back to top
HomeગુજરાતMSUના પૂર્વ વીસીનો શીશ મહેલ:ફર્નિચર,વૉશરૂમ માટે અડધો કરોડ ચૂકવાયા: આરટીઆઇમાં ઘટસ્ફોટ

MSUના પૂર્વ વીસીનો શીશ મહેલ:ફર્નિચર,વૉશરૂમ માટે અડધો કરોડ ચૂકવાયા: આરટીઆઇમાં ઘટસ્ફોટ

નિશાંત દવે
3 વર્ષની ટર્મ પૂરી થવાના એક મહિના પહેલાં એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું ધરી દેનારા પ્રા.વિજય શ્રીવાસ્તવે વીસી બંગલોમાં ભરપૂર ખર્ચો કરાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. વીસીના સત્તાવાર નિવાસસ્થાન એવા ધન્વંતરિ બંગ્લોમાં રંગરોગાન, ખરીદી, વોશરૂમ રિપેરિંગ, મરામત સહિતની કામગીરી પાછળ અડધા કરોડથી વધુ ખર્ચ કરાવ્યો છે અને તેની સત્તાવાર જાણકારી આરટીઆઇમાં અપાઈ છે.
વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરના પદની વિશિષ્ટ ગરીમા છે. કોમન એક્ટ લાગુ થયા બાદ પણ મ.સ. યુનિવર્સિટીની સ્વાયતત્તા જાળવવામાં આવી છે અને ચાન્સેલર પદ રાજવી પરિવાર માટે અનામત રાખવામાં આવ્યું છે. આ સંજોગોમાં વીસી પદનો વિવાદી કાર્યકાળ ધરાવતા પ્રા.વિજય શ્રીવાસ્તવે વીસી બંગલોમાં કરેલા ખર્ચ મામલે જાહેર માહિતી અધિકાર હેઠળ માહિતી માગવામાં આવી હતી. જેનો યુનિવર્સિટી એન્જિનિયર રૂદ્રેશ શર્માએ પ્રત્યુત્તર તૈયાર કરી આરટીઆઇ સેલના ડેપ્યુટી રજિસ્ટ્રારને ખર્ચાની માહિતી મોકલી આપી હતી. જેમાં પૂર્વ વીસીએ બંગલામાં મન મૂકીને ખર્ચ કરાવ્યો હોવાનું સત્તાવાર ખૂલ્યું છે. નોંધનીય છે કે, પ્રા.વિજય શ્રીવાસ્તવે 10 ફેબ્રુઆરી,2022ના રોજ વીસી પદ સંભાળ્યું હતું અને 8 જાન્યુઆરી,2025ના રોજ રાજીનામું ધર્યું હતું. જોકે પ્રા.વિજય શ્રીવાસ્તવે 15 માર્ચે બંગલો વિવાદ બાદ ખાલી કર્યો હતો.
આરટીઆઇમાં આવેલા પ્રત્યુત્તર મુજબ યુનિ. વીસી નિવાસ સ્થાન ધન્વંતરિમાં સિવિલ રિપેરિંગ પાછળ રૂા.19,39,107નો ખર્ચ કરાયો છે. વોશરૂમ રિપેરિંગ પાછળ રૂા.9,66,206નો ખર્ચ કરાયો છે. સુથારી કામ (કાર્પેન્ટરી રિપેરિંગ) પાછળ રૂા.12,84,122નો ખર્ચ કરાયો છે. છત મરામત પાછળ રૂા.1,97,430નો ખર્ચ કરાયો છે. રંગરોગાન અને પોલીશ પાછળ રૂા.4,12,467નો ખર્ચ કરાયો છે. આ સિવાય પરચૂરણ ખર્ચ પેટે રૂા.3,38,533 તેમજ ઇલેક્ટ્રિફિકેશન કામગીરી પાછળ રૂા.1,49,615નો ખર્ચ કરવામાં આવ્યો છે. ધન્વંતરિ બંગલામાં વર્ષ 2022-23 દરમિયાન રૂા.3,80,054.82ની ખરીદી કરવામાં આવી હોવાનો ખુલાસો પણ આરટીઆઇ થકી થયો છે.
