નર્મદા જિલ્લા કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે થઈ રહેલી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે ભાજપ સરકાર ઈડીનો દુરુપયોગ કરી રહી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે જણાવ્યું કે સીઆરપીસી કલમ 197(1)નું ઉલ્લંઘન કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમના મતે આ કેન્દ્ર સરકારનું ષડયંત્ર છે. બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને વ્યસ્ત રાખવાની આ કૂટનીતિ છે. કોંગ્રેસનું કહેવું છે કે નેશનલ હેરાલ્ડ સાપ્તાહિકે આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સંસ્થા કોંગ્રેસની છે અને તેમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. 12 વર્ષ પછી આ કેસ ફરી ખોલવામાં આવ્યો છે, જે સ્પષ્ટ રીતે રાજકીય કાવતરું દર્શાવે છે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, તાલુકા પ્રમુખ પ્રકાશ વસાવા, રોહિત વસાવા, માલવ બારોટ, કમલ ચૌહાણ, રણજિત તડવી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કોંગ્રેસે ભવિષ્યમાં રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી પણ આપી છે.