back to top
Homeગુજરાતસાપ ગયો ને લિસોટા રહ્યા જેવી સ્થિતિ:કોરોના મહામારીનાં 5 વર્ષ બાદ પણ...

સાપ ગયો ને લિસોટા રહ્યા જેવી સ્થિતિ:કોરોના મહામારીનાં 5 વર્ષ બાદ પણ સારવાર લેનારાઓને વીમા કંપની દ્વારા રકમ ન ચુકવાઇ, ગુજરાતમાં અંદાજે 2500 કેસ પડતર

ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાના કેસોએ કાળો કેર વર્તાવ્યો હતો. ત્યાં સુધી કે લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. કોરોના મહામારીના કારણે હોસ્પિટલો હાઉસફૂલ થઇ ગઇ હતી. જેથી લોકોને હોમ કવોરોન્ટાઇન થઇને સારવાર લેવા મજબૂર થવું પડયું હતું. તેમાંય વળી કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતાં રેમડેસીવર ઇન્જેંકશનથી માંડીને ઓક્સિજનના બાટલાંની અછત સર્જાઇ હતી. આ તકલીફોનો નાગરિકો દ્વારા સામનો કરવામાં આવ્યો હતો. આ તકલીફો બાદ નાગરિકોને કોરોનાની સારવારના વીમા કલેઇમ ચુકવવામાં વીમા કંપની તરફથી ઇન્કાર કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી કે આ કોરોનાના કારણે એક સમયે ઇરડા દ્વારા કોરોનાની સ્પેશિયલ પોલિસી બહાર પાડવાની ગાઇડલાઇન જારી કરવામાં આવી હતી. આવી પોલિસી ધરાવતાં લોકોને પણ ક્લેઇમ ચુકવવામાં વીમા કંપની દ્વારા આનાકાની કરવામાં આવી હોય અથવા તો પછી અપુરતી રકમ ચુકવવામાં આવી હોય જેથી આ પ્રકારની તકરારો ગ્રાહક તકરાર નિવારણ ફોરમથી માંડીને સ્ટેટ કમિશન જ નહીં બલ્કે નેશનલ કમિશન સુધી પહોંચી છે. માર્ચ, 2020ની કોરોના મહામારીને આજે પાંચ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છે. છતાં હજુ પણ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં આ પ્રકારના કેસો પડતર છે. આમ જોવા જઇએ તો કોરોના જતો રહ્યો, પરંતુ કોરોનાને લગતાં કેસો હજુ કોર્ટોમાં પડતર છે. એટલે કે, ‘સાપ ગયો ને લિસોટા રહ્યા’ તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. કોરોનાના કેટલાં કેસો ગ્રાહક કોર્ટોમાં પડતર છે તે જાણવાનો દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો હતો. પરંતુ આ અંગે કોરોનાના કેસોને લઇને કોઇ ખાસ હેડ ના હોવાથી તે કેસોની સંખ્યા જાણવી અશક્ય હોવાનું જણાવ્યું હતું. જેથી આ અંગેના કેસો લડતી સંસ્થાએ જણાવેલી વિગતો મુજબ ગુજરાતની ગ્રાહક કોર્ટોમાં અંદાજે 2500થી વધુ કેસો હજુ પડતર છે. કેસ સ્ટડી નં. 1
