રાજકોટ શહેરમાં ગુરુવારે મોડી રાત્રીના ફૂડ પોઇઝિંગની ઘટના સામે આવી છે. શહેરના ભવાનીનગર વિસ્તરમાં બાળકોએ સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલ છાશ પીધા બાદ ઉલ્ટી થતા લગભગ 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાત્રીના સમયે 12થી 15 બાળકોને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક બાળકને વધુ અસર થતા તેને ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે. બાળકોએ છાશ પીધા બાદ ફૂડ પોઈઝિંગ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના રામનાથ પરા પાસે આવેલ ભવાનીનગર વિસ્તારમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી. આ વિસ્તારના બાળકો દ્વારા છાશ પીવામાં આવી હતી જે બાદ લગભગ 25થી 30 બાળકોને ફૂડ પોઈઝિંગની અસર થતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. છાશ પીધા બાદ બાળકોની એકાએક તબિયત લથડવા લાગી હતી અને બાળકો ઉલ્ટી કરવા લગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ભવાનીનગર વિસ્તારના જ રહેવાસી 12થી 15 બાળકોને ગુંદાવાડી વિસ્તારમાં આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એક બાળકની હાલત ગંભીર
મોટાભાગના બાળકોની તબિયત સ્થિર હોવાનું જ્યારે કે એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર આર્થર ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. ICUમાં દાખલ છે તે બાળકનું નામ જયરાજ હિતેષભાઇ જાડા છે જેની ઉંમર 10 વર્ષની છે અને તે ભવાનીનગર વિસ્તારમાં આવેલ શેરી નંબર 5માં રહેતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જય બાંભણીયા, દિપાલી શિયાળ, નમ્રતા ચૌહાણ, હાર્દિક ભાટી, હસું ચાવડા, કિશન ચાવડા, અને રાજવી પરમાર સહીત બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે.