ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા આજે 21 જિલ્લાના 405 કેન્દ્રો પર વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યા માટે પરીક્ષા યોજાશે. 21 જિલ્લાઓમાં 97 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હોય તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. અત્યાર સુધી પરીક્ષા કેન્દ્રોમાં પેપર શરૂ થવાના 30 મિનિટ પહેલા પ્રવેશ અપાતો હતો, તેના બદલે હવે પોણા બે કલાક વહેલો પ્રવેશ અપાશે. આજે પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને હોલ ટિકિટમાં આપવામાં આવેલી સૂચનાનું વાંચન કરી લેવા માટે ચેરમેન દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. 21 જિલ્લાના 405 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન
GPSC દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની ખાલી જગ્યા ભરવા માટે પરીક્ષાનું આયોજન કર્યું છે. રાજ્યના 21 જિલ્લાઓમાં આજે બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન પ્રાથમિક કસોટી યોજાશે. આકરી ગરમીની વચ્ચે પરીક્ષા આપવા આવી રહેલા ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તેની પણ તંત્ર દ્વારા તકેદારી લેવામાં આવી છે. GPSC દ્વારા બે દિવસ પહેલા જ જે જિલ્લાઓમાં પરીક્ષા યોજાવાની છે ત્યાંના સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક કરી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રોમાં પોણા બે કલાકે વહેલો પ્રવેશ અપાશે
GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા ઉમેદવારને પ્રવેશ આપવામાં આવતો હતો. જેમાં ફેરફાર કરીને રવિવારે યોજાનારી પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવાોરને પોણા બે કલાક વહેલો પ્રવેશ અપાશે. બપોરે 12 વાગ્યે પેપર શરૂ થવાનું હોય ઉમેદવારે 11-40 સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પાંચ પુરાવાઓ ઓળખ તરીકે માન્ય રહેશે
ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અને લાયસન્સ માન્ય ગણાશે. OMR શીટમાં ઉમેદવારોની ફિંગરપ્રિન્ટ લેવાશે. જો ઉમેદવાર પાસે આ પુરાવાઓ નહીં હોય અને અન્ય પુરાવાઓ હશે તો તેને પરીક્ષામાં બેસવા દેવાશે પરંતુ, શંકાસ્પદ ગણી પરીક્ષા બાદ તેની તપાસ હાથ ધરાશે. દિવ્યાંગો માટે વ્હિલ ચેરની અને ભોયતળિયે પરીક્ષાની વ્યવસ્થા
પરીક્ષા દરમિયાન દિવ્યાંગ ઉમેદવારોને તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર વ્હિલ ચેરની વ્યવસ્થા રાખવા અને આવા ઉમેદવારોની ભોયતળિયે જ પરીક્ષા યોજાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે. OMR સીટ સીલ કર્યા બાદ વિદ્યાર્થીની સહી લેવાશે
અત્યાર સુધી પરીક્ષા શરૂ થાય ત્યારે જે પ્રશ્નપત્રો આવ્યા હોય તેના સીલબંધ કવર પર બે વિદ્યાર્થીની સહી લઈને ખોલવામાં આવતું હતું. આ રીતે હવે પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ જે OMR સીટ હશે તેને સીલ કરાયા બાદ કવર પર બે વિદ્યાર્થીઓની સહી લેવાનો નિર્ણય કરાયો છે.