જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં 3 લોકોનાં મોત થયા હતા. ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ત્યાં ગયેલી 50 મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ છે. આ બસમાં 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના હતા. હાલ મુસાફરો શ્રીનગર પરત ફરી રહ્યા છે. આ ઘટનામાં ફસાયેલા એક ગુજરાતી મુસાફરે 20 એપ્રિલની સાંજે 6:35 વાગે એક વીડિયો વાયરલ કરી ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરી હતી. જે બાદ સરકાર તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. તો આવો જાણીએ, જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી મુસાફરોની વ્યથા વિશે… પ્લીઝ..અમને લેવા આવો ગમે-તેમ કરીને..
વીડિયોમાં દેખાય છે કે, ગાંધીનગર અને પાલનપુરના તમામ ગુજરાતી મુસાફરો અંબીકા નામની ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહ્યા છે. બસમાં નાના બાળકોથી લઈને ઉંમર લાયક વૃદ્ધો પણ જોવા મળ્યા રહ્યા છે. ઘણા લાંબા સમયથી ખાધા-પીધા વગર ગભરાયેલા મુસાફરોએ અંતે વીડિયો બનાવી ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરતા જણાવ્યું કે, અમારી સ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે, અહીં કોઈપણ ખાવા-પીવાનું મોકલતા નથી, અમારા છોકરાઓ પાણીમાં બિસ્કિટ ડબોડીને ખાય રહ્યા છે. અમને લેવા આવો ગમે-તેમ કરીને. વિસ્તાર પણ ખુબ જ ખતરનાક લાગી રહ્યો છો. અમારી પાસે ખાવા-પીવા માટે પણ કઈ નથી: મુસાફર
મારુ નામ કેતન છે. અમે 12 તારીખે જમ્મુ-કશ્મીરની યાત્રા માટે નીકળ્યાં હતા. જ્યારે 19 તારીખે શ્રીનગરથી પરત આવી રહ્યા હતા. ત્યારે ભારે વરસાદના કારણે ભેખડો પડવાથી અહીંયા રસ્તા તુટી ગયા છે. જેના કારણે અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છે. મારી ગુજરાત સરકારને વિનંતી છે કે, અમને જેટલી બને એટલી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે. જમ્મુ-કસ્મીર તરફથી અમને યોગ્ય જવાબ નથી મળ્યો. અમારી પાસે ખાવા માટે કે પાણી પીવા માટે પણ કોઈ સુવિધા નથી. અમે 30 જણા ગાંધીનગર અને 20 જણા પાલનપુર એમ કુલ 50 જણાની ફેમિલી સાથે છીએ અને સાથે નાના બાળકો પણ છે. અમારો જીવ ખતરામાં છે. તો ગુજરાત સરકારને વિનંતી છે કે, અમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડો. ‘બે કલાક પહેલા વાત થયેલી એ પછી કોઈ કોન્ટેક્ટ નથી’
ગાંધીનગર સેકટર-14માં રહેતા અને હાલમાં જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા બાબુભાઈ સોલંકીના પુત્ર યુવરાજ સોલંકીએ કહ્યું કે, મારા પિતા તેમજ સેકટર- 14 તેમજ વાવોલ તેમજ બીજા ગાંધીનગરના લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા. આજે બપોરના સમયે ભૂસ્ખલનના લીધે એ લોકો ફસાઈ ગયા હોવાની જાણ થઈ હતી. બે કલાક પહેલા વાત થયેલી એ પછી કોઈ કોન્ટેક્ટ નથી. કોઈ અજાણ્યા નંબર થી ફોન ઉપર વાત થાય છે. પણ બે કલાક થયા હજી વાત થઈ નથી. જો કે એ લોકો સેફ હોવાની વાત મળી છે. હાલમાં અમે બધા ચિંતામાં છે. ‘સાણંદના એક બહેનના થકી પ્રવાસનું આયોજન થયેલું’
ગાંધીનગરથી જમ્મુ કાશ્મીર ગયેલા સેકટર -14ના કિશોર ભાઈ અને તેમના પત્ની પુષ્પાબેન સોલંકીના દીકરી રાજેશ્વરીબેને દિવ્ય ભાસ્કર ડીજિટલ સાથેની વાતચીતમાં કહ્યું કે, 12 થી 24 તારીખ સુધીનો પ્રવાસ હતો. સાણંદના એક બહેનના થકી પ્રવાસનું આયોજન થયેલું હતું. આજે સાડા આઠેક વાગે ટ્રાવેલ્સના ડ્રાઈવરના મોબાઇલ થકી મારા માતા-પિતા સાથે વાત થયેલી, ત્યાં નેટવર્કનો બહુ ઈસ્યુ છે. પાલનપુરથી લકઝરી આવેલી અને મારા માતા-પિતા સહિતના પ્રવાસીઓ અહીંથી નીકળ્યા હતા. ટેલીફોનીક વાત થયા મુજબ તેમને બપોરના સમયે ખીચડી-નાસ્તો આપવામાં આવ્યો હતો. બસ ભૂસ્ખલનથી દોઢેક કિ.મી દૂર ફસાઈ છે. નેટવર્ક ઈસ્યુના લીધે તેઓની સાથે હજી વાત થઈ શકી નથી. હવે જાણીએ,,વીડિયો વાયરલ થયા બાદ શું થયું? બસ ફક્ત ખરાબ હવામાનના કારણે અટવાઈ: કલેક્ટર, બનાસકાંઠા
મુસાફર કેતનનો વીડિયો વાયરલ થતાં જ બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ દ્વારા રામબનના કલેક્ટર અને બસમાં હાજર કેતન નામના મુસાફર સાથે સીધી વાતચીત કરવામાં આવી છે. રામબન જિલ્લા પ્રશાસનની ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી રહી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે, અને હાલ બસ ફક્ત ખરાબ હવામાનના કારણે અટવાઈ છે. ગાંધીનગરના બધા પેસેન્જરો સેફ છે: કલેક્ટર
આ બાબતે દિવ્યભાસ્કરે ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે સાથે વાચ કહ્યું કે, રામબાણમાં ગાંધીનગરના 20 પેસેન્જરો જે જગ્યાએ છે એ સૈફ છે. મારે બનાસકાંઠા કલેક્ટર સહિતના અધિકારી સાથે વાત થઇ છે. ગાંધીનગરના બધાં પેસેન્જરો સેફ છે. ટ્રાવેલ્સની વિગતો તેમજ ગાંધીનગરના પ્રવાસીઓની વિગતો મેળવવામાં આવી રહી છે. વડગામના લોકો પણ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે: જીજ્ઞેશ મેવાણી
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે,બનાસકાંઠા જિલ્લાના વણકર સમાજના અને અન્ય સમાજના જે લોકો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે, એ મુદ્દે હાલ જ મારી ત્યાંના IAS અધિકારી બશીર સાથે વાત થઈ. તેમણે કહ્યું કે, અમને સાંજથી આ લોકો તકલીફમાં છે એનો મેસેજ મળી ગયો છે, ખાસ કોઈ ચિંતા જેવું નથી, 10:30 સુધીમાં આર્મી અને પોલીસની ટીમ પહોંચી જશે અને જે પણ જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવશે અને અન્ય સુરક્ષિત રસ્તેથી બહાર કાઢવામાં આવશે. થોડો સમય લાગશે પણ બધા હેમખેમ પરત ફરશે. ત્યાંના કોંગ્રેસ પક્ષના અન્ય સાથીઓને પણ જરૂર પડ્યે મદદ માટે દોડી જવા કહ્યું છે. આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો ફસાયા; 3નાં મોત