હાલ રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેને લઈને હવે લોકોને આંખોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગ અને ધૂળ ઊડવાને કારણે પણ લોકોને આંખોની સમસ્યા વધી રહી છે. સાથે ગરમીમાં વધુ પડતા AC અને કૂલરના ઉપયોગથી આંખો ડ્રાય થવાની સમસ્યા સામે આવી રહી છે. વધતી આંખોની બીમારીને લઈને ડોક્ટરે સલાહ આપી છે કે, મોબાઇલના 20 મિનિટના ઉપયોગ બાદ 20 મિનિટનો આંખને આરામ આપવો જોઈએ. આ ઉપરાંત ગરમીમાં આંખો પર ઠંડો શેક કરવો જોઈએ. ગરમીમાં આંખોમાંથી પાણી નીકળવાની સમસ્યા વધુઃ ડૉ. કામિની
સિવિલ હોસ્પિટલના MJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓકથોમોલોજીના એસોસિએટ પ્રોફેસર ડૉ. કામિની પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે, સાથે ધૂળ ઉડવાની પણ સમસ્યા વધી છે, જેના કારણે લોકોને આંખોની સમસ્યા વધી છે. આંખ લાલ થવી, આંખોમાંથી પાણી નીકળવાની સમસ્યા વધી છે. ગરમીમાં એલર્જી તથા શરીરની ગરમીને કારણે પણ લોકોને આંખની સમસ્યા થઈ રહી છે. ‘બહાર નીકળતા સમયે ચશ્માં પહેરવા જોઈએ’
ગરમીમાં લોકો એસી અને કૂલરનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે આંખો ડ્રાય થઈ રહી છે. મોબાઇલના પણ વધુ પડતા ઉપયોગના કારણે આંખોની સમસ્યા વધી છે. આંખ દુખવી, ઝાંખું દેખાવું, ઝામર આવવા સહિતની અલગ અલગ સમસ્યા સર્જાય છે. આ પ્રકારની સમસ્યાથી બચવા માટે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શક્ય હોય તો ચશ્માં અને ટોપી પહેરવી, જેનાથી સૂર્ય પ્રકાશ સીધો આંખમાં ન જઈ શકે. ધૂળ ઊડતી હોય તો ચશ્માં પહેરવા જોઈએ. આંખોમાં બળતરા થતી હોય તો ઠંડો શેક કરવો જોઈએ. કોમ્પ્યુટર અને મોબાઇલના 20 મિનિટના ઉપયોગ બાદ આંખોને 20 મિનિટનો આરામ આપવો જોઈએ. ‘સ્ટીરોઈડ ડ્રોપથી આંખની દ્રષ્ટિ જવાની શક્યતા’
આંખોની સમસ્યા હોય તો આંખોના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિએ જાતે ઇલાજ કરવાનું ટાળવું જોઈએ. ડોક્ટરની સલાહ વિના આઈ ડ્રોપ કે દવા ન લેવી જોઈએ. કેટલાક ડ્રોપમાં સ્ટીરોઈડ હોવાને કારણે આંખોને નુકસાન થઈ શકે છે. સ્ટીરોઈડના કારણે આંખની દ્રષ્ટિ જવાની શક્યતા છે, ઝામર પણ થઈ શકે છે.