર મગપરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કાર લઈને આવેલા ચાર શખ્સોએ તેમના એક્ટિવાને ટક્કર મારી રોડની સાઈડમાં ધકેલી દીધું હતું. ત્યારબાદ આરોપીઓએ વિક્રમસિંહ પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. હોબાળો થતાં મૃતકનો ભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આરોપીઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત વિક્રમસિંહને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈ અજય વાઘેલાની ફરિયાદ મુજબ, એક વર્ષ પહેલા વિક્રમસિંહે તેમના મહોલ્લામાં રહેતા રાહુલસિંહ વાઘેલાને મારમાર્યો હતો. આ અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્રણ દિવસ પહેલા વિક્રમસિંહે પોતાના ભાઈને જણાવ્યું હતું કે રાહુલસિંહ તેને મારવા ફરી રહ્યો છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક કારમાં આવેલા ચાર શખ્સોએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે રાહુલસિંહ વાઘેલા અને અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.