અમદાવાદના રહીશ સુનિલકુમાર હીરાનંદ સુખવાણીએ સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ફેમીલી હેલ્થ ઓપટીમાં ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. વીમાની રકમ 3 લાખ હતી. દર્દીને વર્ષ 2021માં કોવિડ-19 હોવાથી પોલિસી ધારક દર્દી ડોક્ટરની સલાહ સૂચનાથી હોસ્પિટલાઇઝડ થયા હતા. હોસ્પિટલનું બિલ રૂપિયા 1,40,770 થયુ હતુ, જેથી દર્દીએ હોસ્પિટલમાં થયેલ ખર્ચ મેળવવા માટે કંપનીમાં ક્લેઇમ રજૂ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ ક્લેઇમ નકારી કાઢ્યો હોવાથી વિમા ધારકે અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ કર્યો હતો. જો કે, વીમા કંપનીએ કોવિડ-19 માટે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નિયત દર્દીના હોસ્પિટલાઇઝેશન માટેના નોર્મ્સઅને ફરિયાદીનો કલેઇમ તેઓએ પોલિસીની શરતો મુજબની જરૂરી માહિતી આપેલ ન હોવાથી સ્વીકારેલ નથી. આમ આ પ્રકારે પોલિસીની શરતો મુજબ સામાવાળા તરફે સેવામાં કોઇ ખામી રહી જવા પામી નથી અને હાલની આ અરજી રદ કરવા રજૂઆત કરી હતી. જેથી વીમા ધારકે અમદાવાદ ગ્રાહક તકરાર નિવારપણ ફોરમે ફરિયાદી વીમા ધારકને 1,40,180ની રકમ 14-9-22થી વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે રકમ ચુકવવાનો 15 જાન્યુઆરી, 2025ના રોજ હુક્મ કર્યો હતો. કેસ સ્ટડી નં. 2
ગાંધીનગર સરગાસણ સ્થિત શ્રીમદ રેસિડેન્સીમાં રહેતાં કૌશલ ત્રિવેદીએ ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી હેપ્પી ફેમિલી ફલોટર-2015 અંતર્ગત વીમો લીધો હતો. 2 લાખની રકમનો વીમો 24-8-2020થી 23-8-2021 સુધી ઉતરાવ્યો હતો. દરમિયાનમાં કોરોના થતાં તેમણે 11-4-2021થી 15-4-2021 સુધી હોમ કવોરોન્ટાઇન થઇને ડે કેર ટ્રીમેન્ટ લીધી હતી. તે અંગે 74,613 રૂપિયાના ખર્ચનો કલેઇમ મૂકયો હતો, પરંતુ વીમા કંપનીએ માત્ર 20 હજાર રૂપિયાની રકમ જ ચુકવી હતી. જેથી કૌશલ ત્રિવેદીએ ગાંધીનગર તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી. બંને પક્ષકારોની રજૂઆત બાદ ગાંધીનગર તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડી.ટી. સોની તથા સભ્ય ડો. સંદીપ પંડયાની બેન્ચે ફરિયાદીને 49,152 રૂપિયા 14-1-2021થી 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચુકવવાનો 24 જાન્યુઆરી, 2024ના રોજ હુક્મ કર્યો હતો. ગુજરાતમાં ઓછામાં ઓછાં 2500થી વધુ દર્દીઓ ન્યાયની રાહમાંઃ મુકેશ પરીખ
આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ, અખિલ ભારતીયના પ્રમુખ મુકેશ પરીખે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, કોરોનાના પોલિસી ધારકની તરફેણમાં કન્ઝુયમર કમિશને અસંખ્ય જજમેન્ટો આપ્યા છે. આ બધાં કિસ્સામાં વીમાધારક દર્દીઓને પૈસા મળી પણ ગયા છે. કન્ઝયુમર કોર્ટે સબ ઇન્સોયરન્સની લિમિટમાં વીમા કંપની વિરુદ્ધ હુકમ કરીને કોરોનાના દર્દીઓને મેડિકલ ખર્ચાની પુરેપુરી રકમ અપાવી છે. ગ્રાહક સુરક્ષા સંસ્થાના અમારા માધ્યમથી જ 500થી વધુ કેસો દાખલ કર્યા હતા. મોટાભાગના કેસમાં જજમેન્ટ આવી ગયા પણ આજે ગુજરાતમાં ઓછામાં ઓછાં 2500થી વધુ દર્દીઓ ન્યાયની રાહ જોઇ રહ્યાં છે. બીજીબાજુ અનેક દર્દીઓને રકમ મળી ગઈ છે. કોરોના કવચ પોલિસી ના હોય અને રેગ્યુલર જનરલ પોલિસી હોય તેવા કિસ્સામાં પણ સબ ઇન્સ્યોરન્ડની લિમિટમાં કોરોનાના દર્દીઓને વીમા કંપની વિરુદ્ધ હુક્મ કરીને કોર્ટે આદેશ આપીને પૈસા અપાવ્યા છે. હોમ કોરોન્ટાઇનના કિસ્સામાં પણ જે તે સમયે હોસ્પિટલો હાઉસ ફૂલ હતી, ઓક્સિજન મળતો ન હતો, તેવા કિસ્સામાં ઇરડાએ પણ ગાઇડલાઇન આપી અને કન્ઝયુમર કોર્ટોએ પણ તે દર્દીઓને એમ.ડી. (મેડિસીન)ના પ્રિસ્ક્રિપ્શન હોય, દવાના બિલો હોય, રેમડેસીવર ઇન્જેંકશનનો ખર્ચો હોય તે બધાં મેડિકલ ખર્ચાઓ અપાયા છે. બીજીબાજુ વિલંબ થવાનું કારણ તારીખ પે તારીખ કન્ઝુયમર કોર્ટમાં પણ કોરોનાના દર્દીઓ ન્યાય માટે પ્રતિક્ષા કરી રહ્યાં છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. ગ્રાહક કમિશને તાત્કાલિક યોગ્ય કિસ્સામાં તમામ ફરિયાદો મંજુર કરીને સિનિયર સિટીઝન સહિત બીજા દર્દીઓ છે. કોરોનાના મેડિકલ ખર્ચાઓ અપાવવા હુકમ કરવા જોઇએ. આ માટે અમે સ્ટેટ કમિશનના પ્રમુખને પત્ર લખીને રજૂઆત કરવાના છીએ. વીમા કંપની બહુ ટેકનીકલ કારણો જણાવી કલેઇમ કેન્સલ કરે છેઃ સૂચિત્રા પાલ
જ્યારે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સૂચિત્રા પાલે જણાવ્યું હતું કે, અમારી પાસે જે કેસો આવ્યાં હતા, તેમાંથી 6-7 મેટર પેન્ડીંગ છે. 6-7 કેસોનો નિકાલ થઇ ગયો છે. કોર્ટમાં ઘણાં બધી મેટરો ચાલી રહી છે. એ એક મેઇન કારણ છે, જેના કારણે કેસ આગળ વધતાં નથી. બીજું કારણ એવું છે કે, કોરાનાના કેસોમાં રકમ મળવાપાત્ર હોય છે તો પણ તેને મહત્વ આપવામાં આવતું નથી. તેને પહેલાં ઇમ્પોટન્ટ આપવું જોઇએ. ‘ઇરડાના સરક્યુલેશનનો સરેઆમ ભંગ’
