કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા છે. આ કેસમાં તેમને પાંચ વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સોપાઇપ અસ લિમિટેડને સમાઘોઘા, મુંદ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ કલેકટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી. આ મર્યાદા હોવા છતાં પ્રદીપ શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી. એને લઇને પ્રદીપ શર્માને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. પ્રદીપ શર્માએ નિયમની અવગણના કરી હતી
કેસની વિગતો મુજબ, એક જ દિવસે, એક જ કંપની માટે, એક જ હેતુ માટે ત્રણ અલગ-અલગ સર્વે નંબરની જમીન માટે અરજી કરવામાં આવી હતી. નિયમ મુજબ આવી તમામ અરજીઓને સંકલિત કરીને એક જ હુકમથી નિર્ણય લેવો જરૂરી હતો, પરંતુ કલેકટરે આ નિયમની અવગણના કરી સર્વે નંબર 326માં 20,538 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, જે 20,000 ચોરસ મીટરની મર્યાદાથી વધુ હતી. 25 એપ્રિલ 2004ના રોજ કુલ 47,173 ચોરસ મીટર જમીન એક જ કંપનીને ફાળવી દેવામાં આવી. આ રીતે 37,173 ચોરસ મીટર વધારે જમીન ફાળવવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધ્યો હતો
આ કેસમાં અન્ય આરોપીઓમાં તત્કાલીન નગર નિયોજક નટુ દેસાઈ, નાયબ મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિ અને નિવાસી નાયબ કલેકટર અજિતસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. સીઆઈડી ક્રાઇમ રાજકોટ ઝોન દ્વારા આ કેસમાં ઇપીકો કલમ 217, 409 અને 120(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 5 વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ
આ કેસ ભુજ કચ્છના નામદાર ચોથા અધિક ચીફ જ્યુ. મેજી., જે.વી.બુદ્ધ ભુજની અદાલત સમક્ષ ચાલી જતાં પ્રોસિક્યુશન તરફે – 52 દસ્તાવેજી પુરાવા તથા -18 સાક્ષી તપાસના આધારે આદેશ અપાયો હતો, જેમાં તમામ આરોપીઓને આઇ.પી.સી. કલમ 409 -120(બી), મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવીને 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ કરવામાં આવ્યો છે તેમજ આઇ.પી.સી. કલમ 217 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવીને 3 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. ACB કેસની સજા ભોગવ્યા બાદ આ સજાનો અમલ કરાશે
આરોપી પ્રદીપકુમાર એન.શર્માને હાલ પશ્ચિમ કચ્છ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. 06/2014 સેશન્સ કેસ નં. 192/2017ના કેસમાં નામદાર અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી 5 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ ઉપરોક્ત 5 વર્ષની સજાની અમલ શરૂ કરવા હુકમ કર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા કરાશે. આ કામે રાજ્ય સરકાર સી.આઇ.ડી.ક્રાઇમ, એજન્સીના પ્રોસીકયુશન તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એચ.બી.જાડેજા હાજર રહી દલીલો રજૂ કરી હતી. કોણ છે પ્રદીપ શર્મા?
રસાયણશાસ્ત્રમાં સ્નાતક કરનારા પ્રદીપ શર્માએ ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી હતી અને વર્ષ 1981માં તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1999માં આઇએએસ અધિકારી તરીકે બઢતી મળ્યા બાદ જામનગર, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર રહ્યા હતા. ત્યાર બાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા.