શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનનું મુંબઈમાં એક આલીશાન રેસ્ટોરન્ટ છે. ખૂબ જ મોંઘેરાં આ રેસ્ટોરન્ટમાંથી નકલી પનીર મળ્યું હોવાનો એક યૂટ્યુબરે દાવો કર્યો છે. આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે સેલેબ્સના મોંઘા-મોંઘા રેસ્ટોરન્ટમાં જઈને પનીર ટેસ્ટિંગ કરતો વીડિયો શેર કર્યો. જેમાં તે વિરાટ કોહલી, શિલ્પા શેટ્ટી અને ગૌરી ખાનનાં રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાં પીરસવામાં આવતા પનીરને ટેસ્ટ કરે છે. તેણે જ્યારે ગૌરીનાં રેસ્ટોરા ટોરીમાં ટેસ્ટ કર્યું તો પરિણામે બધાને ચોંકાવી દીધા હતા. જોકે, રેસ્ટોરાની ટીમે તમામ દાવાઓને ફગાવી દીધા છે. યૂટ્યુબરે વીડિયો શેર કરી રેસ્ટોરાંની પોલ ખોલી
યૂટ્યુબર સાર્થક સચદેવાએ મુંબઈના ઘણા સેલેબ્સ રેસ્ટોરન્ટ્સની મુલાકાત લીધી હતી. સાર્થક વિરાટ કોહલીની વન 8 કોમ્યુન, શિલ્પા શેટ્ટીની બેસ્ટિયન, બોબી દેઓલની સમ પ્લેસ એલ્સમાં આયોડિનની મદદથી પનીર ટેસ્ટ કરે છે. વીડિયોમાં જોવા મળે છે કે પહેલા યૂટ્યુબર પનીર આધારિત વસ્તુઓ ઓર્ડર કરે છે, પછી પનીરના ટુકડાને પાણીના બાઉલમાં ધોઈ નાખે છે. આ પછી તે આયોડિન ડ્રોપ નાખી ટેસ્ટ કરે છે. વિરાટ કોહલી, શિલ્પા શેટ્ટી અને બોબી દેઓલની રેસ્ટોરાં આ ટેસ્ટમાં પાસ થઈ જાય છે. જ્યારે યૂટ્યુબરના દાવા અનુસાર ગૌરી ખાનની રેસ્ટોરાં પનીર ટેસ્ટમાં ફેલ થઈ જાય છે. રેસ્ટોરાંની ટીમે દાવો ફગાવી પલટ જવાબ આપ્યો
યૂટ્યુબર સાર્થકનો વીડિયો વાઈરલ થતાં જ ટોરી રેસ્ટોરન્ટ તરફથી પ્રતિક્રિયા સામે આવે છે. તે જવાબ આપતા સ્પષ્ટતાં કરે છે કે, આયોડિન ટેસ્ટ પનીરની અધિકૃતતા નહીં, પણ સ્ટાર્ચની હાજરી બતાવે છે. વાનગીમાં સોયા-આધારિત ઘટકો હોવાથી, આ ટેસ્ટમાં આ પ્રકારનું રિએક્શન આવવું અપેક્ષિત છે. અમે અમારા પનીરની શુદ્ધતા અને ટોરીની દરેક વસ્તુમાં ક્વોલિટી આપીએ છીએ. સામે તરત જ સાર્થકે મજાકમાં કહ્યું- તો શું હવે મને રેસ્ટોરાંમાંથી બેન કરવામાં આવ્યો છે? બાય ધ વે, તમારું ભોજન અદ્ભુત છે. આ વીડિયો પર યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.