પ્રતીક સોની
ગત નીટની પરીક્ષામાં ગોધરાના જયજલારામ સ્કૂલમાં ચોરી કરવાના આયોજન બાદ ચાલુ વર્ષે યોજાવનારી નીટ પરીક્ષામાં એનટીએ ગોધરામાં જિલ્લા કલેકટરને પરીક્ષા કરાવવાની જવાબદારી સોંપી છે. જેથી કલેકટરે ટીમ બનાવીને નીટ પરીક્ષામાં ચોરી રોકવા માઇક્રો પ્લાનિંગ કર્યું છે. ગુજરાતમાં 4 મે ના રોજ નીટની પરીક્ષા યોજાશે .ગોધરામાં 2160 પરીક્ષાર્થીઓ ચાર સેન્ટરમાં પરીક્ષા આપશે. ડમી પરીક્ષાર્થીને રોકવા પ્રથમવાર બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઉપયોગ કરાશે. પરીક્ષામાં સરકારી કર્મીઓ અને અધિકારીઓ ફરજ બજાવશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા અલગ અલગ પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. નીટ 2025 ની પરીક્ષામાં એક પણ ખાનગી વ્યક્તિ પરીક્ષા સંચાલનમાં રાખવામાં નહીં આવે. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પોતાની ફરજો સોંપવામાં આવી છે. નીટ 2025 અન્ડર ગ્રેજ્યુએટની પરીક્ષા સંપૂર્ણ પારદર્શકતા અને એક પણ પ્રકારની ગેરરીતિ વગર યોજવા માટે સૌ પ્રથમવાર એનટીએ દ્વારા સ્થાનિક જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને એક કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી દ્વારા આ સંપૂર્ણ પરીક્ષાનું સંચાલન કરવામાં આવનાર છે.
પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને નીટ 2025 ના આયોજન માટે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર ખાતે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ, પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર નો સેફ વોલ્ટ, વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સરશીટ નું સીલીંગ સહિતની બાબતોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તે અંગે એનટીએ દ્વારા બનાવવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ જવાબદાર અધિકારી કર્મચારીઓને જવાબદારી પણ આપવામાં આવી છે. એનટીએ દ્વારા નીટની પરીક્ષામાં ગેરરીતિ ની કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહી જાય તેમજ પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે આ વર્ષથી સૌપ્રથમવાર પરીક્ષા કેન્દ્ર ખાતે આવનાર પરીક્ષાથીનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે. આધાર ડેટાબેઝ આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન થયા બાદ જ પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. જેથી કરીને કોઈ ડમી વિદ્યાર્થી પરીક્ષા આપવા બેસી ન જાય. નીટ 2025 પરીક્ષા ના પ્રશ્નપત્રને કેનેરા બેન્ક ગોધરાની શાખાના સ્ટ્રોગરૂમમાં રાખવામાં આવશે. ત્યાંથી અલગ અલગ ચાર પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાના દિવસે પ્રશ્નપત્ર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓની હાજરીમાં જ ક્લાસરૂમમાં તે પ્રશ્નપત્રનું સીલ ખોલી પ્રશ્નપત્ર આપવામાં આવશે. તેવી જ રીતે પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર સીટને વિદ્યાર્થીઓની હાજરીમાં ક્લાસરૂમમાં સીલ કરવામાં આવ્યા બાદ સંપૂર્ણ સુરક્ષા સાથે ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેને નિયત જગ્યાએ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.