back to top
Homeગુજરાતટૂંક સમયમાં પ્રિયંકાની ગુજરાતમાં એન્ટ્રી!:રાહુલ ગાંધીએ મોડાસામાં જ કેમ મિટિંગ કરી? સ્ટેપ...

ટૂંક સમયમાં પ્રિયંકાની ગુજરાતમાં એન્ટ્રી!:રાહુલ ગાંધીએ મોડાસામાં જ કેમ મિટિંગ કરી? સ્ટેપ બાય સ્ટેપ સમજો કોંગ્રેસે બનાવેલી સ્ટ્રેટેજી

ગુજરાતમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે તનતોડ મહેનત શરૂ કરી છે. આ માટે હવે કોંગ્રેસ તેના સાથીપક્ષોના ભરોસે પણ રહેવા નથી માગતી એટલે જ કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના બદલે પોતાનો ઉમેદવાર ઊભો રાખવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ પણ એક મહિનામાં ગુજરાતની 3 વાર મુલાકાત લીધી છે. રાહુલ ગાંધીએ સંગઠનને બેઠું કરવાની શરૂઆત મોડાસાથી જ કેમ કરી? ગુજરાત માટે કોંગ્રેસનો પ્લાન શું છે? સંગઠનને બેઠું કરવા કેવી રીતે કામ કરવાનું નક્કી કર્યું છે? પ્રિયંકા ગાંધીની ગુજરાતમાં ક્યારથી એન્ટ્રી થશે? એક્સપર્ટના મતે કોંગ્રેસ પોતાની આ બ્લૂપ્રિન્ટથી કેટલી સફળ થઇ શકશે? આ સમગ્ર આયોજનમાં કોંગ્રેસીઓને હજુ પણ ક્યાં કચાશ લાગે છે? આ તમામ સવાલોના જવાબ મળશે આજના ખાસ રિપોર્ટમાંથી. સંગઠન સર્જન અભિયાનની શરૂઆત મોડાસાથી જ કેમ?
રાહુલ ગાંધીએ ગુજરાતમાં સંગઠન સર્જન અભિયાનની શરૂઆત મોડાસાથી કરી છે. મોડાસાની પસંદગી મુખ્ય બે ફેક્ટરને ધ્યાને રાખી કરવામાં આવી છે. પહેલું ફેક્ટર એ છે કે ઉત્તર ગુજરાતનો મોડાસા આસપાસનો પટ્ટો લાંબા સમય સુધી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. બાયડ, મોડાસા અને ભિલોડા એમ ત્રણેય વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસ જીતતી હતી, જોકે 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાંથી આ ત્રણેય સીટ સરકી ગઇ. કોંગ્રેસના મતે આ વિસ્તારમાં ઝડપથી બેઠું થઇ શકાય તેમ છે. બીજું ફેક્ટર છે આદિવાસી બેલ્ટ. અરવલ્લીથી લઇને છેક ડાંગ સુધીનો આદિવાસી પટ્ટો એક સમયે કોંગ્રેસની વોટ બેંક હતો. સમય સાથે આ વિસ્તારમાં કોંગ્રેસનું પ્રભુત્વ ઘટતું ગયું છે. કોંગ્રેસ OBC, SC, STનું રાજકારણ કરવા માગે છે. સત્તાનું સપનું સર કરવા માટે કોંગ્રેસને આદિવાસી વોટ બેંકનો સાથ ખૂબ જરૂરી છે, તેથી આ વિસ્તાર પસંદ કરાયો હતો. 23 એપ્રિલથી 8 મે સુધી નેતાઓ જિલ્લામાં જશે
કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે પાવરને ડિસેન્ટ્રલાઇઝ કરવાનો નિર્ણય કર્યો છે, એટલે કે જિલ્લા પ્રમુખોને હાઇકમાન્ડ બનાવવાનું નક્કી કર્યું છે. યોગ્ય જિલ્લા પ્રમુખોની વરણી માટે 5 લોકોની ટીમ તૈયાર કરી છે, જેમાં એક નેતા રાષ્ટ્રીય કક્ષાના હશે, જ્યારે અન્ય 4 નેતા પ્રદેશના હશે. પ્રદેશના જે નેતાઓને જવાબદારી સોંપાશે તેઓ અલગ અલગ જિલ્લાના હશે. તેમને પોતાના જિલ્લાનું કામ નહીં સોંપાય. આ નેતાઓ 23 એપ્રિલથી 8 મે સુધી પોતપોતાને સોંપાયેલા જિલ્લામાં જશે. આ પછી પોતાનો રિપોર્ટ નેતાને સોંપશે. કોંગ્રેસના ઓબ્ઝર્વર આ રીતે કામ કરશે
