જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)એ જાતીય સતામણીના ગંભીર આરોપો બાદ તેના એક વરિષ્ઠ પ્રોફેસરને બરતરફ કર્યા છે. આ ઘટના થોડા મહિના પહેલા યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન બની હતી, જેમાં જાપાની દૂતાવાસની એક મહિલા અધિકારી સાથે છેડતી કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતાએ જાપાન પરત ફર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી, જે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય દ્વારા યુનિવર્સિટી સુધી પહોંચી હતી. JNUની આંતરિક ફરિયાદ સમિતિ (ICC) એ તપાસ બાદ આરોપો સાચા હોવાનું શોધી કાઢ્યું અને યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે પ્રોફેસરની સેવાઓને તમામ લાભો સાથે સમાપ્ત કરવાની ભલામણ કરી. પ્રોફેસર સામે આ પહેલો કેસ નહોતો. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, આરોપી પ્રોફેસર વિરુદ્ધ અગાઉ પણ ઘણી ફરિયાદો મળી હતી. જોકે, આરોપી પ્રોફેસરને અપીલ કરવાનો અધિકાર છે. તેમનું નામ અને વિભાગની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ભ્રષ્ટાચારના આરોપસર એક પ્રોફેસરને હટાવવામાં આવ્યા પર્યાવરણ વિજ્ઞાન વિભાગના અન્ય એક પ્રોફેસરને પણ એક સંશોધન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપસર હટાવવામાં આવ્યા છે. આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. આ કેસમાં બે નોન-ટીચિંગ સ્ટાફને પણ બરતરફ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેટલાક શિક્ષકો સામે પગાર વધારો રોકવા, ઠપકો આપવા અને ફરજિયાત તાલીમ જેવા શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવ્યા છે. ICCમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે પ્રથમ વખત વિદ્યાર્થી ચૂંટણીઓ યોજવા માટે મંજૂરી આપવામાં આવી છે. JNU પ્રશાસને કહ્યું છે કે, આ બધા નિર્ણયો યુનિવર્સિટીમાં પારદર્શિતા, જવાબદારી અને મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યા છે.