બોલિવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા હાલમાં તેની નવી ફિલ્મ ‘છોરી 2’ને લઈને ચર્ચામાં છે પરંતુ તેના હૃદયમાં એક વેદના પણ છે. તાજેતરમાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, “ફિલ્મી પરિવારોમાંથી આવતા કલાકારોને વધુ તકો મળે છે, જ્યારે બહારના લોકોને પોતાની જાતે ઘણી મહેનત કરવી પડે છે.” પોડકાસ્ટ એ એક ડિજિટલ ઑડિયો અથવા વીડિયો પ્રોગ્રામ છે, સામાન્ય રીતે તે વિવિધ એપિસોડમાં રજૂ કરવામાં આવે છે. યુટ્યુબ પોડકાસ્ટ હોસ્ટ શુભંકર મિશ્રા સાથે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, “તેમને ચોક્કસપણે એક ફાયદો છે, કારણ કે તે ઇન્ડસ્ટ્રીને સમજે છે અને લોકોને ઓળખે છે. જો તે ઓળખતા ન હોય, તો તેમના માતા-પિતા કોઈને ઓળખે છે. એટલા માટે તે એવી જગ્યાએ પહોંચી શકે છે, જ્યાં હું પહોંચી શકતી નથી.” “તે એવા બારણે ટકોરા મારી શકે છે, જેના વિશે મને ખબર પણ નથી. જો મારે કોઈ પ્રોડ્યૂસર કે ડિરેક્ટરને મળવું હોય, તો મને તેમનો નંબર કોણ આપશે? હું કોને પૂછું?” એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર કિડ્સ વિશે પણ કહ્યું, “હું તેમને ‘નેપો કિડ્સ’ કહેવા માંગતી નથી, કારણ કે મને આ શબ્દ પસંદ નથી. મને લાગે છે કે દરેક વ્યક્તિના પોતાના સંઘર્ષો હોય છે, પોતાના પ્રેશર હોય છે. હા, તેમની પાસે અમુક વિકલ્પો છે, જે મારી પાસે નથી, પણ એમાં કોઈ વાંધો નથી.” વાતચીત દરમિયાન, એક્ટ્રેસે એ પણ જણાવ્યું કે, કેવી રીતે તેણે પોતે ઘણા લોકોને મેસેજ કર્યાં અને કામ માંગ્યું. “હું ઘણા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. એક દિવસ ડિરેક્ટર કબીર ખાને જવાબ આપ્યો અને મને મળવા માટે બોલાવી.” નુસરતે આગળ કેટલાક એવા નામ લીધા, જે તેની સફરમાં તેની સાથે ઉભા રહ્યા. તેણે કહ્યું, “લવ રંજન, હંસલ મહેતા અને વિશાલ ફુરિયા જેવા ડિરેક્ટરો મારી સાથે કામ કરવા માંગે છે. હું તેમની સાથે ખૂબ જ જોડાયેલી છું. આ લોકો મને પરિવાર જેવા લાગે છે.” હાલમાં, નુસરત ડિરેક્ટર વિશાલ ફુરિયાની ‘છોરી 2’માં જોવા મળી રહી છે, જે OTT પર રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં નુસરત સાથે સૌરભ ગોયલ, સોહા અલી ખાન, કુલદીપ સરીન અને પલ્લવી અજય પણ છે.