AICCના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના સાંસદે નામ ન આપવાની શરતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 5 નિરીક્ષકની ટીમ પોતાના વિસ્તારમાં જશે. તેમણે પોતાને સોંપાયેલા જિલ્લામાં ફરજિયાત 3 દિવસ રહેવું પડશે. આ દરમિયાન જિલ્લા પ્રમુખના દાવેદારને મળવાનું છે. તેમનું બેકગ્રાઉન્ડ તપાસવાનું છે. કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તાઓ પાસેથી ઉમેદવારોના રિવ્યૂ લેવાના છે. જે-તે વિસ્તારના ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓને પણ મળવાનું છે. આ બધી પ્રક્રિયાને અંતે તેમણે 6 નામ સૂચવવાના છે. આ 6 નામમાં તેમણે ઉંમર, જ્ઞાતિ કે બીજું કોઇ ફેક્ટર જોવાનું નથી. માત્ર એ જિલ્લાને બેઠો કરવા સક્ષમ હોવો જોઇએ. આ 6 નામમાંથી બાકીનાં ફેક્ટર AICC ટીમ, પ્રભારી અને પ્રદેશ પ્રમુખ જોશે. કોંગ્રેસની રણનીતિ અંગે પાયાના કાર્યકરો શું માને છે?
કોંગ્રેસની આ રણનીતિ અંગે અમે 2-3 મજબૂત કાર્યકર અને જમીન સ્તરે કામ કરતા કેટલાક લોકો સાથે ચર્ચા કરી હતી. નામ ન આપવાની શરત રાખ્યા બાદ તેઓ ખૂલીને બોલ્યા. આ વાતચીતના અંતે 2 મુખ્ય વાત સામે આવી છે. સૌ પહેલા તો તેમને આનંદ હતો કે વર્ષો પછી ગુજરાત માટે કોંગ્રેસ અતિગંભીર લાગી રહી છે અને ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. જિલ્લા સ્તરે સત્તા આપવાના નિર્ણયને પણ તેમણે આવકાર્યો, પરંતુ સમગ્ર પ્રક્રિયામાં 2 સવાલ ઊભા કર્યા, જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે એમ છે. પહેલો સવાલ એ હતો કે ભવિષ્યમાં જે વ્યક્તિ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે યોગ્ય દાવેદાર લાગશે અને તેની વરણી થશે. જો સત્તાનો દુરુપયોગ કરીને તેમને અથવા તેમના ધંધાકીય હિતને હેરાનપરેશાન કરવામાં આવશે તો તેમનું શું થશે? યોગ્ય ઉમેદવાર આર્થિક રીતે સક્ષમ નહીં હોય તો સંગઠનને મજબૂત કરવા માટેના પૈસા ક્યાંથી આવશે? અત્યારસુધી કોંગ્રેસને વરેલા મજબૂત કાર્યકરો જે મહેનત કરી રહ્યા છે તે પોતાના પૈસે કરી રહ્યા છે, પરંતુ એ ક્યાં સુધી ચાલશે? બીજો સવાલ એ હતો કે, ઓબ્ઝર્વરની સામે જે જિલ્લા પ્રમુખોના સજેશન આવશે તે દરેક લોકોને AICCના ઓબ્ઝર્વર સારી રીતે નહીં જાણતા હોય. બીજી તરફ કેટલાક મજબૂત નેતાઓ કાર્યકરો દ્વારા પોતાના નામનો જ ફીડબેક મળે એ માટે તમામ પ્રયત્ન કરવા સક્ષમ છે, તેથી જે 6 નામનું લિસ્ટ તૈયાર થાય એમાંથી કોના પર પસંદગીનો કળશ ઢોળવો એ માટે રાહુલ ગાંધીએ ગુજરાતના એક નિષ્પક્ષ નેતાની અંગત રીતે પણ સલાહ લેવી જોઇએ, તેથી જો 6 નામના લિસ્ટમાં પણ ક્યાંક કોઇ ખીચડી રંધાઇ હોય તો એ પ્રયોગ સફળ ન રહે. મોડાસાના કાર્યક્રમને સેમ્પલ માની આ જ પ્રકારના કાર્યક્રમ રાજ્યમાં થશે
