શાયર રાવલ
વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ ડો. મનીષ પટેલ, ફાર્માકોલોજીના એસોસિએટ પ્રોફેસર ડો. દેવાંગ રાણાને ચાર્જશીટ આપવાનું મ્યુનિ.એ નક્કી કર્યું છે. 24 કલાકમાં તે ઈશ્યૂ કરી જવાબ મગાશે. વીએસમાં દર્દીઓ પર દવાના અખતરા કરવાના કૌભાંડમાં તપાસ દરમિયાન મ્યુનિ.ને મળેલા દસ્તાવેજો મુજબ 2021 પછી 500 દર્દી પર 58 ટ્રાયલ થયા હતા. નિયમ મુજબ 40 ટકા વીએસના મળવા જોઈતા હતા. પણ ડો. મનીષ પટેલ, ડો. દેવાંગ રાણા સહિતનાએ આ પૈસા ઘરભેગાં કર્યા હતા. તેમની પાસેથી 1 કરોડની રિકવરી કરાશે. વધુ તપાસ પછી રિકવરીની રકમ વધી શકે છે. કૌભાંડમાં એનએચએલ કોલેજના ડીન ડો. ચેરી શાહ, ફાર્માકોલોજીના વડા ડો. સુપ્રિયા મલ્હોત્રા અને વીએસના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહને પણ નોટિસ અપાશે. મ્યુનિ. બોર્ડની બેઠકમાં કોર્પોરેટર રાજશ્રી કેસરીએ એવો આક્ષેપ કર્યો છે કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 3 દર્દીના મૃત્યુ થયા હતા. ડોક્ટરોએ ભેગા મળી કરોડો રૂપિયા સેરવી લીધા હતા. વધુમાં ડો. પારુલ શાહ તપાસ કમિટીમાં છે પરંતુ તેમણે જ એસ-4 રિસર્ચ સાથે ક્લિનિકલ ટ્રાયલ માટે એમઓયુ કર્યા હતા માટે તેમને તપાસ કમિટીમાંથી દૂર કરવાની માગણી છે. તેમણે કહ્યું, જો ડો. પારુલ શાહને તપાસમાં રખાય તો વાડ ચીભડાં ગળે તેવો ઘાટ થશે. મ્યુનિ. બોર્ડ બેઠકમાં કમિશનરે કહ્યું, ક્લિનિકલ ટ્રાયલ માટે વીએસમમાં એથિકલ કમિટી હતી નહીં. ચાર ખાનગી હોસ્પિટલની એથિકલ કમિટી સાથે સમજૂતિ કરાઈ હોવાની વિગતો સાંપડે છે. મ્યુનિ. બોર્ડની બેઠકમાં ચર્ચા દરમિયાન કમિશનરે ઉલ્લેખ કર્યો હતો કે, ક્લિનિકલ ટ્રાયલ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલના નિયમ પ્રમાણે એક એથિકલ કમિટી રચવી પડે છે.
સંગિની હોસ્પિટલ એથિકલ કમિટી, સેટેલાઈટ, અમદાવાદ
રિદ્ધિ મેડિકલ નર્સિંગ હોમ, મણિનગર, અમદાવાદ
શ્રેય હોસ્પિટલ એથિકલ કમિટી, નવરંગપુરા, અમદાવાદ
આત્મન હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂશનલ એથિકલ કમિટી, બોપલ-ઘુમા
નિયમ પ્રમાણે વીએસને 40 ટકા મળવા જોઈએ
સંસ્થાને 40%
મુખ્ય તપાસ કરનાર તબીબ 40%
સહાયક તપાસ કરનાર તબીબ 15%
મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ 2%
ડીન – 2 ટકા એથિકલ કમિટીના સેક્રેટરીને 1% એનએચએલ મેડિકલ કોલેજ સાથે ફાર્મા કંપનીઓનું જોડાણ હતું. 2020માં એસવીપી હોસ્પિટલનું એનએચએલ સાથે જોડાણ થતાં વીએસ સાથેનો સંબંધ પૂરો થયો. જેથી વીએસ પાસે એથિકલ કમિટી અને ફોર્મ-સી ન હોવાથી નવી કમિટી રચી શકાઈ નહીં. જાણકારો મુજબ આવા સંજોગોમાં હોસ્પિટલ 50 કિમીના વિસ્તારની બીજી હોસ્પિટલ સાથે MoU કરી શકે છે પણ ડૉ. મનિષ પટેલે મ્યુનિ.ની જાણ બહાર ક્લિનિકલ ટ્રાયલ કરાવ્યા હતા ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 3 દર્દીનાં મોત VSમાં થયા કે SVPમાં તે મુદ્દે હજુ ગૂંચવાડો કોંગ્રેસના કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન વી.એસ.માં ત્રણ દર્દીઓના મૃત્યુ થયાં છે. જોકે મ્યુનિ. કમિશનરે કોર્પોરેટર પાસે પૂરાવાની માંગણી કરી ત્યારે તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. ‘દિવ્ય ભાસ્કર’ની તપાસમાં સામે આવ્યું કે ટ્રાયલ દરમ્યાન વી.એસ. નહીં, પરંતુ એસ.વી.પી. હોસ્પિટલમાં ત્રણે દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. જેમા બે મૃત્યુ કાર્ડિયોલોજી અને એક મૃત્યુ ન્યૂરોલોજી સંબંધિત હતા. કોર્પોરેટર રાજશ્રીબહેને ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 3 દર્દીના વીએસમાં મોત થયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તેમની પાસે પુરાવા માગવામાં આવ્યા ત્યારે તેમણે બીજે દિવસે તે રજૂ કરવાની વાત કરી હતી. બોર્ડની બેઠકમાં મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાને સવાલ કર્યો હતો કે, સમગ્ર મામલો આટલો ગંભીર હોય તો એફઆઈઆર કેમ કરવામાં આવી નથી. માત્ર કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરોને છૂટા કરવામાં આવ્યા છે પણ હોસ્પિટલના સુપિરન્ટેન્ડેન્ટ કે ડીન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત કઈ કંપનીએ કયા દર્દી પર કઈ દવાનો ટ્રાયલ કર્યો હતો તેની પણ માહિતી છુપાવવામાં આવી છે.