દેવગઢ બારીયાની વાય.એસ.આર્ટ્સ અને કે.એસ.શાહ કોમર્સ કોલેજની બી.એ. સેમેસ્ટર-2ની વિદ્યાર્થીની લક્ષ્મીબેન જયંતીભાઈએ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દહીકોટ ગામની રહેવાસી લક્ષ્મીબેને 19 એપ્રિલના રોજ તેમના લગ્નના દિવસે પણ પરીક્ષા આપવાનું પસંદ કર્યું હતું. લક્ષ્મીબેને “શિક્ષણ પ્રથમ”ના સિદ્ધાંતને વળગી રહીને પોતાની પરીક્ષામાં હાજરી આપી હતી. તેમનો આ નિર્ણય આદિવાસી સમાજમાં શિક્ષણના મહત્વને ઉજાગર કરે છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઘણી વખત સામાજિક રૂઢિઓ શિક્ષણના માર્ગમાં અવરોધ બને છે. કોલેજના આચાર્યએ જણાવ્યું કે લક્ષ્મીબેનનો નિર્ણય શિક્ષણની શક્તિ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સમગ્ર કોલેજ સ્ટાફે લક્ષ્મીબેનના આ પ્રશંસનીય પગલાની સરાહના કરી છે. તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. લક્ષ્મીબેનની આ વિશેષ સિદ્ધિ દર્શાવે છે કે શિક્ષણ વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે અનિવાર્ય છે. તેમનું આ પગલું આદિવાસી સમુદાયની યુવા પેઢીને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરશે. આ ઘટના સામાજિક પરિવર્તનનો માર્ગ મોકળો કરશે.