ફીટનેસ માટે નહીં આવેલાં વાહનોના નકલી ફોટા મૂકી રૂ.1200માં ફીટનેસ સર્ટિફિકેટ વેચવાનું કૌભાંડ પકડાયું છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટે મોકલેલી 8 સભ્યોની ટીમની તપાસમાં પકડાયું હતું કે, ચિલોડા ખાતેનું ખાનગી ફીટનેસ સેન્ટર જે વાહનનો ફીટનેસ ટેસ્ટ કરવાનો હોય તેના ફોટા મંગાવી વાહન સેન્ટરમાં ઊભું હોય તેવું દર્શાવવા માટે ફોટા મોર્ફ કરી સોફ્ટવેરમાં અપલોડ કરી દેતું હતું. એસ.એસ. સ્ટોન નામના ખાનગી ફીટનેસ સેન્ટરે સપ્ટેમ્બર 2023થી નવેમ્બર 2023 સુધીના 6 મહિનામાં જ 669 વાહનના નકલી ટેસ્ટ કરી નાખ્યા હતા. ગાંધીનગર આરટીઓએ આ ફીટનેસ સેન્ટર સામે એફઆઈઆર નોંધાવી છે અને સેન્ટરને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયું છે. ભૂતકાળમાં પણ અમદાવાદ, મહેસાણા સહિતની આરટીઓને ખાનગી ફીટનેસ સેન્ટરમાં કૌભાંડની ફરિયાદ મળી હતી. દેશભરમાં 85 ખાનગી ફીટનેસ સેન્ટરમાંથી શહેરમાં 4 સહિત રાજ્યમાં 44 છે આ રીતે ચાલતું હતું કૌભાંડ કોઈપણ કોમર્શિયલ વાહને ફીટનેસ ટેસ્ટ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાની હોય છે. એસ.એસ. સ્ટોન ફીટનેસ સેન્ટર વાહનનો ફોટો મંગાવી મોર્ફ કરી તેને સીધો સોફ્ટવેરમાં અપલોડ કરી દેતું હતું. રૂ.1200 ફી મળી જાય એટલે જે તે વાહનની ચકાસણી વગર જ ફીટનેસ સર્ટિફિકેટ મોકલી દેવામાં આવતું હતું. અન્ય સેન્ટરોમાં પણ આ રીતે કૌભાંડ થતું હોવાની શંકા ચિલોડા ખાતે આવેલું ફીટનેસ સેન્ટર. RTOની તપાસમાં ખબર પડી કે, ચિલોડા ખાતેના ખાનગી ફીટનેસ સેન્ટરમાં ગેરરીતિ ચાલતી હતી આ રીતે ગેરરીતિ પકડાઈ આરટીઓએ ફીટનેસ સેન્ટરે ઈશ્યૂ કરેલા સર્ટિફિકેટની બારીકાઈથી તપાસ કરી હતી 3 મહિનામાં રેકોર્ડ થયેલા વીડિયો અને ઈશ્યૂ થયેલા સર્ટિફિકેટની ચકાસણી કરી. તપાસમાં પકડાયું કે જે વાહનોને સર્ટિફિકેટ અપાયા હતા તે સેન્ટર પર આવ્યા જ ન હતા. ખાનગી ફીટનેસ સેન્ટર પરથી બનાવટી સર્ટિફિકેટ આપવાની ફરિયાદો મળી હતી. રાજ્યમાં આવેલા અન્ય સેન્ટર પણ આ જ રીતે સર્ટિફિકેટ આપે છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટે આપેલા આદેશ મુજબ તપાસ થઈ હતી. તમામ સેન્ટર પર તપાસ કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે છે. સંખ્યાબંધ વાહનમાલિકોએ બોગસ ફીટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાતા હોવાની ફરિયાદો કરી હતી. – દિલીપ વણકર, એઆરટીઓ, ગાંધીનગર