સુરતમાં કતારગામની એચવીકે ઇન્ટરનેશનલ પ્રા.લિ. નામની ડાયમંડ કંપનીના રત્નકલાકારોના ભાવ વધારાની માંગને લઈને આજે ત્રીજા દિવસે પણ હડતાલ પર છે. રત્નકલાકારોની હડતાળન પગલે ડેપ્યુટી લેબર કમિશનરની મઘ્યસ્થીમાં સંચાલકો સાથે બેઠક મળી હતી. પરંતુ સંચાલકો અકડ વલણના પગલે ભાવ વધારા મુદ્દે કોઇ નિર્ણય નહીં લેવામાં આવતા હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત્ રહેવાની સાથે લેબર વિભાગ દ્વારા કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે. બાહેધરી બાદ પણ ભાવમાં વધારો ન કારાયો
ભયંકર મંદીના કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતી રોજબરોજ કથળી રહી છે. ત્યારે કતારગામની એચવીકે ઇન્ટરનેશનલ પ્રા. લિ. નામની ડાયમંડ કંપનીના રત્નકલાકારો દ્વારા હીરાની મજૂરીના હાલના ભાવ 16.50 રૂપિયામાં વધારો કરી 1.50 થી લઇ 2 રૂપિયા સુધીનો વધારાની રજૂઆતને ધ્યાનમાં લઈ બાહેધરી આપ્યા બાદ પણ વધારો કરવામાં આવ્યો ન હતો. જેને પગલે 16 એપ્રિલથી કંપનીના 80 જેટલા રત્નકલાકારોએ હડતાળ ઉપર ઉતરવાની ફરજ પડી હતી. ડેપ્યુટી કમિ.ની મધ્યસ્થીમાં મળેલી બેઠક ભાંગી પડી
રત્નકલાકારોની હડતાળને લેબર વિભાગ દ્વારા ગંભીરતાથી લઇ રત્નકલાકારોની મુલાકાત લેવા ઉપરાંત કંપનીની પણ મુલાકાત લીધી હતી. જે અંતર્ગત ડેપ્યુટી લેબર કમિશનરની મધ્યસ્થીમાં હડતાળ કરનાર રત્નકલાકારો, ડાયમંડ વર્કર યુનિયન અને કંપની સાથે મધ્યસ્થી કરી બેઠકનું આયોજન કર્યુ હતું. પરંતુ કંપનીના સંચાલકો દ્વારા ભાવ વધારા બાબતે એકડ વલણ અપનાવ્યું હતું. ડેપ્યુટી કમિશનરની મધ્યસ્થીમાં મળેલી બેઠક પડી ભાંગી હતી અને કોઈ નિરાકરણ નહીં આવતા આજે ત્રીજા દિવસે પણ હડતાળ યથાવતે રહેવા પામી હતી. જો કે મહત્વની બાબત એ છે કે, બેઠકમાં સંચાલકોએ અકડ વલણ તો દાખવ્યું હતું, પરંતુ લેબર વિભાગે લઘુત્તમ વેતન, બોનસ ચુકવણી, ગ્રેજ્યુઇટી વગેરેની ચુકવણીના રેકોર્ડ રજૂ નહીં કર્યા ન હોવાથી નોટિસ ફટકારી છે.