બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ટેમ્પો ટ્રાવેલરનો ઇન્ડિગો વિમાન સાથે અથડાવાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માત શુક્રવારે (18 એપ્રિલ) બપોરે થયો હતો, જ્યારે એક ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ઇન્ડિગો પ્લેન સાથે અથડાયું હતું, જેમાં ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઈ હતી. આ અકસ્માત બપોરે 12:15 વાગ્યે એરપોર્ટના આલ્ફા પાર્કિંગ બે 71 પર થયો હતો. એરપોર્ટ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ટેમ્પો થર્ડ-પાર્ટી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીનો હતો અને તેનો ઉપયોગ એરપોર્ટ સ્ટાફને લઈ જવા માટે કરવામાં આવી રહ્યો હતો. ટેમ્પો સાથે અથડાયેલ વિમાનને એન્જિનના રિપેરિંગકામ માટે પહેલાથી જ ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું અને તે કાર્યરત થવાનું નક્કી નહોતું. આ કારણે તેમાં કોઈ મુસાફર હાજર નહોતા. ડ્રાઇવરની બેદરકારીને કારણે અકસ્માત થયો ઈન્ડિગોએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ અકસ્માત ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો છે. ટેમ્પો વિમાન સાથે અથડાઈ ગયો, જેના કારણે ટેમ્પાની છત અને ડ્રાઇવર બાજુને ભારે નુકસાન થયું. આ અકસ્માતમાં ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જ્યારે વિમાનને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફોટો વાયરલ થયો આ અકસ્માતની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટેમ્પોની છત તુટી ગઈ છે, વિન્ડસ્ક્રીન તૂટી ગઈ છે અને ટેમ્પાનો આગળનો ભાગ ખરાબ રીતે ડેમેજ થયો છે. એરપોર્ટ વહીવટીતંત્ર તપાસ કરી રહ્યું છે એરપોર્ટ પ્રશાસને જણાવ્યું હતું કે આ અકસ્માતની માહિતી DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) ને આપવામાં આવી છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ, એરપોર્ટ અને ઇન્ડિગો બંનેએ ખાતરી આપી છે કે તમામ સલામતી સાવચેતીઓ અગાઉથી અને કડક રીતે લાગુ કરવામાં આવશે.