નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આજે JEE મેન્સ 2025 સત્ર 2નાં પરિણામો જાહેર કર્યાં છે . પરિણામની સાથે પરીક્ષાની અંતિમ આન્સર કી અને JEE એડવાન્સ્ડ માટે કટ-ઓફ પણ જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી અને એપ્રિલ બંને સત્રોમાં કુલ 24 ઉમેદવારે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. આ પરિણામમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓએ બાજી મારી છે. જેમાં એક અમદાવાદ અને એક વિદ્યાર્થી વડોદરાનો છે. વડોદરાના વિદ્યાર્થી આદિત પ્રકાશ ભગાડે સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી. પહેલા સત્રમાં 14 વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા. આ 24 ઉમેદવારમાંથી, 7 રાજસ્થાનના, 3-3 મહારાષ્ટ્ર, તેલંગાણા અને યુપીના, 2-2 પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીના છે. એક-એક કર્ણાટક અને આંધ્રપ્રદેશના છે. 100 પર્સન્ટાઇલ મેળવનારાઓમાં 21 ઉમેદવારો સામાન્ય શ્રેણીના છે. ત્યાં જ, EWS, OBC (નોન-ક્રીમી લેયર), SC શ્રેણીમાંથી એક-એક ઉમેદવારે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. સમાચારને વિગતે વાંચવા ક્લિક કરો…. JEE મેન્સ સેશન 2નું પરિણામ જાહેર અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે JEE મેન્સના રિઝલ્ટમાં ટોપ 50મા ગુજરાતનો એકપણ વિદ્યાર્થી નહોતો. ‘મારો JEE રેન્ક સારો છે પણ મારો ગોલ JEE એડવાન્સ છે’
આ અંગે ટોપમાં રહેલા વિદ્યાર્થી આદિત પ્રકાશ ભગાડેએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, JEE મેન્સમાં રેન્ક 100 ટકા સેશન ટુમાં રહ્યો છે અને ઓવર ઓલ રેન્ક એ.આઈ.આર 14 આવ્યો છે અને ખૂબ સારું લાગી રહ્યું છે. મારા પેરેન્ટ અને ટીચરે મને સ્પોર્ટ કર્યો અને મારા માટે ખૂબ મહેનત કરી છે. મારો JEE રેન્ક સારો છે, પરંતુ મારો ગોલ JEE એડવાન્સ છે જેથી મને મુંબઈ આઇઆઇટીમાં એડમિશન મળે અને તેના માટે હું ટ્રાય કરવાનો છું. આગળની બ્રાન્ચ શું લેવી તે હવે નક્કી કરીશું. નાનપણથી માતા-પિતાનો સપોર્ટ રહ્યો છે અને મમ્મીનો સપોર્ટ હંમેશા વધારે રહ્યો છે. ‘મારો દીકરો મોબાઈલ કે ટીવી ક્યારે જોતો જ નથી’
આ અંગ આદિતના પિતા ડોક્ટર પ્રકાશ ભગાડેએ જણાવ્યું હતું કે, જનરલી અમારા પ્રોફેશન પ્રમાણે અમે એને એટલો ટાઇમ ન્હોતા આપી શકતા, પરંતુ મારી વાઇફ દિલિતા મોટાભાગે એની સાથે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેની પાસે બેસતા હતા. મારી વાઇફ ગાયનેકોલોજિસ્ટ છે એટલે મહિલાઓની ડિલિવરી કોઈ પણ સમયે આવતી હતી અને ત્યારે તેમને જવું પડતું હતું. તેમ છતાં અમે અમારા દીકરા પર પુરતું ધ્યાન આપ્યું હતું અને તેને ફૂલ સ્પોર્ટ કર્યો હતો. ક્યારેક પર્ફોમન્સ ઓછું હોય તો અમે તેને કહ્યા કે આ ધાર્યા કરતા થોડુંક ઓછું છે. આ બાબતે તેણે સ્વીકારી અને પ્રયત્ન કરતો હતો અને દિવસમાં છથી આઠ કલાક અભ્યાસ કરી લેતો હતો. મારો દીકરો મોબાઈલ કે ટીવી ક્યારે જોતો જ નથી જેથી કોઈ દિવસે તે બાબતે કઈ કહેવું પડે તેવું બન્યું જ નથી. આ પરિણામથી અમે ખુશ છીએ. ‘આદિતની પરીક્ષા સમયે મને ઓવરિયન કેન્સર હતું’
આ અંગે આદિત ભગાડેની માતા ડોક્ટર દિલિતા ભગાડેએ જણાવ્યું હતું કે, આ પરિણામથી અમે સો ટકા સંતોષકારક છીએ. સારું પર્ફોર્મન્સ કરશે તેવી આશા હતી, પરંતુ આટલું સારું કરશે તેવું ક્યારે વિચાર્યું નહોતું. સાચું કહું તો છ મહિના પહેલા આદિતને JEE મેન્સમાં 100 ટકા પરિણામ આવશે તે સપનું હતું અને આજે તે સપનું સાચું થયું છે. બસ હવે એવી ઈચ્છા છે કે સેમ પર્ફોમન્સ કરી JEE એડવાન્સમાં પરિણામ આવે જેથી આગળ તેને જે કરવું છે તે કરી શકે. વધુમાં કહ્યું કે, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા હતી અને અભ્યાસ દરમિયાન મને ઓવરિયન કેન્સર હતું અને હું જાતે ગાયનેકોલોજિસ્ટ છું. તે સમય અમારા માટે કપરો હતો કે તેને ધોરણ 10ની પરીક્ષા હતી અને મને આ બીમારી થઈ હતી અને આ પરિસ્થિતિમાંથી નિકળવું પડ્યું હતું. આ પરિણામ પાછળ આખા પરિવારનો સાથ રહ્યો હતો અને તે દરમિયાન હિંમત આપી હતી કે, કોઈપણ પરિસ્થિતિમાંથી આગળ જવાનું પાછળ વળી ક્યારેય ન જોવું, તારા લક્ષ્યને જોઈ તું પૂરો કર તેવી હિંમત આપી હતી. આજે ભગવાને જે દિવસ બતાવ્યો તેના માટે હું ખૂબ ખુશ છું.