3 વર્ષની મુદત પૂરી થતાં પહેલાં જ વીસી પદેથી રાજીનામું ધરી દેનારા પ્રા.વિજય શ્રીવાસ્તવના રાજીનામાથી સત્તાધીશો સત્તાવાર રીતે અજાણ છે. વીસીના પી.એસ.એન મરાઠેએ આરટીઆઇના સંદર્ભમાં આરટીઆઇ સેલના જોઇન્ટ રજિસ્ટ્રારને લેખિતમાં જણાવ્યું છે કે, પૂર્વ વીસી પ્રા.વિજય શ્રીવાસ્તવે તેમના હોદ્દાની રૂએ રાજીનામું ગુજરાત સરકારને મોકલી આપ્યું હોવાથી તેની પ્રત યુનિ. પાસે નથી. એટલું જ નહીં પ્રા.વિજય શ્રીવાસ્તવને યુનિ. તરફથી સત્તાવાર વિદાય સમારોહ યોજી ફેરવેલ અપાઈ નથી, તેમ પણ જણાવાયું છે. જાપાન, યુકે, ફ્રાન્સ સહિત 7 દેશોનો પ્રવાસ ખેડ્યો, 5.50 લાખનો હિસાબ સવા વર્ષે પણ સરભર થયો નથી પ્રા.શ્રીવાસ્તવે 2022-23માં જાપાન, 23-24માં યુકે, ઇટલી, ફ્રાન્સ, યુએઇ, નેપાળનો પ્રવાસ કર્યો હતો. તેવી રીતે સ્પેન પણ ગયા હતા. 7 દેશના પ્રવાસમાં 18 લાખ ખર્ચ થયો હતો અને 2.97 લાખ ખર્ચ માટે અપાયા હતા. ફ્રાન્સ-યુએઇના પ્રવાસમાં એડવાન્સ આપેલા 5.50 લાખના બિલનું એડજસ્ટમેન્ટ થયું નથી. વાઇસ ચાન્સેલરના નિવાસ સ્થાન ધન્વંતરિ બંગલો બે ટર્મ ખાલી હતો. પૂર્વ વીસી પ્રા.વિજય શ્રીવાસ્તવ આવ્યા અને રહ્યા સુધી ત્યાં ખર્ચો કર્યો હતો. જેમાં રંગરોગાન, વોશરૂમ, સ્પેશિયલ કેસમાં ગ્લાસની પસંદગી, ટાઇલ્સની પસંદગીની કામગીરી કરાવી હતી. પ્રા.યોગેશસિંઘ ગયા બાદ બંગલો ખાલી રહ્યો હતો. આ બંગલામાં પ્રથમ માળે ચાર બેડરૂમના તેમજ ગ્રાઉન્ડ ફલોરના મળી કુલ 5 વોશરૂમની હાલત ખરાબ હતી. જેથી ખર્ચો કરવો પડ્યો. > રૂદ્રેશ શર્મા, યુનિ. એન્જિનિયર
ખર્ચ કેમ વધ્યો? બંગલામાં બહારથી અંદર ન જોઇ શકાય તેવા ગ્લાસ નખાયા વિજય શ્રીવાસ્તવે ધન્વંતરિ બંગલોની બારીના ગ્લાસ આરપાર જોઇ શકાય તેવા નખાવવાને બદલે બહારથી કોઇ અંદર જોઇ ન શકે તેવા રિફકલેટેડ નાખવાનો આગ્રહ રાખ્યો હતો અને તેનું પાલન કરાયું હતું. તેવી જ રીતે, બંગલામાં સાદી ટાઇલ્સને બદલે મોંઘીદાટ ટાઇલ્સ લેવડાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બંગલામાં 4 વોશરૂમ છે અને તેમાં મોટા પાયે ખર્ચ કરાયો છે. 2022-23માં વીજબિલ રૂા.42,006 આવ્યું હતું, જ્યારે 2023-24માં 1.40 લાખ તેમજ 2024-25માં 1.62 લાખના વીજબિલની ચુકવણી કરાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments