ગુજરાત સરકાર અમદાવાદમાં હાલ મેટ્રો રેલ દોડાવી રહી છે અને આવતા મહિને ગાંધીનગરના સચિવાલય સુધી તે પહોંચશે. જો કે આ સાથે સરકારે અમદાવાદ શહેરની ફરતે, રીંગ રોડની માફક મેટ્રો રેલ દોડાવવા માટે પણ પ્રાથમિક નિર્ણય લીધો છે. આ માટે થોડાં સમય પહેલા સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું. આ માટેનો અંદાજિત ખર્ચ અને ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ સહિતની બાબતો હવે તૈયાર કરવામાં આવશે તેમ સરકારના સૂત્રો જણાવે છે. સરકારી સૂત્રોએ કહ્યું કે, હાલના સરદાર પટેલ રીંગ રોડને સમાંતર એવી આ મેટ્રો રેલ દોડશે જે ઓલિમ્પિક રમતો માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને ગોધાવી પાસે તૈયાર થનારાં સ્પોર્ટ્સ સંકુલને જોડશે. આ સિવાય અન્ય રમતો માટે અમદાવાદ શહેર ફરતે કેટલાંક સ્થળોએ હંગામી રમતગમત સંકુલો અને સ્ટેડિયમ તૈયાર થશે તેને પણ કનેક્ટ કરશે.
આ મેટ્રો રેલ પ્રોજેક્ટ અમદાવાદના લગભગ તમામ વિસ્તારોને એકબીજા સાથે જોડી દેશે. અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશનથી આગળની તરફ ગોધાવી થઇને મેટ્રો રેલને સનાથલ પાસે અમદાવાદ-ધોલેરા એક્સ્પ્રેસ-વે સુધી જોડવાનું પણ આયોજન છે, જેથી ત્યાં તૈયાર થનારાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુસાફરોને પણ કનેક્ટિવિટી મળી રહે. સરકારે સનાથલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવા માટે આયોજન કર્યું છે. અહીંથી ધોલેરા એરપોર્ટ પહોંચવા માટે વિશેષ ટ્રેન હશે. આ ઉપરાંત સર્ક્યુલર રૂટ પર દોડનારી મેટ્રો માટે 40થી વધુ સ્ટેશનો હશે. આ સ્ટેશનો હાલના મેટ્રોના નોર્થ-સાઉથ તથા ઇસ્ટ-વેસ્ટ કોરિડોરના છેવાડાના સ્ટેશન સાથે જોડવામાં આવશે. આ રૂટથી સમગ્ર અમદાવાદ મેટ્રોથી કનેક્ટ થશે. રાજકોટ, વડોદરામાં મેટ્રો રેલ, અમદાવાદનો રૂટ લંબાશે
ગુજરાત સરકારે કેન્દ્રને એક દરખાસ્ત મોકલીને રાજકોટ અને વડોદરામાં મેટ્રો રેલ શરૂ કરવા માટે તેમજ અમદાવાદમાં વર્તમાન મેટ્રોના રૂટને એરપોર્ટ તેમજ ગિફ્ટ સિટી સુધી લંબાવવા માટે પણ જણાવ્યું છે. પ્રારંભિક તબક્કે આ માટે 12 હજાર કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય અંગે રજૂઆત કરાઇ છે, જે જમીન સંપાદન, ડીપીઆર તૈયાર કરવા તેમજ કેટલીક માળખાકીય સુવિધા માટે જરૂરી રહેશે.