દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… કોંગ્રેસના દિગ્ગજ નેતાને કડવો અનુભવ થયો
તાજેતરમાં જ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી બેઠક લેવા માટે આવ્યા હતા જેમાં માત્ર અપેક્ષિત લોકોને જ કાર્યાલયમાં પ્રવેશ આપવામાં આવતો હતો. કાર્યાલયમાં પ્રવેશ માટે પોલીસને કોંગ્રેસ તરફથી લિસ્ટ આપવામાં આવ્યું હતું અને જે લોકો આવતા હતા તેમના નામ પૂછીને પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારે કોંગ્રેસના એક પૂર્વ નેતા જે પ્રદેશના હોદ્દેદાર રહી ચૂક્યા છે તેઓને પોલીસ ઓળખી જ ના શકી અને જ્યારે તેઓ કાર્યાલયમાં આવ્યા તો પોલીસે તેઓને રોકીને તેમનું નામ પૂછ્યું હતું. હોદ્દેદાર પણ આ બાબત જોઈને ચોકી ઉઠ્યા હતા. ત્યાં ઉભેલા કોંગ્રેસના કાર્યકર્તાને એક બે નેતા પણ દોડીને આવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ કહ્યું ત્યારે પોલીસ પણ હસવા લાગી અને પ્રદેશ હોદ્દેદાર પણ હસતા હસતા કાર્યકર્તાઓને કટાક્ષમાં કહેતા ગયા હતા કે, પરિન્દા ભી પર નહીં માર શકતા એવો બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ નેતાને મીડિયાથી લઈ અને કોંગ્રેસના તમામ લોકો સારી રીતે ઓળખે છે પણ પોલીસ ન ઓળખી શકતા ત્યાં ઉભેલા કેટલાક લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપના કોર્પોરેટરને કરેલા ગેરકાયદે બાંધકામનું ડીમોલીશન ક્યારે?
કોઈ સામાન્ય વ્યક્તિએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ તેને નોટિસો આપી અને બાંધકામ તોડી નાખતા હોય છે. પરંતુ અમદાવાદમાં ભાજપના જ એક કોર્પોરેટરે ગેરકાયદેસર બાંધકામ કરી દીધું જેને લઇને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તેમને ત્રણ નોટિસ પણ આપી છે. કોર્પોરેટરનું ગેરકાયદેસર બાંધકામ હજી પણ યથાવત હોવા અંગેનું જાણવા મળ્યું છે. ત્રણ વખત નોટિસ આપી હોવા છતાં પણ ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કારણ કે ભાજપના કોર્પોરેટરનું આ બાંધકામ છે એક તરફ ભાજપના જ ચેરમેન ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટેની કમિટીમાં વાત કરતા હોય છે. પરંતુ એમના જ કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું બાંધકામ હોય તો તેને તોડી પાડવામાં આવે છે. પરંતુ કોર્પોરેટર જ આ રીતે ગેરકાયદેસર બાંધકામ કરતા હોય ત્યારે તેમની વિરુદ્ધ કેમ કાર્યવાહી થતી નથી. IAS અધિકારીના સ્વભાવથી અધિકારી-કર્મચારીઓ તોબા પોકારી ઉઠ્યા
ગુજરાતના એક IAS અધિકારીના સ્વભાવને લઈને અધિકારીઓ અને કર્મચારીઓમાં ખૂબ ચર્ચા જાગી છે. આ IASનો સ્વભાવ ખૂબ જ ઉગ્ર અને તોછડાઈભર્યું વર્તન કરતા હોવાને લઈને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ નારાજગી ફેલાઈ છે. તેઓના સ્વભાવના કારણે તેમની સાથે કોઈપણ કામની ચર્ચા કરવા જતા તેમજ કોઈ વાત કહેવા માટે અધિકારીઓ જતા નથી. પ્રજાકીય કામોમાં ક્યાંક કોઈ જગ્યાએ તેમનું ધ્યાન દોરવું જરૂરી હોય છે પરંતુ આ અધિકારી તો કોઈનું સાંભળતા જ નથી બસ તેમને જે રીતે ફાવે તે રીતે જ બોલવા લાગે છે જો કોઈ તેમની સામે બોલે તો તેમને ખખડાવી નાખે છે અને સામાન્ય બાબતોમાં પણ નોટિસો આપવાની વાત કરે છે. IASના વર્તનથી હવે કર્મચારીઓ અને અધિકારીઓ કંટાળી ગયા છે અને આના કરતા તો જૂના સાહેબ ખૂબ સારા હતા તેવી ચર્ચા જાગી છે. શિસ્તભંગ કરતા ભાજપના કોર્પોરેટરો સામે કાર્યવાહી ન થતા આશ્ચર્ય
અમદાવાદના ભાજપના એક કોર્પોરેટર બોલાચાલી, ઝઘડા અને મારામારીના વિવાદમાં આવતા હોય છે. તેમ છતાં પણ શહેર ભાજપ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતા દ્વારા તેમની પાસે કોઈ પણ ખુલાસો માંગવામાં આવતો નથી. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી અને જો કોઈ પણ વિવાદ થાય તો તેને નોટિસ આપી અને ખુલાસો માંગતા હોવાનું નેતાઓ કહેતા હોય છે. પરંતુ કોર્પોરેટરને કોઈપણ નોટિસ આપી અને તેની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો નથી. તેમને કોઈ ઠપકો પણ આપવામાં આવતો નથી. સામાન્ય લોકોથી લઈ કાર્યકર્તાઓ સાથે અવારનવાર તેમના ઝઘડાના અને બોલાચાલીના બનાવો બન્યા છે છતાં પણ ભાજપના નેતા તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી જેથી સ્પષ્ટ થાય છે કે ભાજપના નેતાઓ તેમના જ કોર્પોરેટરોને છાવરી રહ્યા છે. AMC એસ્ટેટ વિભાગમાં અધિકારીઓને પ્રમોશન અને નિમણૂકનો વિવાદ
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓને પ્રમોશન આપી અને નિમણૂક આપવામાં આવી હતી. ભાજપના એક નેતાની ભલામણથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે અધિકારીએ જગ્યા પર ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર હતા તેને અન્ય જગ્યાએ બદલી અને પ્રમોશન આપવામાં આવેલા અધિકારીને મૂકવામાં આવ્યા હતા. આ બાબતે ભાજપના સત્તાધીશો અને અન્ય ભાજપના ઉચ્ચ નેતાને જાણ થતા તેઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પૂછ્યું હતું કે શા માટે અધિકારીનો બદલીનો ઓર્ડર કરી દેવાયો છે. જે બાદ ફરીથી પરિપત્ર કરી અને પ્રમોશન મેળવેલા અધિકારીને અન્ય લોનમાં મૂકવામાં આવ્યા છે જ્યારે જે અધિકારી જ્યાં હતા ત્યાં જ ફરી રાખવામાં આવી દેવાનો ઓર્ડર કરવો પડ્યો હતો. ભાજપના એક નેતાએ ભલામણ કરી હોવાથી બારોબાર બદલી કરી દેવામાં આવતા વિવાદ સામે આવ્યો હતો. ભાજપ સંગઠનના વિવિધ મોરચામાં હોદા મેળવવા ખેચતાણ
ગુજરાત ભાજપમાં પ્રદેશથી લઈને અમદાવાદ શહેર પ્રમુખની હજી જાહેરાત થઈ રહી નથી ત્યારે સંગઠનમાં વિવિધ મોરચાઓના પ્રમુખો અને ઉપપ્રમુખો બનવાને લઈને કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે. અમદાવાદ શહેર ભાજપમાં યુવા મોરચો નિષ્ક્રિય રહ્યો છે અને તેના પ્રમુખની કામગીરી પણ કોઈ ખાસ નોંધ લાયક ન બની હોવાની વચ્ચે યુવા મોરચાના જ એક પાટીદાર યુવા નેતા પ્રમુખ બને તેવી કાર્યકર્તાઓમાં ચર્ચા છે. યુવા હોદ્દેદાર પાર્ટીના કેટલાક પાટીદાર નેતાઓ સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે. ભાજપના ઉચ્ચ નેતાઓ સુધી તેઓ સારા સંબંધો હોવાને લઈને તેઓને યુવા મોરચા પ્રમુખ તરીકે તેઓ બનાવવામાં આવી શકે છે તેવી કાર્યકર્તાઓમાં ચર્ચા છે. જો કે યુવા મોરચાને ખાસ સક્રિય ન થવા દેવામાં તેમજ ચોક્કસ કાર્યકર્તાઓને જ આગળ કરવામાં આવતા હોવા અંગેની પણ ચર્ચા છે. ધાતરવડી ડેમના બદલે ભરડિયો બચાવવાના પ્રયાસ થતા હોવાની ચર્ચા
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમા ધાતરવડી ડેમ સાઈટમાં આવેલ બે ક્વોરી લીઝમાં બ્લાસ્ટિંગ કરી પથ્થરો કાઢવામાં આવે છે. આ બ્લાસ્ટિંગના કારણે ડેમ ઉપર સીધું નુકસાન થતા તંત્ર કાર્યવહી ન કરે તેને બચાવવા માટે ભાવનગરના એક ભાજપના નેતાએ ગાંધીનગરથી ભલામણ કરાવી હોવાની ચર્ચા આખા અમરેલી જિલ્લામાં ચાલી રહી છે. આ નેતા દ્વારા લીઝ બંધ ન થાય તે માટે ભલામણ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને દરરોજની લાખો રૂપિયાની કમાણીમાં અનેક અધિકારીઓ અને નેતાઓ વચ્ચે ભાગબટાઈ થતી હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ ડેમ બચાવવા આંદોલન કર્યા પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા સ્થાનિક અમરેલીના અધિકારીઓ અને એક નેતા ડેમના બદલે ભરડિયો બચાવવા મથામણ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તા વચ્ચે જામી પડી
ભાજપના એક ધારાસભ્ય અને કાર્યકર્તા વચ્ચે ઓફિસમાં બોલાચાલી થઈ હોવા અંગેની ચર્ચા છે. ધારાસભ્યએ કાર્યકર્તાને કોઈ બાબતે ઓફિસમાં બોલાવ્યો હતો. પહેલા તો શાંતિથી વાતચીત ચાલતી હતી ત્યારબાદ અચાનક જ ધારાસભ્યએ કાર્યકર્તાને જેમ ફાવે તેમ બોલવાનું શરૂ કર્યું હતું જેથી કાર્યકર્તા ગુસ્સે ભરાયો હતો અને તેણે પણ સામે બોલવાનું શરૂ કરી દીધું હતું ધમકીભર્યા સ્વરમાં બંને વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ હતી. કાર્યકર્તા ત્યારબાદ ત્યાંથી નીકળી ગયો હતો. જો કે ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તા વચ્ચે આવી ઉગ્ર બોલાચાલી થઈ હોવા અંગેની વાત તરત જ બહાર આવી ગઈ હતી. મનમાની કરતા ધારાસભ્યની ફરિયાદો ખુદ ભાજપના જ સ્થાનિક નેતાઓને કાર્યકર્તાઓ કરી રહ્યા છે. આ સાહેબને હવે માપમાં રાખવા જરૂરી છે તેવી ચર્ચા જાગી છે. જો આજ રીતે હજી બે વર્ષ કરશે તો કાર્યકર્તાઓ અને નેતાઓ હવે તેમની વિરુદ્ધ જાહેરમાં મોરચો માંડે અને પાર્ટીની છબી ખરાબ થાય તો નવાઈ નહીં. રાહુલ ગાંધીની ટકોર બાદ કોંગ્રેસના MLA લોકોની વચ્ચે જશે ખરા?
રાહુલ ગાંધી કોંગ્રેસમાં નવસર્જનની શરૂઆત ગુજરાતથી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને લોકોની વચ્ચે જવાની વાત રાહુલ ગાંધીએ કરી હતી. પરંતુ કોંગ્રેસના એક ધારાસભ્યને પ્રજાના કોઈ કામમાં રસ નથી. તેમના મતવિસ્તારમાં સમસ્યાઓથી લઈ અને પ્રશ્નો અંગે ક્યારેય તેઓ રજૂઆત કરતા નથી. કોંગ્રેસના ધારાસભ્ય તેમના વિસ્તારમાં પ્રજા પાણીથી લઇ અને રોગચાળો તેમજ રોડ રસ્તા સહિતની સમસ્યાઓથી ખૂબ જ હેરાન પરેશાન છે. પરંતુ આ ધારાસભ્ય તો માત્ર પોતાના એક નેતા ઉપર ખૂબ નિર્ભર બની ગયા છે. કમિશનર કે કલેક્ટર સાથેની મિટિંગમાં હાજરી આપતા નથી. આ તમામ બાબતોને લઈને તેમની જ વિધાનસભાના કેટલાક કાર્યકર્તાઓ ચર્ચા કરે છે કે રાહુલ ગાંધી ભલે કહે પ્રજા વચ્ચે જાઓ પણ આ સાહેબને તો નેતા જ બનીને ફરવું છે એટલે પ્રજાના કોઈ પ્રશ્ન કરી શકતા નથી.