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, વીમા કંપની તરફથી બહુ ટેક્નીકલ કારણો જણાવીને કલેઇમ કેન્સલ કરવામાં આવે છે. મીસ રિપ્રેન્ઝન્ટેશન, કોરોના કવરેજ પોલિસી હોય છે, તેમ છતાં તમે હોસ્પિટલમાં દાખલ થયા તે પહેલાં તમે બતાવ્યું નથી. મીસ રિપ્રેન્ઝન્ટેશન કર્યું છે, જેથી તમને આ રકમ મળે નહીં. કોરોનાની જ પોલિસી છે , કોરોના 2020માં આવેલ છે, તે પોલિસી પણ 2020માં જ આવેલી છે. સ્પેસિફિકલી કોરોના માટે હતી. ત્યારે આવા બધાં મુદ્દા ઊભા કરે તે ખોટી વાત છે. જે પોઇન્ટ ઉભા થતાં જ ન હોય તેવા પોઇન્ટ તેઓ ઊભા કરીને ક્લેઇમ રિજેક્ટ કરે છે. ઇરડાએ એક સરક્યુલેશન નીકાળ્યું હતું કે, કોરોના રિલેટેડ કલેઇમ નીકાળતાં પહેલાં રિવ્યુ કમિટીમાં રાખવામાં આવશે. તે લોકો રિવ્યુ કમિટીમાં રાખ્યા વગર જ પોલિસી કેન્સલ કરી નાંખે છે. આમ ઇરડાના સરક્યુલેશનનો સરેઆમ ભંગ કરવામાં આવે છે. ‘WHO કહે છે કે કોરોના વૈશ્વિક મહામારી, તો વીમા કંપની કહે છે નથી’
અમારા 6-7 કેસોમાં પૈસા ચુકવવાના ઓર્ડર આવ્યા છે, તેમાંથી 4 પોલિસી ધારકોને પૈસા મળી ગયા છે. બે કેસો નેશનલ કન્ઝયુમર કમિશનમાં કેસો ચાલી રહ્યાં છે. વીમા ધારકને પૈસા ચુકવવામાં આવ્યા નથી. પોઇન્ટ કલીયર થઇ જાય છે તો પણ તે જ મુદ્દા પર નેશનલ કમિશનમાં કેસો લઇ જાય છે. કોરોનામાં ડેથ થાય તો પણ કાર્ડિયો એરેસ્ટથી ડેથ થાય તેને મેરેજ મેડિકલ ઇલનેસ ગણવામાં ઇન્કાર કરી રહ્યાં છે. આવા મુદ્દા પર કલેઇમ કેન્સલ કરે છે. જ્યારે ડબલ્યુ.એચ.ઓ. કહે છે કે, કોરોના વૈશ્વિક મહામારી છે અને ત્યારે વીમા કંપની કહે છે કે, આ વૈશ્વિક મહામારી નથી. મેજર મેડિકલ ઇલનેશ નથી. આ તેની મનમાની છે. વિરોધાભાસી વાત કરીને પોલિસી નકારે છે. સ્ટેટ કમિશન પણ કલીયર કરે છે મેડિકલ ટર્મ્સ મુજબ કોરોનાને લગતી જે બિમારી હોય તે બધું મેજર મેડિકલ ઇલનેશમાં આવે જ છે. એમાં કાર્ડિયો એરેસ્ટ હોય કે કોરોનાથી ડેથ હોય તો તે વીમા કંપની માનવા ઇન્કાર કરે છે. જેથી તે નેશનલ કમિશનમાં ચેલેન્જ કરવા માંગે છે. હજુ કોર્ટમાં પડતર કેસો છે તે 2022, 2023માં દાખલ થયા છે. અઢી વર્ષ થઇ ગયા છે તો પણ હજુ સુધી નિકાલ થયો નથી. મેડિકલેઇમ હોય તો હોસ્પિટલ ચાર્જ વધુ લેતા હોવાનું લાગે: સિનિયર એડવોકેટ
ગુજરાત હાઇકોર્ટ તથા કન્ઝુયમર કોર્ટમાં પ્રેકટીસ કરતાં સિનિયર એડવોકેટ આર. પી. રાવલે જણાવ્યું હતું કે, ગ્રાહક તકરાર ફોરમમાં કેસોની સંખ્યા ઘણી છે. દર વર્ષે નવા નવા કેસો દાખલ થાય છે, તેની સામે જજોની સંખ્યાની વાત કરીએ તો જજોની સંખ્યા ઓછી છે. જજોની સંખ્યા વધારવામાં નહીં આવે ત્યાં સુધી કેસોનો ઝડપી નિકાલ નહીં આવી શકે. ભારતમાં જોઇએ તો 10 લાખની વસ્તી સામે 50 જજોનો રેસિયો હોવો જોઈએ. તેની સામે હાલ 21ની આસપાસ જજોની સંખ્યા છે અને તે બહુ ઓછો કહેવાય. તે વધારી ના શકીએ ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો. જજોની સંખ્યાનો રેસિયો વધારીને 30 કે 40 થાય તો પણ પરિસ્થિતિમાં સુધારો આવી શકે. કેસ પેન્ડિંગ પાછળ જજોની અછત અને ઇન્ફ્રાસ્ટ્રકચર કારણભૂત
ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ ઇસ્યુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોર્ટ આપવી પડે, સ્ટેનો, ગાડી, ડ્રાઇવર, સ્ટાફ, કોમ્પ્યુટર આપવા પડે. તે પણ પુરતાં નથી. જે પડતર કેસોમાં ઘટાડો કરી શકે. ત્રીજું કારણ એ છે કે, ગ્રાહક તકરારને લગતાં કેસો છે.તે કેસો ચાલતાં હોય છે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં. જે જયુડિશિયરની અન્ડરમાં આવતું નથી. આ સ્વંત્રત ટ્રિબ્યુનલ છે. ટ્રિબ્યુનલની સ્થિતિ આખા દેશમાં ખરાબ છે. ત્યાં સીધો જયુડીશયર મેમ્બર ના આવતો હોય. ગર્વમેન્ટની તાબા હેઠળ આવતી હોય છે. ત્યાં એટલું ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ શકતું નથી. સરકારની પ્રાયોરિટી બીજી હોય તે સ્વાભાવિક છે. તેમાં રિટાયર્ડ જજીસની નિમણૂંક કરવામાં આવે છે. કન્યુમર પ્રોટેકશન એક્ટનો નવો કાયદો 2019માં આવ્યો તેમાં ફ્રેશ લોકોની નિમણૂંક થઇ શકે તેવું કરવાની તક હતી. પરંતુ આમાં મેઇન પોસ્ટ રીટાયર્ડ જજીસની જ છે. ખોટી વાત નથી, તેમનો અનુભવ બહોળો હોય છે. તેમનો તર્ક સાચો જ છે. ફ્રેશ જજીસ હોય તો તે યંગ હોય તો તેનાથી પણ ફરક પડે. આવા અનેક પ્રશ્નો છે. ‘વીમા કંપની સામે વિગત છૂપાવો તો તે ક્લેઈમ નહિ ચુકવે’
તેમણે એક પ્રશ્નના જવાબમાં ઉદાહરણ ટાંકતાં કહ્યું કે, કોઇને ફેકચર થયું. વીમા કંપનીમાં કલેઇમ કર્યો. તેમાં તેને મેડિકલની ડિટેઇલ આપી તો તેમાં ખબર પડી કે તેને પાર્કિન્સન્સની બિમારી હતી. તે વિગત તેને કંપની સમક્ષ છૂપાવી હતી. તે મોટી બિમારી કહેવાય, તે દર્શાવવું જ પડે. તેમાં વીમો ના મળે. અને વીમો આપે તો પ્રિમિયમ વધુ રહે. તેમને અકસ્માત થયો હતો. તેને પાર્કીન્સન્સ સાથે કોઇ લેવા-દેવાં નથી. પરંતુ વીમા કંપની કલેઇમ નહીં ચુકવે. કેમ કે, તમે સાચી વાત છૂપાવીને પોલિસી લીધી. આ કેસ કોર્ટમાં જાય ત્યારે પૈસા અપાવશે. કેમ કે, કોર્ટ એવું કહેશે કે પાર્કિન્સન્સ અને એક્સિડેન્ટને કોઇ સંબંધ નથી, એટલે પૈસા ચુકવી દો. કોર્ટ લિબરલ વ્યૂ લે પણ વીમા કંપની તે વ્યૂ ન લઇ શકે. તેને તો વિગત છૂપાવી છે એટલે કલેઇમ ના મળી શકે તેટલું જ જોવે. વીમા કંપની માટે કલેઇમ નહીં બલ્કે વિગત છૂપાવી છે તે મહત્વનું થઇ જાય છે. પાર્કીન્સન્સ દર્શાવ્યું હો તો અમે પોલિસી જ ના આપત તેવી રજૂઆત કરે. ‘મેડિકલેઇમનું કહો એટલે હોસ્ટિલના બિલમાં ફર્ક પડી જાય’
