વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઈટવાડ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના 9 યુવાનો સંબંધીની કાર લઈને બુધવારે બપોરે આવ્યા હતા. એક કલાક જેટલો સમય મજાક મસ્તી કરીને મિત્રો વહેતા પાણીમાં નાહવાનો આનંદ લેતા હતા. દરમિયાન એક યુવાનનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. મહીસાગર નદીમાં લાપતા થયેલા યુવાનનો મૃતદેહ 19 કલાક બાદ NDRFની ટીમને મળી આવ્યો હતો. ઇટાવાડ નજીક મહીસાગર નદીમાં નાહવા ગયા હતા
મળેતી માહિતી પ્રમાણે વડોદરાના માજલપુર વિસ્તારના 9 મિત્રો વિપુલ, પાર્થ, અમિત, વિરેન્દ્ર, શુભમ, સ્મિત, રામસિંહ, મિનેશ લક્ષ્મણભાઈ સોલંકી મોતને ભેટનાર, અને ઇન્દ્રજીત રાજપુત ડેસર તાલુકાના ઇટવાડ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં કાર લઇને નાહવા માટે આવ્યા હતા. તમામ સોલંકી જ્ઞાતિના હતા. એક યુવક વહેતા પાણીમાં તણાઈ જતા લાપતા થયો હતો
અડધો એક કલાક નાહ્યા બાદ તેઓ મહીસાગર નદીના મોટા પથ્થર ઉપર ભેગા મળીને નાસ્તો કર્યો હતો. નાસ્તો કર્યા બાદ તમામ મિત્રો વહેતા પાણીમાં નાહવાનો આનંદ લેવા માટે પુનઃ એક વખત વહેતા પાણીમાં ઉતર્યા હતા. જેમાં મિનેશ સોલંકી ( ઉ.વ. 30, રહે. માજલપુર કુંભારવાડા) વહેતા પાણીમાં તણાઈ જતાં લાપતા થયો હતો. મિનેશ વહેતા પાણીમાં તણાવા લાગતા તમામ સાથી મિત્રોએ તેને બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી જોત જોતામાં ઉડાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તમામ મિત્રો ડઘાઈ ગયા હતા અને એક બીજા મિત્રો ગળે લાગીને આક્રંદ શરૂ કર્યું હતું. દરમિયાન આ બનાવ અંગે સાથી મિત્ર વિપુલ સોલંકીએ (રહે. માજલપુર, જય રામદાસ ફળિયુ) ડેસર પોલીસ મથકમાં ફરિયાદ આપતા ડેસર પોલીસે ગુનો નોંધી કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ ઇટવાડની મહીસાગર નદીમાં વડોદરાનો નવયુવાન પાણીમાં ડૂબી ગયો છે તેવી વાત વાયુવેગે ડેસર તાલુકામાં પ્રસરતા લોક ટોળા એકત્ર થઇ ગયા હતા. 19 કલાકે મિનેશ સોલંકીનો મૃતદેહ શૌધી કાઢ્યો હતો
આ બનાવ અંગે ડેસર પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મિનેશ સોલંકીને શોધવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ સફળતા મળી ન હતી. આજે સવારે એન.ડી.આર.એફની ટીમ ઇટવાડ ખાતેની મહીસાગર નદીમાં આવી પહોંચી હતી. અને સ્થાનિક તરવૈયાઓની મદદથી જ્યાં સ્નાન કરતો હતો ત્યાંથી 500 મીટર દૂરથી મસ મોટા પથ્થર પાસેથી 19 કલાકે મિનેશ સોલંકીનો મૃતદેહ શૌધી કાઢ્યો હતો. પોલીસે મૃતદેહ પી.એમ. માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.