ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI (બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા)ના પૂર્વ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ બંગાળી ભાષામાં પ્રસારિત થતો ક્વિઝ શો ‘દાદાગીરી’ છોડી દીધો છે. રિપોર્ટ્સ મુજબ, પૂર્વ ક્રિકેટરે ખાનગી ચેનલ ‘સ્ટાર જલસા’ સાથે કરાર કર્યો છે. ગાંગુલીએ ‘બિગ બોસ બાંગ્લા’ અને એક નવા ક્વિઝ શો માટે ₹125 કરોડનો ચાર વર્ષનો કરાર કર્યો છે. તેનું નિર્માણ જૂલાઈ-2025માં શરૂ થશે અને બંને શોનું પ્રીમિયર જુલાઈ-2026માં થવાની શક્યતા છે. સૌરવ ગાંગુલીએ ન્યૂઝ18 બાંગ્લા સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ અંગે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, “ટેલિવિઝને હંમેશા મને લોકો સાથે જોડાવાનો એક ખાસ માર્ગ આપ્યો છે. આ ચેનલ સાથે જોડાવાનો મને ખૂબ આનંદ થાય છે, કારણ કે અમે નવા નોન-ફિક્શન પ્રોગ્રામિંગ દ્વારા વાર્તા કહેવાના એક નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. મનોરંજન અને વિવેકબુદ્ધિ આપનારા બંને શો સાથે જોડાવાનો મને ઉત્સાહ છે. હું હંમેશા ક્રિકેટ ફિલ્ડથી અલગ ઓડિયન્સ સાથે જોડાવવામાં વિશ્વાસ રાખું છું અને આ કોલબ્રેશન નવા ફોર્મેટ અને પ્રેરણા આપતી વાસ્તવિક વાર્તાઓ દ્વારા મને તેમ કરવાની મંજૂરી આપે છે. આ એક નવી ઇનિંગ છે અને હું ક્રિકેટની જેમ જ ઉત્સાહથી તેને રમવા માટે તૈયાર છું.” ‘દાદાગીરી’ બંગાળી ભાષામાં પ્રસારિત થતો ક્વિઝ શો છે, જે 2009થી ‘ઝી બાંગ્લા’ ચેનલ પર પ્રસારિત થઈ રહ્યો છે. શોના શરુઆતના બે સીઝન ‘દાદા’ સૌરવ ગાંગુલીએ હોસ્ટ કર્યા હતા. ત્રીજી સીઝનમાં તેને એક્ટર મિથુન ચક્રવર્તીએ રિપ્લેસ કર્યો હતો. જોકે, ચોથી સીઝનથી તે લગાતાર શો હોસ્ટ કરી રહ્યો છે. ‘દાદાગીરી’ શોની 10મી સીઝન 5 મે 2024ના રોજ પૂરી થઈ હતી. ‘બિગ બોસ બાંગ્લા’એ હિન્દી ટેલિવિઝન રિયાલિટી શો ‘બિગ બોસ’નું બંગાળી ભાષામાં વર્ઝન છે. ‘બિગ બોસ બાંગ્લા’ની અત્યારસુધીમાં 2 સીઝન પ્રસારિત થઈ ચૂકી છે. તેની પહેલી સીઝન 17 જૂન 2013ના રોજ ‘ETV બાંગ્લા’ ચેનલમાં શરૂ થઈ હતી, જેને મિથુન ચક્રવર્તીએ હોસ્ટ કરી હતી. જ્યારે તેની બીજી સીઝન 4 એપ્રિલ 2016ના રોજ ‘કલર્સ બાંગ્લા’ ચેનલ પર શરૂ થઈ હતી, જેનો હોસ્ટ જીત હતો. સૌરવ ગાંગુલીએ OTT પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ની વેબ સિરીઝ ‘ખાકી: ધ બેંગાલ ચેપ્ટર’ના પ્રમોશનલ વીડિયોથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું છે. તે પોલીસ ઓફિસરના રોલમાં પ્રમોશન વીડિયોમાં જોવા મળ્યો હતો. જોકે, વેબ સિરીઝમાં તેણે અભિનય કર્યો નથી.