રાજ્યપાલો જે બિલ મોકલે એ રોકવા માટે રાષ્ટ્રપતિને સંપૂર્ણ વિટો અથવા પોકેટ વિટોનો અધિકાર નથી. તેમના નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે અને ન્યાયતંત્ર મહાભિયોગ બિલની બંધારણીયતા નક્કી કરશે. સુપ્રીમ કોર્ટે સંવિધાનની અનુચ્છેદ 201નો હવાલો આપીને પોતાની વેબસાઇટ પર આ પ્રકારનો ઓર્ડર અપલોડ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીધો રાષ્ટ્રપતિ પર પ્રહાર કરતાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સુપ્રીમ કોર્ટ પર બગડ્યા. તેમણે કહ્યું, ભારતમાં એવા સંજોગો ન બનાવી શકીએ કે જ્યાં ન્યાયતંત્ર ભારતના રાષ્ટ્રપતિને નિર્દેશ આપે, એ પણ શેના આધારે? દેશનું સર્વોચ્ચ ન્યાય શિખર સુપ્રીમ કોર્ટ અને સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ, આ મામલે દેશમાં જ નવો વિવાદ ઊભો થયો છે. આજે એની વાત… નમસ્કાર, દેશની બહાર ભલે આપણે ડિપ્લોમસી કરીએ, પણ દેશની અંદર બધું બરાબર નથી. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને નિર્દેશ કરે છે. ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના નિવેદનને વખોડે છે. આવું ભારતમાં ક્યારેય બન્યું નથી. પહેલા એ જાણો કે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
તામિલનાડુ સરકારના એક કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોની મર્યાદા નક્કી કરી હતી. પછી રાષ્ટ્રપતિની મર્યાદા નક્કી કરતું લખાણ વેબસાઇટ પર પોસ્ટ કર્યું હતું. રાજ્યપાલને કોઈ શંકા લાગે તો જે-તે સરકારનું બિલ મંજૂર કરાવવા કે રોકી રાખવા રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિને પણ વાંધાજનક લાગે તો બિલ રોકી રખાય છે. આ પ્રક્રિયા અંગે સુપ્રીમ કોર્ટે 4 મુદ્દામાં વાત કરીઃ કોઈ એક નિર્ણય લેવો પડશે: સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કલમ 201 કહે છે કે જ્યારે વિધાનસભા બિલ પસાર કરે છે એ રાજ્યપાલને મોકલવું જોઈએ અને રાજ્યપાલે એને રાષ્ટ્રપતિ પાસે વિચારણા માટે મોકલવું જોઈએ. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિએ કાં તો બિલને મંજૂરી આપવી પડશે અથવા એવું કહેવું પડશે કે એ મંજૂરી નહીં આપે.
ન્યાયિક સમીક્ષા: સુપ્રીમ કોર્ટે કહ્યું, રાષ્ટ્રપતિ જે નિર્ણય કરે એની કલમ 201 હેઠળ ન્યાયિક સમીક્ષા કરી શકાય છે. જો એવું લાગે કે બિલ રોકવામાં કેન્દ્ર સરકારનું પ્રેશર હતું તો કોર્ટ મનમાની અથવા દ્વેષની ભાવનાના આધારે બિલની સમીક્ષા કરશે. રાજ્યપાલે બિલને મંત્રી પરિષદની સહાય અને સલાહના વિરુદ્ધમાં જઈને નિર્ણય લીધો હોય, તો કોર્ટને બિલની કાયદેસર રીતે તપાસ કરવાનો અધિકાર રહેશે.
રાજ્યએ કારણો આપવાં પડશે: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યારે સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે ત્યારે નિર્ણય પણ વાજબી સમયમર્યાદામાં લેવો જોઈએ. બિલ મળ્યાના 3 મહિનાની અંદર રાષ્ટ્રપતિ માટે નિર્ણય લેવો ફરજિયાત રહેશે. જો રાષ્ટ્રપતિને નિર્ણય લેવામાં મોડું થાય તો કેમ મોડું થયું, એનાં કારણો જણાવવાં પડશે.
બિલ વારંવાર પાછું મોકલી શકાતું નથી: કોર્ટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બિલને રાજ્ય વિધાનસભામાં સુધારા અથવા ફેરવિચાર માટે પાછું મોકલે છે. જો વિધાનસભા એને ફરીથી પસાર કરે છે, તો રાષ્ટ્રપતિએ એ બિલ પર અંતિમ નિર્ણય લેવો પડશે અને વારંવાર સરકારને બિલ પરત મોકલી શકશે નહીં. આ આખો વિવાદ શરૂ થયો તામિલનાડુથી…
વાત એમ હતી કે તામિલનાડુમાં એમ.કે. સ્ટાલિન સરકારે વિધાનસભામાં 10 બિલ પાસ કર્યાં. આ બિલ આખરી મહોર માટે રાજ્યપાલ આર.એન. રવિ પાસે પહોંચ્યાં. રાજ્યપાલે આ બિલ અટકાવી રાખ્યાં. એની સામે સ્ટાલિન સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. આની સુનાવણી થઈ. 8 એપ્રિલે સુપ્રીમ કોર્ટે આપેલા એક ઐતિહાસિક નિર્ણયમાં રાજ્યપાલોની સત્તાની ‘મર્યાદા’ નક્કી કરી દીધી. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કહ્યું હતું કે ‘રાજ્યપાલ પાસે કોઈ વિટો પાવર નથી.’ બિલ રોકી રાખવાની રાજ્યપાલની કાર્યવાહી અમાન્ય છે. રાજ્યપાલ રવિએ સારી નિષ્ઠાથી કામ કર્યું નથી. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોની સત્તાની મર્યાદા નક્કી કરી ત્યારથી વિવાદ વધ્યો છે. સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણી સામે ઉપરાષ્ટ્રપતિ ધનખર શું બોલ્યા?
રાજ્યસભાના ઈન્ટર્નને સંબોધન કરવા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઉદ્બોધનમાં વાંધો ઉઠાવ્યો કે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને નિર્દેશ કેવી રીતે આપી શકે? ધનખરે બીજી શું વાત કરી, એ પોઇન્ટ વાઇઝ વાંચો… કપિલ સિબ્બલે ધનખરનો વારો કાઢ્યો કિરણ રિજિજુએ ન્યાયપાલિકા પર ટિપ્પણી કરતાં મંત્રીપદ ગુમાવ્યું હતું
માર્ચ 2023માં કિરણ રિજિજુ કાયદામંત્રી હતા. તેમણે એ સમયે ન્યાયપાલિકા પર કેટલાંક વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે “કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો, કદાચ ત્રણ કે ચાર, એન્ટી ઈન્ડિયા ગ્રુપનો ભાગ બની ગયા છે. આ લોકો ભારતીય ન્યાયતંત્રને વિપક્ષની ભૂમિકા ભજવવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશ વિરુદ્ધ કામ કરનારાઓને આની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે દેશની અંદર અને બહાર ભારતવિરોધી શક્તિઓ એક જ ભાષાનો ઉપયોગ કરે છે કે લોકશાહી ખતરામાં છે. ભારતમાં માનવ અધિકારો અસ્તિત્વમાં નથી. એન્ટી ઈન્ડિયા ગ્રુપ ગમે તે કહે, રાહુલ ગાંધી પણ એ જ ભાષાનો ઉપયોગ કરે છે. આનાથી ભારતની છબિ ખરાબ થાય છે. કાયદામંત્રી તરીકે કિરણ રિજિજુએ ટિપ્પણી કર્યા પછી તેમને કાયદામંત્રી પદેથી હટાવાયા હતા અને અર્થ સાયન્સ તેમજ સંસદીય બાબતોના મંત્રી બનાવી દેવાયા હતા. છેલ્લે,
1975માં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ ચૂંટણી કરાવીને જીત મેળવી ત્યારે ન્યાયાધીશ જસ્ટિસ ક્રિષ્નન ઐયરે એ ચૂંટણીને ગેરલાયક ઠેરવી હતી અને વડાંપ્રધાન પદેથી ઈન્દિરા ગાંધીને હટાવ્યાં હતાં, એટલે જ્યુડિશિયરી પાસે બીજી પણ ઘણી તાકાત હોય છે. સોમવારથી શુક્રવાર તમે રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…સોમવારે ફરી મળીએ.
નમસ્કાર
(રિસર્ચ – યશપાલ બક્ષી)