અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે અમે ચીન સાથે ખૂબ જ સારો સોદો કરવા જઈ રહ્યા છીએ. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકાને ચિંતા થવી જોઈએ કે તેના સાથી દેશો ચીનની નજીક આવી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું – ના. તમને જણાવી દઈએ કે અમેરિકાએ બે દિવસ પહેલા જ ચીન પર 245% ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે કોઈ અમારી સાથે સ્પર્ધા કરી શકે નહીં. મને લાગે છે કે આપણે ચીન સાથે ખૂબ જ સારો સોદો કરીશું. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ચીન અમેરિકા સાથે મુલાકાત કરવા તૈયાર છે. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે ગઈકાલે મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે તેમની ખૂબ જ સારી વાતચીત થઈ. એ જ રીતે હું જાપાનના વ્યાપાર પ્રતિનિધિઓને પણ મળ્યો. ચીન સહિત દરેક દેશ અમને મળવા માગે છે. ચીન પર બોઇંગ સોદાથી ઇનકાર કરવાનો આરોપ
વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે વાટાઘાટોના ટેબલ પર અમેરિકા નહીં, પણ ચીન આવે છે. અગાઉ, યુએસ રાષ્ટ્રપતિએ બેઇજિંગ પર બોઇંગ સાથેના એક મોટા સોદાથી પાછળ હટવાનો આરોપ લગાવ્યો હતો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ટ્રમ્પના નિવેદનને ટાંકીને કહ્યું કે બોલ ચીનના કોર્ટમાં છે. ચીને અમારી સાથે સમાધાન કરવાની જરૂર છે. આપણે તેમની સાથે સમાધાન કરવાની જરૂર નથી. ચીને કહ્યું હતું- અમે અમેરિકા સાથે વેપાર યુદ્ધથી ડરતા નથી
અમેરિકાના 245% ટેરિફ પર ચીને કહ્યું કે અમે અમેરિકા સાથે વેપાર યુદ્ધથી ડરતા નથી. ચીને પુનરોચ્ચાર કર્યો કે અમેરિકાએ વાટાઘાટો કરવી જોઈએ. અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને વાટાઘાટો શરૂ કરવી પડશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે જો અમેરિકા ખરેખર વાતચીત અને સમાધાન દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે, તો તેણે બિનજરૂરી દબાણ, ધાકધમકી અને બ્લેકમેઇલિંગ બંધ કરવું જોઈએ અને સમાનતા, આદર અને પરસ્પર હિતના આધારે ચીન સાથે વાત કરવી જોઈએ. લિન જિયાને પત્રકારોને જણાવ્યું હતું કે તમારે અમેરિકાને પૂછવું જોઈએ કે 245% યુએસ ટેરિફ હેઠળ વિવિધ કર દરો શું હશે. આ ટેરિફ યુદ્ધ અમે નહીં, પણ અમેરિકાએ શરૂ કર્યું છે. અમે ફક્ત અમેરિકાની કાર્યવાહીનો જવાબ આપી રહ્યા છીએ. અમારી ક્રિયાઓ સંપૂર્ણપણે તાર્કિક અને કાયદેસર છે. અમે અમારા દેશના અધિકારો અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રામાણિકતા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચીને બોઇંગ પાસેથી નવાં વિમાનોની ડિલિવરી લેવાનો ઇનકાર કર્યો ગઈકાલે માહિતી પ્રકાશમાં આવી હતી કે ચીને તેની એરલાઇન્સને અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગ પાસેથી નવાં વિમાનોની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બીજિંગે અમેરિકામાં બનેલા વિમાનના ભાગો અને ડિવાઈસિસની ખરીદી રોકવાનો પણ આદેશ આપ્યો છે. અમેરિકાના 145% ટેરિફના જવાબમાં ચીને આ આદેશ જારી કર્યો છે. બોઇંગ એરોપ્લેન્સ એક અમેરિકન કંપની છે, જે વિમાન, રોકેટ, સેટેલાઈટ, ટેલિકોમ્યુનિકેશન સાધનો અને મિસાઇલો બનાવે છે. આ કંપનીની સ્થાપના 15 જુલાઈ, 1916ના રોજ વિલિયમ બોઇંગ દ્વારા કરવામાં આવી હતી. ઘણા દેશોની એરલાઇન્સ બોઇંગ દ્વારા બનાવેલાં વિમાનોનો ઉપયોગ કરે છે. બોઇંગ અમેરિકાની સૌથી મોટી એક્સપોર્ટર અને વિશ્વની ત્રીજી સૌથી મોટી ડિફેન્સ ડીલ કરતી કંપની છે. ચીને કિંમતી ધાતુઓનો પુરવઠો પણ બંધ કરી દીધો આ ટ્રેડવોર વચ્ચે ચીને 7 કીમતી મેટલ્સની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચીન કાર, ડ્રોનથી લઈને રોબોટ અને મિસાઇલ સુધી બધું જ એસેમ્બલ કરવા માટે જરૂરી મેગ્નેટ એટલે કે ચુંબકના શિપમેન્ટ પણ ચીનનાં બંદરો પર બંધ કરી દેવામાં આવ્યાં છે. આ સામગ્રી ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ બિઝનેસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ નિર્ણયથી વિશ્વભરની મોટર વાહન, વિમાન, સેમિકન્ડક્ટર અને શસ્ત્રો બનાવતી કંપનીઓને એની અસર થશે. આ ધાતુ મોંઘી થશે. 4 એપ્રિલના રોજ ચીને આ 7 કીમતી ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો. ઓર્ડર મુજબ, આ કીમતી ધાતુઓ અને તેમાંથી બનેલા ખાસ ચુંબક ફક્ત ખાસ પરવાનગી સાથે જ ચીનની બહાર મોકલી શકાય છે. ચીન નવા ઉદ્યોગો અને નવીનતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ચીન પાસે લગભગ 600 બિલિયન પાઉન્ડ (લગભગ $760 બિલિયન) ના યુએસ સરકારી બોન્ડ છે. આનો અર્થ એ થયો કે ચીન પાસે અમેરિકન અર્થતંત્રને પ્રભાવિત કરવાની મોટી શક્તિ છે. તે જ સમયે, ચીને પણ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચીને ઔદ્યોગિક ક્ષેત્રને $1.9 ટ્રિલિયનની વધારાની લોન આપી છે. આના કારણે, અહીં કારખાનાઓના નિર્માણ અને અપગ્રેડેશનને વેગ મળ્યો. હુઆવેઇએ શાંઘાઈમાં 35,000 એન્જિનિયરો માટે એક સંશોધન કેન્દ્ર ખોલ્યું છે, જે ગૂગલના કેલિફોર્નિયા મુખ્યાલય કરતા 10 ગણું મોટું છે. આનાથી ટેકનોલોજી અને નવીનતા ક્ષમતામાં વધારો થશે.