સાઉથ સુપરસ્ટાર ધનુષની આગામી ફિલ્મ ‘ઈડલી કડાઈ’ના સેટ પર ભીષણ આગ લાગી હતી. આગને કારણે સેટ બળીને રાખ થઈ ગયો છે. જોકે, અહેવાલો અનુસાર, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને નુકસાન કે ઈજા થઈ નથી. હજું આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. તમિલનાડુના થેની જિલ્લા નજીક આવેલા અંદિપટ્ટી ગામમાં ફિલ્મ ‘ઇડલી કડાઈ’નું શૂટિંગ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું. શૂટિંગ માટે ગામમાં રસ્તાઓ, ઘરો અને દુકાનોનો મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. હવે આ સ્થળે શૂટિંગ થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યું છે અને બીજા સેટ પર કરવામાં આવ્યુ છે. આ સ્થાન પર ટૂંક સમયમાં શૂટિંગ ફરી શરૂ થવાનું હતું, જોકે તે પહેલાં જ સેટમાં આગ લાગી ગઈ. ધ બ્લેઝના તાજેતરના અહેવાલ મુજબ, સેટ બનાવવા માટે જ્વલનશીલ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. સ્થાનિક લોકોએ આગ જોઈ અને તાત્કાલિક અંદિપટ્ટી ફાયર વિભાગને જાણ કરી. લગભગ દોઢ કલાકની મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. જોકે, ત્યાં સુધીમાં સેટ સંપૂર્ણપણે બળી ગયો હતો. નોંધનીય છે કે, ફિલ્મ ‘ઈડલી કડાઈ’માં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત, ધનુષે તેનું ડિરેક્શન અને સહ-નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે 1 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ધનુષ સાથે સાઉથ એક્ટ્રેસ નિત્યા મેનન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ શરૂઆતમાં 10 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થવાની હતી, જોકે, નિર્માણમાં વિલંબને કારણે, ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલીવુડ સ્ટાર હીરો ધનુષ દ્વારા દિગ્દર્શિત આ ચોથી ફિલ્મ છે. ડોન પિક્ચર્સના બેનર હેઠળ ધનુષ અને આકાશ ભાસ્કરન આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. તેમની સામે નિત્યા મેનન કામ કરી રહી છે. આ મુખ્ય પાત્રો ઉપરાંત, અરુણ વિજય, સત્યરાજ, પાર્થિબન, શાલિની પાંડે, પ્રકાશ રાજ, સમુતિરકાની અને રાજકિરણ પણ ફિલ્મમાં છે. જીવી પ્રકાશ કુમાર દ્વારા રચિત આ ફિલ્મનું શૂટિંગ ઘણા સમયથી ચાલી રહ્યું હતું.