રિટાયર્ડ IPS મયંકસિંહ ચાવડાની પત્નીને તેમના ડ્રાઈવરે શીલજમાં જમીન વેચવાની છે કહીને 18 લાખ રૂપિયા પડાવ્યા છે. પૈસા લીધા બાદ ડ્રાઇવર ગોળ-ગોળ વાતો કરતો હતો. જેથી, IPS અધિકારીના પત્નીએ સીધો જમીન દલાલને ફોન કરીને વાત કરતા ડ્રાઈવરે જમીન માટે કોઈ પૈસા ન આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ અંગે ચાંદખેડા પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. ડ્રાઇવરે જમીન વેચાણના નામે પૈસા પડાવવાનો પ્લાન ઘડ્યો
પોલીસ વિભાગમાં IG તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ IPS મયંકસિંહ ચાવડાના પત્ની મીનલબા ચાવડાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 10 નવેમ્બર, 2024ના રોજ તેમના ડ્રાઇવર ભાવિક પંચાલે તેમને કહ્યું હતું કે, શીલજ ખાતે જમીન 80,000 રૂપિયા વાર લેખે વેચવાની છે. જેથી, મીનલબાએ પતિ સાથે વાતચીત કરી ભાવિક પંચાલને કહ્યું હતું કે, જમીન કોણ અને ક્યારે વેચવાનું છે? ત્યારે ભાવિક પંચાલે દલાલ કેતુર ઠાકોરનું નામ આપ્યું હતું. મીનલબાએ કેતુલ ઠાકોરને મળવાનું કહ્યું હતું. ત્યારબાદ ભાવિક અને કેતુર મીનલબાને જમીન બતાવવા માટે લઈ ગયા હતા. તેથી, ખાતરી કરીને મીનલબાએ જમીન ખરીદવા માટે હા પાડી હતી. દલાલનો સંપર્ક કરતા છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો
ભાવિકે મીનલબાના ઘરે આવીને તેમને તથા તેમના પતિને વાતોમાં લઈ જમીન વેચાઈ જશે તેમ કહીને ઉતાવળ કરાવી, ટોકન પેટે 5 લાખ રોકડા અને ત્યારબાદ 13 લાખ ચેક દ્વારા લીધા હતા. આમ, કુલ 18 લાખ ભાવિકને આપ્યા હતા. ત્યારબાદ ભાવિકનો સંપર્ક કરીને જમીન બાબતે પૂછતા ભાવિક ગોળ-ગોળ વાત કરીને કહેતો હતો કે, ખેડૂતને મળાવીશ પરંતુ, 28 નવેમ્બરથી ભાવિકનો ફોન બંધ આવતા મિનલબાએ દલાલ કેતુર ઠાકોરનો સંપર્ક કર્યો ત્યારે કેતુરે જણાવ્યું હતું કે, તમે જમીન જોઈને ગયા ત્યાર બાદ ભાવિક તેમને મળ્યો પણ નથી અને કોઈપણ પૈસા આપ્યા નથી. જેથી, ભાવિકે 18 લાખ લઈને છેતરપિંડી કરી હોવાની જાણ થતા મિનલબાએ ભાવિક વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.