વધુમાં કલેઇમ રદ થવા પાછળનો વધુ એક મુદ્દો રજૂ કરતાં કહ્યું કે, કોર્પોરેટ હોસ્પિટલમાં દર્દી સારવાર લેવા જાય ત્યારે પહેલો પ્રશ્ન શું બિમારી છે? તેવો હોય. ત્યારબાદ બીજો સવાલ એ હોય કે, તમારી પાસે મેડિકલેઇમ છે? ત્યારબાદ તમારું બિલિંગ પણ તે પ્રમાણે થાય તેવું ઘણી વખત લાગે. કેટરેકની વાત કરીએ તો ટ્રસ્ટના સારી હોસ્પિટલમાં જાવ તો કેટરેકનું 25 હજાર કે 50 હજારમાં ઓપરેશન થઇ જાય. પ્રાઇવેટ હોસ્પિટલમાં જાવ તો 1 લાખથી દોઢ લાખ સુધીના બિલો આપતાં હોવાના કિસ્સાંઓ મેં જોયા છે. મેડિકલેઇમ ના હોય તો તે ઓછી રકમ પણ થઇ જાય છે. મેડિકલેઇમ છે તેવું જણાવો એટલે બિલોની રકમ વધી જાય છે, તેવું મને તો લાગે છે. એક આંખનું 1 લાખ અને બીજી આંખના ઓપરેશનના 1.12 લાખ. દર્દી, હોસ્પિટલ બધું સરખું હોવા છતાં આ કેવી રીતે થાય? બે મહિનામાં જ એટલો બધો ભાવ વધારો થઇ ગયો? એટલે વીમા કંપની પૈસા ઓછાં આપે એટલે દર્દી કોર્ટમાં જાય. કોર્ટ એવું કહે કે, આમાં પેશન્ટનો શું વાંક? ડોકટરે લીધાં છે અને પેશન્ટે આપ્યા છે, એટલે તમારે આપી દેવાના. ‘કોર્પોરેશનને સારવાર સહિતની સર્વિસિસનો પરિપત્ર બહાર પાડ્યો હતો’
કોરોનાના કેસ અંગે તેમણે કહ્યું કે, હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી થઇ હતી. જેમાં હાઇકોર્ટે હોસ્પિટલમાં સારવાર અંગેના દરો નક્કી કરવાનું કોર્પોરેશનને નિર્દેશો કર્યા હતા. કોર્પોરેશનને સારવાર સહિતની સર્વિસિસ અને જમવા સહિતના ખર્ચ અંગેના દરરોજના દરો નક્કી કરતો સરક્યુલર બહાર પાડયો હતો. આ દરો કરતાં પણ હોસ્પિટલોએ મોટી રકમના બિલો આપ્યા છે તે અંગે જુદા જુદા હેડ હેઠળના ખર્ચા બતાવતા હતા. દા.ત. એક જ પીપીઇ કીટ પહેરીને આખા વોર્ડમાં ડોક્ટર ફર્યા હોય પરંતુ દરેક દર્દી પાસેથી પીપીઇ કીટના 2 હજાર રૂપિયા વસૂલ કરે. એટલે વીમા કંપની ક્લેઇમ ન આપે અથવા રકમ ઓછી ચૂકવે. હોસ્પિટલને દર્દી બિલ ચુકવે તેમાં દર્દીનો શું વાંક? તેવા સવાલના જવાબમાં સિનિયર એડવોકેટ આર.પી. રાવલે કહ્યું કે, આ જ કારણોસર કોર્ટ દર્દીઓને વીમા કંપની પાસેથી રકમ અપાવે. પરંતુ કોર્પોરેશને જે દરો જાહેર કર્યા છે તેનાથી વધુ રકમ ચુકવવાના વીમા કંપનીના અધિકારીને સત્તા જ ન હોય. એટલે તે ના ચુકવે. પછી કોર્ટ હુક્મ કરે એટલે વીમા કંપની ચુકવે છે. હોમ કવોરોન્ટાઇનની સારવાર લીધી હોય, પરંતુ વીમા કંપનીએ રકમ ચુકવ્યાં નથી તે વાત સાચી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments