પાલનપુરમાં આજે GPSCની ક્લાસ 1-2ની પરીક્ષા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યામંદિર ખાતે યોજાયેલી પરીક્ષામાં 20થી 25 જેટલા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવાની તક ગુમાવવી પડી છે. પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓ 11:40 કલાકે પહોંચ્યા હતા, જ્યારે નિર્ધારિત સમય 11:35 કલાકનો હતો. માત્ર પાંચ મિનિટની મોડી હાજરીના કારણે તેમને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં. પરીક્ષા અધિકારીએ સ્પષ્ટતા કરી કે SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) મુજબ પરીક્ષાર્થીઓએ નિર્ધારિત સમયે હાજર રહેવું ફરજિયાત છે. આ નિયમના કડક અમલીકરણને કારણે અનેક પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાએ GPSCની પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓમાં નિરાશા ફેલાવી છે. માત્ર પાંચ મિનિટની મોડી હાજરીના કારણે તેમની તૈયારી અને મહેનત પર પાણી ફરી વળ્યું છે.