સુરતના ભવ્ય ભૂતકાળ સમાન ચોક બજારના ઐતિહાસિક કિલ્લાને પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રિસ્ટોર કર્યો છે. એક સમયે ખંડેર ગણાતો સુરતનો આ કિલ્લો હવે સુરત માટે હેરિટેજ ટુરિઝમ બની રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં સુરતના આ ઐતિહાસિક કિલ્લાને નિહાળવા માટે 1.21 લાખ લોકો આવ્યા હતા અને તેના કારણે પાલિકાએ 83.72 લાખ રૂપિયાની આવક થઈ છે. ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન કરાયું
સુરત શહેરના ચોકબજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઈતિહાસની સાક્ષી પૂરે છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (1538- 1554) આદેશ પર સુરત શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો. સુલતાન મહમૂદે આક્રમણનું કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો. ઈ.સ.1540થી 1546ની વચ્ચે બાંધવામાં આવેલો કિલ્લો લગભગ 1 એકર જગ્યામાં ફેલાયેલો છે. 20 ગજ ઊંચી અને 15 મીટર પહોળી દીવાલો અને ચારે ખૂણા પર 12.2 મીટર ઊંચા અને 4.1 મીટર પહોળાઈના મિનારાથી સજ્જ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેની ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન કરાયું છે. ત્રણ વર્ષમાં 1.21 લાખ મુલાકાતીઓ આવ્યા
2022થી 2025 દરમિયાન 1,21,489 લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી છે અને રૂ. 83,72,040ની આવક થઇ છે એમ સુરત કિલ્લાના હેરિટેજ ટૂરિઝમથી પ્રાપ્ત થઈ છે. ક્યુરેટર પૃથ્વી રંગનેકર જણાવ્યું છે કે, સુરત મનપા દ્વારા વિશેષ પહેલરૂપે શરૂ કરાયેલ નિ:શુલ્ક પ્રવેશ યોજના હેઠળ મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શાળાના 8037 વિદ્યાર્થીઓ અને અન્ય નિયત કરાયેલા મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ આપી કિલ્લાના ઐતિહાસિક વારસાથી અવગત કરાવવામાં આવ્યા હતા. ઉપરાંત, 627 વિદેશી મુલાકાતીઓએ પણ કિલ્લાની મુલાકાત લીધી હતી. 18 સભ્યોની ટીમ કિલ્લાના સંચાલન અને જતન માટે સતત કાર્યરત છે. આ માત્ર ભૂતકાળ કે ઈતિહાસનું સંગ્રહસ્થાન નથી, પરંતુ ભાવિ પેઢીઓને આપણી સંસ્કૃતિ સાથે જોડવાનું માધ્યમ છે. આ કિલ્લામાં ઇતિહાસ નિહાળી નહીં અનુભવી પણ શકાય
એક સમયે તાપી નદીના કિનારે વ્યૂહાત્મક સ્થાન ધરાવતા સુરતના કિલ્લાએ હવે પોતાના પ્રાચીન અને ગૌરવપૂર્ણ વૈભવને ઉજાગર કરી રહ્યો છે. આ સ્મારકે અનેક જહાજોના આવાગમન, સામ્રાજ્યોના ઉદય અને પતન અને તાપીની લહેરો સાથે અનેકવિધ સંસ્કૃતિઓનો સાક્ષી રહ્યો છે. આજે આ કિલ્લામાં પૌરાણિક ઇતિહાસ માત્ર નિહાળી જ નહીં, અનુભવી પણ શકાય છે. રિનોવેશન બાદ ઉદ્દઘાટન અને જાહેર પ્રવેશ
મનપા દ્વારા રિનોવેશન થયા પછી 29 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક સુરત કિલ્લાનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરવામાં આવ્યું અને 30 સપ્ટે.2022થી સામાન્ય જનતા માટે ખૂલ્લો મૂકાયો. પુનઃસ્થાપન અને સંરક્ષણ
2015માં રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકા (SMC)ને કિલ્લાની જતન અને સંભાળ માટે સોંપણી કરી. SMCએ આશરે 55 કરોડના ખર્ચે પુનઃસ્થાપન કાર્ય કર્યું, જેમાં તુઘલક, ગુજરાતમાં ડચ અને બ્રિટિશ શૈલીઓના સ્થાપત્યને જાળવીને લગભગ 700 વર્ષ જૂના વારસાને જીવંત રાખવામાં આવ્યો છે. સ્થાપત્યની ભવ્યતા, ઇતિહાસની અનુભૂતિ: પ્રદર્શન અને ગેલેરીઓ
નવજીવન પામેલા સુરત કિલ્લાના અંદર હવે પથ્થર પરની પ્રાચીન મૂર્તિઓ અને નકશીકામથી શોભતી વિવિધ વિષયક ગેલેરીઓ છે, જે શહેરના ઇતિહાસની ઊંડી ઝાંખી આપે છે. છ મુખ્ય ઇમારતો, ચાર મુખ્ય મિનાર, બે અપૂર્ણ મિનાર, એક ખાઈ અને એક ડ્રોઅબ્રિજ છે, જે તમામ તુઘલક, મુગલ સલ્તનત, ડચ અને બ્રિટિશ યુગની ઝાંખી કરાવે છે. આ કિલ્લો માત્ર ઐતિહાસિક સ્મારક જ નથી પણ આજે તે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે. મુખ્ય આકર્ષણો વિશિષ્ટ ગેલેરીઓ