બોલિવુડ એક્ટ્રેસ દિશા પટનીના ઉતરપ્રદેશના બરેલીમાં આવેલા ઘરની પાછળથી 6 મહિનાની બાળકી મળી આવી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળીને એક્ટ્રેસની માતા અને બહેન ખંડેર પાસે પહોંચ્યાં હતાં. ત્યાં એક ખૂણામાં કાદવમાં લથપથ એક બાળકી મળી આવી હતી. તેના ચહેરા અને શરીર પર ઈજાના નિશાન પણ હતાં. દિશા પટનીની બહેન અને પૂર્વ આર્મી ઓફિસર ખુશ્બુ પટનીએ બાળકીને ખોળામાં લીધી. દૂધની બોટલ લાવીને બાળકીને પીવડાવી, ત્યારે તે શાંત થઈ. ખુશ્બુએ તેનું નામ રાધા રાખ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકીને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવી છે. સીસીટીવી ફૂટેજના આધારે બાળકીની માતાને શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે. પહેલા 3 ફોટો જુઓ… હવે આખો મામલો જાણો… બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીનું ઘર બરેલીના સિટી કોતવાલીના ચૌપુલામાં છે. એક્ટ્રેસની માતા પદ્મા, પિતા જગદીશ સિંહ અને બહેન ખુશ્બુ આ ઘરમાં રહે છે. ખુશ્બુ આર્મીમાં મેજર રહી ચૂકી છે. માતા પદ્મા પટણીએ કહ્યું, ‘રવિવારે બપોરે જ્યારે હું ઘરની બહાર આવી, ત્યારે મેં બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. મેં આસપાસ જોયું અને લોકોને પૂછ્યું કે બાળકી ક્યાં રડી રહી છે, પણ કોઈ કંઈ કહી શક્યું નહીં.’ આ પછી તેણે તેની પુત્રી ખુશ્બુ અને નોકરાણીને બોલાવી. તેણે કહ્યું, ‘અમે અવાજને અનુસરીને ખંડેર સુધી પહોંચ્યા. ત્યાંથી બાળકી મળી આવી. એટલામાં આસપાસના લોકો ભેગા થઈ ગયા. બાળકી સતત રડી રહી હતી. અમને લાગ્યું કે તેને ભૂખ લાગી હશે. મેં દૂધ લાવીને તેને પીવડાવ્યું ત્યારે તે શાંત થઈ. આ દરમિયાન પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. પોલીસે બાળકીને પોતાની કસ્ટડીમાં લીધી અને તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ.’ ખુશ્બુ પટનીએ કહ્યું, ‘જાકો રાખે સાઈયાં માર સકે ન કોઈ’ ખુશ્બુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો અને કહ્યું, ‘જુઓ, આ બાળકી બરેલીના ખંડેરમાંથી મળી આવી છે. જેણે પણ આ બાળકીને આ હાલતમાં છોડી દીધી છે, આવા માતા-પિતા પર ધિક્કાર છે.’ ‘મેં બાળકીનું નામ રાધા રાખ્યું છે. તેને ખોળામાં લેતાની સાથે જ મારા મનમાં આ પહેલો વિચાર આવ્યો. તેથી મેં મારા હૃદયની વાત સાંભળી. તેને સારવાર માટે મોકલવામાં આવી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’ તેણે વધુમાં કહ્યું કે, ‘એવું કહેવાય છે કે, “જેનું ભગવાન રક્ષણ કરે છે, તેને કોઈ મારી શકતું નથી.” આખા વિસ્તારમાં, ફક્ત મારી માતાએ જ બાલળીનો અવાજ સાંભળ્યો. અમે તમને બાળકી વિશે અપડેટ્સ આપતા રહીશું. આપણા દેશમાં બાળકીઓને દત્તક લેવા માંગતા લોકોની કોઈ કમી નથી. અમે બાળકીને ટ્રેક કરીશું અને પોલીસ પાસેથી અપડેટ મેળવતા રહીશું.’ થોડા સમય બાદ બાળકીની માતા મળી
થોડા સમય પછી, ખુશ્બુએ બીજો વીડિયો રિલીઝ કર્યો. જેમાં કહ્યું કે, ‘બાળકીના માતા-પિતા મળી ગયા છે. પિતા મળવા આવ્યા ન હતા. તેણે પોતાની પત્નીને કહ્યું કે, જો તેને બાળકી મળે, તો તેને જણાવે. માતા એક બેદરકાર પ્રકારની વ્યક્તિ છે. એક મનોદિવ્યાંગ વ્યક્તિ તેને ઉપાડીને લઈ ગયો હતો.’ વધુમાં ખુશ્બુએ કહ્યું કે, ‘બાળકીનું સાચું નામ ઇનાયત છે. મળતી માહિતી મુજબ, મહિલા બિહારની રહેવાસી છે. તેનો પતિ તેની સાથે લગ્ન કરીને લાવ્યો છે કે ખરીદીને તે અંગે જણાવી રહી નથી.’ હોસ્પિટલના સ્ટાફે બાળકીને કપડાં પહેરાવ્યા અને દૂધ પીવડાવ્યું.
ડોક્ટરે કહ્યું કે, ‘બાળકીના ચહેરા પર સામાન્ય ઈજાઓ છે. તેને ચાઈલ્ડ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં વોર્ડ ઇન્ચાર્જ સંગીતા અને મેડિકલ સ્ટાફ તેની સારવાર કરી રહ્યાં છે. તેને સ્વચ્છ કપડાં પહેરાવવામાં આવ્યાં હતાં અને દૂધ પણ આપવામાં આવ્યું હતું. બાળકીને જોવા માટે હોસ્પિટલમાં ભીડ એકઠી થઈ ગઈ છે. લોકો વીડિયો કોલિંગ દ્વારા બાળકીની ઓળખ કરી રહ્યા છે
ઘટનાની માહિતી મળ્યા પછી, સ્થાનિક લોકો વીડિયો કોલિંગ દ્વારા બાળકીની ઓળખ કરવાનો પ્રયાસ કરતા રહ્યાં. કોતવાલી પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી. પડોશમાં સીસીટીવી કેમેરા તપાસવાનું શરૂ કર્યું. જોકે, છોકરીની માતાને તરત જ શોધી કાઢવામાં આવી હતી.