રાહુલ ગાંધીએ મોડાસામાં જે કાર્યક્રમ કર્યો એ ગુજરાતના તમામ જિલ્લામાં થશે. આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણીઓની બેઠક અને બૂથ લેવલના કાર્યકરોનું સંમેલન રહેશે. મોડાસામાં ભાષણ દરમિયાન રાહુલ ગાંધીની બે વાતમાંથી ગુજરાતમાં કોંગ્રેસ અને નેતાઓના ભવિષ્યનો મોટો સંકેત મળ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસમાં કોણ નેતા મોટો છે અને કોને મહત્ત્વ અપાશે એનો એક જ માપદંડ છે. જે નેતાને જે જિલ્લાની જવાબદારી સોંપાઇ છે એમાં તે કોંગ્રેસને બેઠી કરી શકે તો તે મોટો નેતા છે. જે પર્ફોર્મ નહીં કરી શકે તે મોટો નેતા કેવી રીતે કહેવાય? રાહુલે કહ્યું હતું કે હવે પછી કોંગ્રેસ દરેક જિલ્લામાં સક્રિયપણે કાર્યક્રમો કરશે. જરૂર હશે ત્યાં વિરોધપ્રદર્શન પણ કરશે. જે નેતા જિલ્લાના કાર્યક્રમમાં હાજર નહીં રહે તેને ચૂંટણી લડવાનો કોઇ પ્રશ્ન નહીં રહે. કોંગ્રેસની ઓબ્ઝર્વરની કમિટીના સભ્ય લાલજી દેસાઇએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીની ખૂબ ચાહના છે. અમે તેમને બોલાવીશું. હવે ભલામણ નહીં ચાલેઃ લાલજી દેસાઇ
લાલજી દેસાઇ કહે છે કે કોંગ્રેસ પારદર્શક પક્ષ છે. રાહુલ ગાંધીએ સ્વીકાર્યું હતું કે સંગઠન નબળું છે. તેને મજબૂત કરવાની અમે શરૂઆત કરી છે. આવનારા સમયમાં ચૂંટાયેલી પાંખ કરતાં સંગઠનની પાંખને મજબૂત કરવામાં આવશે અને સંગઠનની જવાબદારી પણ મેરિટને આધારે જ નક્કી થશે.
આ નિયુક્તિની શરૂઆત થવા જઇ રહી છે. સંગઠનનો પ્રતિનિધિ મજબૂત છે કે નહીં? લોકોના મુદ્દાઓને યોગ્ય રીતે ઉપાડી શકે તેમ છે કે નહીં? આ તમામ પાસાંને ધ્યાને રાખી સંગઠનના હોદ્દેદારોને નીમવામાં આવશે. હવે ભલામણને આધારે કંઇ નક્કી થશે નહીં. તેઓ ઉમેરે છે કે કોંગ્રેસે સંગઠન સર્જન અભિયાન માટે રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓને એક એક જિલ્લાની જવાબદારી સોંપી છે. આ બધા ઓબ્ઝર્વર 15 મે સુધીમાં પોતાના જિલ્લાના સજેસ્ટેડ પ્રતિનિધિઓનું લિસ્ટ પર મોકલી આપશે. અમે પ્રિયંકા ગાંધીને બોલાવીશુંઃ લાલજી દેસાઇ
ગુજરાતમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી વિશે તેમણે કહ્યું, કોંગ્રેસ પાર્ટી એકદમ સ્પષ્ટ છે. જે પણ કાર્યમાં જેમની પણ જરૂર હોય તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી પારિવારિક કારણોસર અહીં હાજર નહીં રહી શક્યાં હોય. બાકી લોકસભાની ચૂંટણીમાં પણ જ્યાં જરૂર હતી ત્યાં પ્રિયંકા ગાંધી જરૂર આવ્યાં હતાં. લાલજી દેસાઇની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ટૂંક સમયમાં ગુજરાતમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થાય તોપણ નવાઇ નહીં. કોંગ્રેસના પ્લાન ગુજરાત અંગે અમે 2 રાજકીય વિશ્લેષકો આદેશ રાવલ તેમજ ડૉ. વિદ્યુત જોષી સાથે વાતચીત કરી હતી. વર્ષોથી કોંગ્રેસના રાજકારણ પર ચાંપતી નજર રાખતાં આદેશ રાવલે કહ્યું હતું કે ગુજરાત અંગે જે બ્લૂપ્રિન્ટ બની રહી છે એમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ કામ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં કઇ જવાબદારી સોંપવી એની કોંગ્રેસમાં ચર્ચા ચાલે છે
પ્રિયંકા ગાંધી હજુ સુધી ગુજરાત આવ્યાં નથી. તેમની આ પ્લાનમાં કોઇ જવાબદારી છે કે નહીં? જેના જવાબમાં આદેશ રાવલ કહે છે કે પોતાના પરિવારની કોઇ વ્યક્તિ બીમાર છે એટલે પ્રિયંકા ગાંધી વિદેશમાં હતાં, જેથી અધિવેશનમાં કે પાર્લમેન્ટમાં તેઓ હાજર નહોતાં. જિલ્લા પ્રમુખની વરણીના પ્લાન અંગે આદેશ રાવલનું માનવું છે કે કોંગ્રેસ સંગઠન મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેમના પ્લાનને જમીન પર કેવી રીતે ઉતારશે અને આ સારી વાતોને લાગુ કરી શકશે કે નહીં એ જ મોટો પ્રશ્ન છે. સંગઠનની આ રણનીતિને યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની મોટી જવાબદારી તેમના માથે છે. ‘કોઈ રાજકીય પાર્ટી ક્યારેય મરતી નથી’
કોંગ્રેસના ભવિષ્ય અંગે આદેશ રાવલનો મત છે કે કોંગ્રેસ આ રણનીતિ મુજબ સફળ થઇ શકશે કે નહીં, એ તો આગામી સમયમાં જ ખબર પડશે. ક્યારેય કોઇ રાજકીય પાર્ટી મરતી નથી. જોવાનું એ છે કે તેમના પ્લાનને તેઓ કેવી રીતે અમલી બનાવે છે. ‘સારા જિલ્લા પ્રમુખ મળે, પણ કાર્યકરો ભેગા થશે?’
ગુજરાતના રાજકારણને નજીકથી સમજતા રાજકીય વિશ્લેષક ડૉ. વિદ્યુત જોષીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સમસ્યા તદ્દન અલગ છે. 1980માં કોંગ્રેસે સેવાદળ બંધ કરી દીધું એટલે નવી ભરતી બંધ થઇ ગઇ અને સામે RSS મજબૂત બનતું ગયું. માર્ક્સે કહ્યું હતું કે યુવાનોને પકડવા જોઇએ. 18 વર્ષના યુવાનને જેનો સાથ મળે એ રસ્તે ચાલ્યો જાય છે, પરંતુ કોંગ્રેસે નવી ભરતી બંધ કરી એટલે તેને નવયુવાન મળતા બંધ થઇ ગયા. કોંગ્રેસ પાસે હવે માત્ર નેતાઓના પુત્ર જ વધ્યા છે. કોંગ્રેસ પાસે જોશીલા કાર્યકરો છે જ નહીં. મારા મતે કાર્યકરો બનાવ્યા વગર માત્ર જિલ્લા પ્રમુખો બદલવાથી કોઇ ફેર પડી શકે એમ નથી. કોંગ્રેસ પાસે સાથી સંગઠનો નથી
કોંગ્રેસની નબળી કડી વિશે જણાવતાં તેઓ કહે છે કે દરેક રાજકીય પાર્ટી પાસે તેનાં 20-25 સાથી સંગઠનો હોય છે. એક સમયે કોંગ્રેસ પાસે સેવાદળ, ટ્રેડ યુનિયન, ડૉક્ટર યુનિયન, શિક્ષક યુનિયન જેવાં યુનિયન હતાં, પરંતુ ધીરે ધીરે એ બંધ થઇ ગયાં. આજે આ બધું ભાજપ પાસે છે. આ બધાં સાથી સંગઠનો ચૂંટણી સમયે 25 ટકા જેટલા મતમાં મદદ કરી શકે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મને 2027માં કોઇ પરિણામ મળી શકે એવું લાગતું નથી. તેઓ આગળ કહે છે કે કોંગ્રેસને લાંબા ગાળાનો પ્લાન કરવાની જરૂર છે. અત્યારે કોંગ્રેસમાં જે પ્રતિનિધિત્વ કરે છે તે લોકો પાર્ટટાઇમ પોલિટિક્સ કરે છે. કેટલાક પોતાનાં રજવાડાં સાચવવામાં વ્યસ્ત છે. હવે ખામ થિયરી ફરીથી સફળ નહીં થાય
કોંગ્રેસના OBC, SC, ST સેન્ટ્રિક રાજકારણ કરવા અંગે ડૉ. વિદ્યુત જોષીનું માનવું છે કે કોંગ્રેસ KHAM થિયરીને ફરીથી નવા સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ મને લાગે છે કે 1985માં આ થિયરી સફળ થઇ હતી, હવે તે સફળ થાય તેવું મને નથી લાગતું. વાતના અંતે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે સારા માર્ગદર્શકો છે, પરંતુ તેમનું ઉપરના લેવલે ઊપજતું નથી અને જે લોકોની વાત ઉપરના લેવલે મનાય છે તે લોકો સાચું માર્ગદર્શન આપી શકતા નથી. રાહુલ ગાંધીના ઇરાદા સારા છે, પરંતુ તેમની પાસે રાઇટ ટાઇપ ઓફ એનાલિસિસ નથી. અરવલ્લી જેવો કાર્યક્રમ આખા ગુજરાતમાં થશે
કોંગ્રેસની સમગ્ર રણનીતિ અંગે વાત કરતાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કહે છે કે કોંગ્રેસે નક્કી કર્યું હતું કે 2025નું વર્ષ સંગઠનનું રહેશે, એ મુજબ અમે ચાલી રહ્યા છીએ. અમે સંગઠનના મજબૂત નિર્માણની નિર્ણાયક શરૂઆત ગુજરાતથી કરી રહ્યા છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ જનતાને ન્યાય અપાવવાનો છે, જે મજબૂત સંગઠન થકી જ શક્ય છે. રાહુલ ગાંધીના આવવાથી નવો જોશ ફૂંકાયો
રાહુલ ગાંધીના મોડાસાના કાર્યક્રમ દરમિયાન યોજાયેલી બૂથ કાર્યકરની મિટિંગમાં હાજર રહેલા દધાલિયા ગામના પૂર્વ સરપંચ ભીખાભાઇ જોષીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું, રાહુલ ગાંધીના આવવાથી સ્થાનિક કાર્યકરોમાં નવો જોશ ફૂંકાયો છે. રાહુલ ગાંધીએ સ્થાનિક લેવલે યોગ્ય લીડરશિપ પસંદ કરવાનો વિશ્વાસ આપ્યો છે. રાહુલ ગાંધીએ સૂચનો માગ્યા હતા
અરુણ પટેલ અરવલ્લીના કોંગ્રેસી નેતા અને ગુજરાત પ્રદેશના મહામંત્રી છે. રાહુલ ગાંધીએ યોજેલી જિલ્લા હોદ્દેદારોની બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ બધા પાસેથી સંગઠનને બેઠું કરવા માટેના સૂચનો માગ્યા હતા. બૂથ લેવલ સુધી આપણો કાર્યકર કેવી રીતે પહોંચે એ અંગે ચર્ચા થઇ હતી. સંગઠનના હોદેદ્દારોને કેવા પાવર આપવાથી કોંગ્રેસ બેઠી થઇ શકે એ ચર્ચા પણ થઇ હતી. આ પણ વાંચો ‘નવું ગુજરાત, નવી કોંગ્રેસ’ ચીમનભાઇના રસ્તે પંજો? કોંગ્રેસના ઐતિહાસિક અધિવેશનની 20 તસવીરો, જુઓ 64 વર્ષ પહેલાં કેવો હતો માહોલ? ગુજરાતમાં કોંગ્રેસ ધીમે ધીમે કેમ ધોવાઈ ગઈ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments