સમય રૈનાનું નામ ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોથી વિવાદોમાં ધેરાયેલું છે. એવામાં કોમેડિયન વધુ એક મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. સમય રૈના દ્વારા બે મહિનાના વિકલાંગ બાળક પર અસંવેદનશીલ મજાક કરવામાં આવી હતી. આ મામલે મેસર્સ ક્યોર એસએમએ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સમય રૈનાની મુશ્કેલીમાં વધારો
કોમેડિયન પર આરોપ છે કે- દસ મહિના પહેલા એક શો દરમિયાન તેણે 2 મહિનાના બાળકના કિસ્સામાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) માટે એક મોંઘા (16 કરોડનાં ઈન્જેક્શન) સારવાર વિકલ્પની મજાક ઉડાવી હતી. બીજા એક કિસ્સામાં, એવો આરોપ છે કે તેણે એક અંધ અને ક્રોસ-આઇડ માણસની મજાક ઉડાવી હતી. રૈના ઉપરાંત, ફાઉન્ડેશનનો આરોપ છે કે કેટલાક ક્રિકેટરોએ પણ વિકલાંગ વ્યક્તિઓની કથિત મજાક ઉડાવતા અસંવેદનશીલ વીડિયો બનાવ્યા છે. શું છે સમગ્ર ઘટના?
ફાઉન્ડેશને કોર્ટને જણાવ્યું હતું કે દસ મહિના પહેલા, સમય રૈનાએ એક કોમેડી ક્લબમાં સ્ટેન્ડ-અપ પર્ફોર્મન્સમાં કર્યું હતું. જેમાં કોમેડિયને બે મહિનાના બાળકની સારવાર સંબંધિત બાબતે મજાક ઉડાવી હતી. આ બાળક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડિત હતું. જેની સારવાર માટેનું એક ઈન્જેક્શન 16 કરોડ રૂપિયાનું આવે છે. સમય રૈનાએ શોમાં કહ્યું હતું કે, ‘જુઓ, ચેરિટી એક સારી વસ્તુ છે, તે થવી જોઈએ.’ હું એક ચેરિટી સંસ્થાની સંભાળ રાખતો હતો જેમાં બે મહિનાનું બાળક હતું જે કંઈક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી પીડિત હતું. તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર પડતી હતી. આગળ સમય શોમાં બેઠેલી એક મહિલાને પ્રશ્ન પૂછી બાળકની મજાક કરતા કહે છે કે – મેડમ, તમે મને કહો… જો તમે આ બાળકની માતા હોત અને તમારા બેંક ખાતામાં 16 કરોડ રૂપિયા હોત, તો એકવાર તમે તમારા પતિ તરફ જોઈને કહ્યું જ હોતને કે- મોંઘવારી વધી રહી છે કારણ કે એ ઇન્જેક્શન પછી પણ બાળક બચી જશે તેની કોઈ ગેરંટી નથી. તે મરી પણ શકે છે. માની લો તે ઈન્જેક્શન પછી મૃત્યુ પામ્યો. પણ તેનાથી ખરાબ, કલ્પના કરો કે બાળક 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શન પછી બચી ગયું, પણ જ્યારે તે મોટો થયો ત્યારે તેણે કહ્યું કે- તે કવિ બનવા માંગે છે. આ રીતે તેણે શોમાં બાળકની મજા કરી હતી. સમય રૈનાથી સુપ્રીમ કોર્ટ નારાજ
ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશવર સિંહની ડિવિઝન બેન્ચે આજે અરજી પર સુનાવણી કરી અને ફાઉન્ડેશન તરફથી લાગેલા આરોપ પર ટિપ્પણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આવા કન્ટેન્ટની નિંદા કરી હતી. જસ્ટિસ કાંતે કહ્યું, ‘આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ જોઈને અમને ખરેખર દુઃખ થાય છે. અમે ઈચ્છીએ છીએ કે તમે આ ઘટનાઓને પણ રેકોર્ડ પર લાવો. જો તમારી પાસે ટ્રાન્સક્રિપ્ટ સાથે વિડીયો-ક્લિપિંગ્સ હોય, તો તે લાવો. સંબંધિત વ્યક્તિઓને સામેલ કરો. અને તમને યોગ્ય લાગે તેવા ઉકેલો પણ સૂચવો… પછી આ કેસ જોઈશું.’ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે શું?
સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA એક મસ્ક્યુલર ડિસઓર્ડર છે. જ્યારે બાળકને આ બીમારી થાય છે, ત્યારે તેનું શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે. શરીરના ઘણા ભાગોમાં કોઈ હલનચલન થતી નથી કારણ કે વ્યક્તિ શરીરના સ્નાયુઓ પરનો નિયંત્રણ ગુમાવવા લાગે છે. આ એક આનુવંશિક રોગ છે જે જનીનોમાં ખલેલ પહોંચે ત્યારે આગામી પેઢીમાં ફેલાય છે. અત્યાર સુધી તેની કોઈ ચોક્કસ સારવાર મળી નથી, ફક્ત દવાઓ દ્વારા તેની અસર ઘટાડવાના પ્રયાસો કરવામાં આવે છે. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝોલ્જેન્સ્મા ઇન્જેક્શનના એક ડોઝથી આ રોગ મટાડી શકાય છે. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીના 5 પ્રકાર છે માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓનો મામલો
સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પરનો વિવાદ શરૂ જ છે. સમયે 8 ફેબ્રુઆરીએ તેની યુટ્યૂબ ચેનલ પર શોનો એક એપિસોડ અપલોડ કર્યો હતો. જેમાં યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાએ માતા-પિતા અને મહિલાઓ વિશે અભદ્ર કોમેન્ટ કરી હતી. દિવ્ય ભાસ્કર અહીં તે બાબતોનો ઉલ્લેખ કરી શકતું નથી.