back to top
Homeગુજરાતવિસાવદર અને કડીમાં ત્રિ-પાંખિયો જંગ થશે:વિધાનસભાની પેટાચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે, રેસના...

વિસાવદર અને કડીમાં ત્રિ-પાંખિયો જંગ થશે:વિધાનસભાની પેટાચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે, રેસના ઘોડા ઉતારશે કે જાનના?

ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીથી લઈને પ્રદેશ નેતાઓ હાલ એક્ટિવ થયા છે. 8-9 એપ્રિલે રાષ્ટ્રીય અધિવેશન અને 15-16 એપ્રિલે સૃજન સંગઠન અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રભારી વાસનિક અમદાવાદ આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે પોલિટિકલ અફેર્સ કમિટીની સાથે મિટિંગ યોજી હતી. જેમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ માર્ચ અને એપ્રિલમાં ગુજરાતની એક બાદ એક ત્રણ મુલાકાતો લીધી છે. હવે તે ગુજરાતને લઈ ગંભીર છે. જેના ભાગરૂપે દિલ્હીની જેમ ગુજરાતમાં પણ આપ સાથે ગઠબંધન કર્યા વિના એકલા હાથે ચૂંટણી લડવાની છે. આમ વિધાનસભા 2027ની ચૂંટણી પણ કોંગ્રેસ એકલા હાથે લડશે એવો સંકેત આપી દીધો છે. આ પણ વાંચો: આ 9 સ્ટેપમાં પ્રક્રિયા કરી 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે AAPએ પોતાની રીતે જ તેમનો ઉમેદવાર જાહેર કરી દીધો: શક્તિસિંહ
આ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, અમારા કાર્યકરોના દિલમાં શું છે અને શું આગળ સંગઠનના નવસર્જન માટે વિસ્તૃત ચર્ચા કરાઈ છે. ગુજરાતમાં બે પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે તે અંગે પોલિટિકલ કમિટિ અફેર્સમાં તેના વિશે પણ ચર્ચા થઈ છે. ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે. આમ આદમી પાર્ટીએ પોતાની રીતે ઉમેદવાર જાહેર કરી દીધો છે. રાષ્ટ્રીય સ્તરે અમારું ઈન્ડિયા ગઠબંધન છે અને રહેવાનું છે. રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીત પ્રમાણે નિર્ણય કરતા હોય છે. જેમ કે, હું હરિયાણાનો પ્રભારી હતો ત્યારે જાણતો હતો કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે એવું દિવાલ પર લખેલું હતું. આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં ઝીરો હતું. પરંતુ આમ આદમી પાર્ટીને હુડ્ડાને કેટલીક સીટો ઓફર કરવા છતાંય ઠોકર મારી એકલા હાથે ચૂંટણી લડી અને હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યાં. રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે, ઈન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશપ્રમુખ હોય તે જિલ્લો છોડવો મારા માટે મુશ્કેલ હોય. અમારી ઈમોશનલ ફિલિંગ હોવા છતાં ભરૂચ અને ભાવનગર અમે છોડ્યું હતું. રાજ્ય કક્ષાએ અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજની પોલિટિકલ અફેર્સ કમિટિમાં વિસ્તૃત ચર્ચાના અંતે ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે નિર્ણય લેવાયો કે ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત આપતી નથી. ભૂતકાળમાં કોઈ પાર્ટીને વધુ મત મળ્યા નથી. કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ નુકસાન કર્યું છે, પણ જનતાએ કોંગ્રેસને મત આપ્યાં છે. વિસાવદર અને કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે. ‘ગુજરાતીઓ ત્રીજી પાર્ટીને મત આપતા નથી, 2022માં 11 ટકા તોડી AAPએ નુકસાન કર્યું’
શક્તિસિંહે વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં લેફ્ટ, સમાજવાદી પાર્ટી અને જેમની સરકાર હતી એવા શંકરસિંહ વાઘેલા પ્રયાસ કર્યો પણ માત્ર 4 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા. ચીમનભાઈ પટેલે મને કહેલું હતું કે, મેં અલગ પાર્ટી બનાવીને પ્રયાસ કર્યો. પટેલોનો પાવર અને રાજકીય સમજ હતા. પરંતુ ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને મત આપતી નથી. આમ આદમી પાર્ટીએ એક જુવાળ ઉભો કરીને 11 ટકા મત તોડીને કોંગ્રેસને નુકસાન કર્યું. જો કે તેમ છતાં વધુ મત તો કોંગ્રેસ પાર્ટીને જ આપ્યા. 2027માં સેવાની સાધના માટે અને આજે મજબૂત વિપક્ષ માટે જીતાડો. આવનારા સમયમાં પૂરા આશીર્વાદ સાથે સત્તા પડાવી લેવાની નહીં સેવાની સાધના સાથે કોંગ્રેસને વ્હાલા ગુજરાતીઓના આશીર્વાદથી સત્તા મળે એવી નમ્ર પ્રાર્થના. 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવા અંગે કહ્યું કે, રાજકારણમાં હંમેશા વર્તમાનની જ વાત હોય. આજની વાત આપને કરી અને આવતા દિવસોની વાત કરવાની હશે ત્યારે આપ સૌને આમંત્રિત કરીને વાત કરીશ. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં કોણ કોણ હાજર રહ્યા?
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રમુખ ગોહિલ વિપક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, શૈલેષ પરમાર સહિતના નેતાઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. આગામી દિવસોમાં જિલ્લા પ્રમુખો માટે જે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે એને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. દૂર દૂરનાં રાજ્યોથી નેતાઓ આવીને સંગઠન મજબૂત કરવા કામ કરી રહ્યા છે: વાસનિક
આ પહેલા સવારે અમદાવાદ આવી પહોંચેલા વાસનિકે જણાવ્યું કે વકફ બોર્ડને લઈને સુપ્રીમ કોર્ટની સમક્ષ ભારત સરકારે કહ્યું છે કે 7 દિવસની અંદર જે સવાલ સુપ્રીમ કોર્ટે સરકાર સમક્ષ રજૂ કર્યા છે તેના જવાબ આપશે. કૉંગ્રેસના જે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે તે ભૌગલિક રીતે ખૂબ દૂર સુધી સોંપવામાં આવી છે. ત્યારે શું તેમના જિલ્લા બદલવામાં આવશે કે કેમ તેના વિશે જણાવ્યું હતું કે, મારી સમક્ષ હજુ સુધી આવી કોઈ વાત આવી નથી. પરંતુ કોંગ્રેસના ઘણા એવા નેતાઓ છે જે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશાથી આવી રહ્યા છે, આટલે દૂરથી આવીને તેઓ આપણી સાથે અહીં ગુજરાતમાં રહીને અમારા સંગઠનના અભિયાનને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે. આ સિવાય ગુજરાતના અનેક નેતાઓને પણ આ સંગઠનમાં મોટી ભૂમિકા ભજવવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે
15 એપ્રિલે અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનમાં યોજેલી પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવી હતી. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબ્મિટ કરશે. ત્યાર બાદ 45 દિવસમાં એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે. AICCના નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દીધી છે અને પ્રદેશના નિરીક્ષકો ક્યા જિલ્લામાં જશે તેનો નિર્ણય પ્રભારી લેશે. આ નિરીક્ષકો 23 એપ્રિલથી 8 મે સુધી જિલ્લામાં જશે. જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય લેશે ત્યાર બાદ સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી નામો નક્કી કરાશે. રેસ અને જાનના ઘોડા અલગ તારવવા કવાયત
2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદથી નહીં, જિલ્લાઓમાંથી ચાલશે કોંગ્રેસ: રાહુલ ગાંધી
16 એપ્રિલે મોડાસામાં રાહુલ ગાંધી સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, હવે જિલ્લાને અમદાવાદથી નહીં પણ જિલ્લાના મથકથી જ ચલાવવામાં આવશે. જિલ્લાના નેતાને મજબૂત બનાવવા જોઇએ. જિલ્લા પ્રમુખને જવાબદારી અને પાવર આપવામાં આવશે અને આ કામ અમે શરુ કરવા જઇ રહ્યા છીએ. હવે સંગઠનના માધ્યમથી ઉમેદવાર નક્કી કરવામાં આવશે, સીધા ઉપરની નક્કી થઇ ઉમેદવારો નહીં આવે. ‘કેટલાક ઘોડા લંગડા પણ હોય છે’
રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી જ ભાજપા અને RSS હરાવી શકે છે, જો દેશમાં બંનેને હરાવા હોય તો ગુજરાતમાંથી રસ્તો પસાર થાય છે. કોંગ્રેસની શુરઆત મહાત્મા ગાંધી અને સરદાર પટેલે ગુજરાતમાંથી કરી હતી, કેટલાક વર્ષોથી કોંગ્રેસ ડિમોરેલાઇઝ થઇ છે, પરંતુ આ મુશ્કેલી કાર્યકરોના સહયોગથી દૂર થઇ શકે છે. મેં પહેલા પણ કહ્યું હતું કે બે પ્રકારના ઘોડા હોય છે એક રેસના અને બીજા લગ્નનના પણ એમા એક ત્રીજા ઘોડા પણ જોડી દઉ છું અને એ છે લંગડા ઘોડા. કોંગ્રેસ માટે ગુજરાત કેમ મહત્ત્વનું?
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો આગળ વધવું હોય તો BJPને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠક પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments